ઇલેકટ્રોમિટર : અલ્પ મૂલ્યનાં વિદ્યુતવિભવ તેમજ વિદ્યુતધારાએ ચોકસાઈપૂર્વક માપવા માટેનું સાધન. સાચું માપ મળવાનું કારણ એ છે કે તે વિદ્યુતસ્રોતમાંથી શૂન્ય અથવા લગભગ શૂન્ય જેટલી વિદ્યુતધારા ઉપયોગમાં લે છે. તેથી ઊલટું, આવાં માપન માટેનાં ચલિત ભાગ ધરાવતાં સાધનો (વોલ્ટમીટર વગેરે) થોડીઘણી પણ વિદ્યુતધારા વાપરે છે એટલે તેમની દ્વારા સાચાં માપ મળતાં નથી.

જુદા જુદા પ્રકારના ઇલેકટ્રોમિટરમાં (1) એટ્રેક્ટેડ ડિસ્ક ઇલેકટ્રોમિટર, (2) ક્વાડ્રન્ટ ઇલેકટ્રોમિટર, (3) લીન્ડરમાન ઇલેકટ્રોમિટર, (4) સ્ટ્રિંગ ઇલેકટ્રોમિટર વગેરે છે. ઇલેકટ્રોમિટરની મદદથી માધ્યમનો પરાવૈદ્યુતાંક (dielectric constant) માપી શકાય છે. વિદ્યુતધારામાપન માટેનાં આધુનિક સંવેદી ઇલેકટ્રોમિટર (1) નિર્વાત નલિકા (vacuum tube) ઇલેકટ્રોમિટર અને (2) ક્ષેત્રપ્રભાવ જંકશન ટ્રાન્ઝિસ્ટર (field-effect junction transistor) ઇલેકટ્રોમિટર છે, જેમના વડે 1015 ઍમ્પિયર જેટલી સૂક્ષ્મ વિદ્યુતધારા પણ ચોકસાઈથી માપી શકાય છે.

કૉસ્મિક કિરણોની આયનીકારક અસર તેમજ શોષણ વર્ણપટમાં તથા વાયુવર્ણલેખવિદ્યા(chromatography)માં આયનની સંખ્યાની ગણતરી કરવા માટે ઇલેકટ્રોમિટર વપરાય છે.

જગન્નાથ ગિરધરલાલ સુથાર