ઇશારા, બાબુરાવ (જ. 7 સપ્ટેમ્બર 1934 ઉના, હિમાચલપ્રદેશ; અ. 25 જુલાઈ 2012 મુંબઈ) : ખ્યાતનામ ભારતીય સિનેદિગ્દર્શક. મૂળ નામ રોશનલાલ શર્મા. 1971-’72ના વર્ષમાં ‘ચેતના’ નામની સિનેકૃતિ દ્વારા સિનેદિગ્દર્શનક્ષેત્રે પ્રવેશ્યા અને પ્રસિદ્ધિ પામ્યા હતા. ‘ચેતના’ ભદ્ર સમાજના સુખી પુરુષોને શયનસુખ આપતી એક રૂપજીવિનીની કથા છે. આ વ્યવસાય દરમિયાન તેના જીવનમાં સામાન્ય આર્થિક સ્થિતિનો એક આદર્શવાદી યુવાન પ્રવેશતાં તેના જીવનમાં પલટો આવે છે. ત્યારપછીની કથા સ્વચ્છ નીતિમય વૈવાહિક જીવન જીવવા માટેના તે યુવતીના પ્રયાસો અને તેના માનસિક સંઘર્ષની કથા છે. પુણે ખાતેની રાષ્ટ્રીય ચલચિત્ર શિક્ષણ સંસ્થાનમાં તાલીમ પામેલ અભિનય-પ્રતિભાઓ રેહાના સુલતાન, અનિલ ધવન અને શત્રુઘ્ન સિંહાએ તેમાં અભિનય કર્યો છે. ઇશારાની આ સર્વપ્રથમ સિનેકૃતિએ વ્યાવસાયિક સફળતા મેળવી હતી. તેઓ સિનેનિર્માણ સ્ટુડિયોના નીચલી કક્ષાના એક સામાન્ય કર્મચારીપદથી આગળ વધી દિગ્દર્શકના પદ સુધી પહોંચ્યા હોઈ સિનેનિર્માણનાં બધાં પાસાંઓનો જાતઅનુભવ ધરાવતા હતા. વળી માત્ર ત્રણ અઠવાડિયાં જેટલી ટૂંકી મુદતમાં નિર્માણ પૂરું કરવાની તેમની કાબેલિયત અને તેમની ફિલ્મનું ન્યૂનતમ નિર્માણખર્ચ તેમની વિશિષ્ટતા ગણાય હતી. ‘ચેતના’ની રજૂઆત બાદ માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ‘જરૂરત’, ‘બાઝાર બંધ કરો’ અને ‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’ જેવી અન્ય ત્રણ કૃતિઓની રજૂઆત દ્વારા તેમણે તેમની આ કાબેલિયતની પ્રતીતિ કરાવી હતી.
ઇશારા તેમની પ્રારંભિક કૃતિઓ દ્વારા સામાજિક સમસ્યા અને યુવા પેઢીના પ્રશ્નોને વાચા આપતા હોવાની છાપ પાડતા હતા. પરંતુ તેમની કૃતિઓ વ્યાવસાયિક કૃતિઓનાં તત્ત્વોથી મુક્ત નહોતી. ‘ચેતના’ અને ‘જરૂરત’ની સફળતા બાદ જયા ભાદુરીના અભિનય-યુક્ત તેમની કૃતિ ‘બાઝાર બંધ કરો’ સર્વથા નિષ્ફળ રહી હતી.
1973ના વર્ષમાં તેમણે ‘ચરિત્ર’, ‘દિલકી રાહેં’, ‘એક નાવ દો કિનારે’, ‘હાથી કે દાંત’, ‘નઈ દુનિયા નયે લોગ’ જેવી પાંચ કૃતિઓનું દિગ્દર્શન અને રજૂઆત કર્યાં હતાં. તે ફિલ્મોમાં તેમણે રાષ્ટ્રીય ચલચિત્ર શિક્ષણ સંસ્થાનમાં તાલીમ પામેલ ઊગતી પેઢીના કલાકારોને સ્થાન આપ્યું હતું. એમાં રેહાના સુલતાન, અનિલ ધવન, રાકેશ પાંડે, વિજય અરોરા, શત્રુઘ્ન સિંહા, જયા ભાદુરી અને રીના રોય મુખ્ય હતાં.
1971થી ’73ના ટૂંકા ગાળામાં પંદરેક કૃતિઓનું દિગ્દર્શન કરનાર આ સર્જકે પાછલાં વર્ષોમાં વર્ષે એક કૃતિ આપેલી.
ઉષાકાન્ત મહેતા