ઇલેકટ્રોસ્કોપ : વિદ્યુતભારનું અસ્તિત્વ તેમજ તેનો પ્રકાર જાણવા માટેનું સાધન. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ તથા વિદ્યુત-ઉપપાદન(electric induction)ના સિદ્ધાંત પર ઇલેકટ્રોસ્કોપની રચના કરવામાં આવે છે.
મહદ્અંશે તો સોનાના વરખવાળો ઇલેકટ્રોસ્કોપ વપરાતો હોય છે. તેની રચનામાં એક કાચની બરણીને અવાહક બૂચથી ચુસ્ત બંધ કરી, બૂચમાંથી એક સુવાહક સળિયો પસાર કરેલો હોય છે. સળિયાના ઉપરના છેડે ધાતુની ગોળાકાર સુવાહક તકતી હોય છે, જ્યારે નીચેના છેડે, એકબીજાથી અલગ એવા બે સોનાના વરખ ચોંટાડેલા હોય છે. અમુક ઇલેકટ્રોસ્કોપમાં બેને બદલે, સળિયાના નીચેના ચપટા છેડા સાથે ફક્ત એક જ વરખ હોય છે. તે વિદ્યુતભારિત થતાં તે વિક્ષેપન (deflection) પામીને સળિયા સાથે અમુક ખૂણો બનાવે છે. સોનાના વરખને બદલે ઍલ્યુમિનિયમના વરખ પણ વાપરી શકાય છે. વરખને બહારના વિદ્યુતભારની અસરથી સુરક્ષિત રાખવા માટે, કાચની બરણીને બદલે કાચની બારીવાળું ધાતુનું પાત્ર પણ વાપરવામાં આવે છે. અથવા કાચની બરણીમાં અંદરની બાજુએથી ઍલ્યુમિનિયમના વરખ રાખેલા હોય છે.
વિદ્યુત-ઉપપાદનની પ્રક્રિયાને કારણે વિદ્યુતભારિત સળિયાને ઇલેકટ્રોસ્કોપની તકતીની નજીક લાવતાં, તકતી પરનાં મુક્ત ઇલેકટ્રોનનું સ્થાનાંતર થવાથી તકતી ઉપર સળિયાના કરતાં વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર અને સળિયાના છેડે આવેલા વરખો ઉપર વિદ્યુતભારિત સળિયાના જ પ્રકારનો વિદ્યુતભાર ઉપપાદિત થાય છે. આમ બંને વરખ ઉપર એક જ પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી, અપાકર્ષણની અસરને કારણે વરખો પહોળા થાય છે અને વિદ્યુતભારને પ્રત્યક્ષ કરે છે. સળિયો દૂર કરતાં, ઉપપાદિત વિદ્યુતભારનું તટસ્થીકરણ થવાથી, વરખો બિડાઈ જાય છે. વિદ્યુતભારિત સળિયા વડે તકતીને સ્પર્શ કરતાં, હવે વિદ્યુત-ઉપપાદનને બદલે વિદ્યુતવહનની ક્રિયા દ્વારા સળિયા પરનો વિદ્યુતભાર ઇલેકટ્રોસ્કોપના આખા સળિયા ઉપર પ્રસરે છે. ફરી પાછો બંને વરખો પર એક જ પ્રકારનો વિદ્યુતભાર હોવાથી, વરખ પહોળા બનીને વિદ્યુતભારને પ્રત્યક્ષ કરે છે. આ પ્રકારમાં સળિયો દૂર કરવા છતાં પણ, વરખો તેમની ઉપરના વિદ્યુતભારને કારણે પહોળી સ્થિતિમાં જ રહે છે. બિડાઈ જતા નથી.
વિદ્યુતભારિત ઇલેકટ્રોસ્કોપની નજીક સમાન વિદ્યુતભાર લાવતાં, વરખો વધુ પહોળા થાય છે અને અસમાન વિદ્યુતભાર માટે વરખો એકબીજાની સમીપ આવે છે. ઇલેકટ્રોસ્કોપ પાસે વિદ્યુતભારરહિત સળિયો લાવવામાં આવે તો તેના વરખો પર કોઈ અસર થતી નથી. આમ ઇલેકટ્રોસ્કોપ વડે સળિયા પરના વિદ્યુતભારનું અસ્તિત્વ તેમજ તેનો પ્રકાર જાણી શકાય છે. જો વરખની પાછળ અંકિત કરેલો સ્કેલ રાખેલો હોય તો વિદ્યુતભારનું માત્રાત્મક મૂલ્ય પણ મળી શકે છે.
જગન્નાથ ગિરધરલાલ સુથાર