રાજ્ય-રમતોત્સવ (ગુજરાત) : સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશો વચ્ચે યોજાતો રમતોનો ઉત્સવ.
ઈ. સ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, તે અગાઉ ગુજરાત મુંબઈ રાજ્યનો એક પ્રાંત હતું અને ઑલિમ્પિક ક્ષેત્રની સર્વ રમતગમત-સ્પર્ધાઓનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંભાળતું હતું. તે મુંબઈ રાજ્ય ઑલિમ્પિક મંડળ દ્વારા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન સાથે સંકળાયેલું હતું. ઈ. સ. 1960માં અલગ ગુજરાતની રચના થતાં ગુજરાત રાજ્ય-કક્ષાએ દરેક રમત માટે અલગ અલગ રમત મંડળો રચાયાં તથા તે બધાંના પ્રતિનિધિઓથી ગુજરાત સ્ટેટ ઑલિમ્પિક ઍસોસિયેશનની સ્થાપના થઈ. આ રાજ્ય-કક્ષાનાં રમતમંડળો પોતપોતાની રમતોની ગુજરાત ચૅમ્પિયનશિપ પોતપોતાની રીતે યોજે છે, તાલીમશિબિરો યોજે છે; એટલું જ નહિ, પણ તે તે રમતના ઉત્કર્ષ માટે સજાગ પ્રયાસો કરે છે અને તેમનું વ્યવસ્થિત નિયમન કરે છે. આ રમતમંડળો તે તે રમતનાં રાષ્ટ્ર-કક્ષાનાં રમતમંડળો સાથે સંયોજિત હોય છે; જ્યારે જિલ્લા-કક્ષાનાં રમતમંડળો જિલ્લા-કક્ષાએ તે તે રમતોની સ્પર્ધાઓ યોજે છે અને વિજેતાઓને રાજ્ય-કક્ષાએ રમવા મોકલે છે. આમ ગુજરાતમાં વિવિધ રમતગમતો જેવી કે ઍથ્લેટિક્સ, કબડ્ડી, ખો ખો, વૉલી બૉલ, હૉકી, બાસ્કેટબૉલ, ફૂટબૉલ, બૅડમિંટન, ટેનિસ, ટેબલટેનિસ, સાઇકલિંગ, ઍક્વેટિક્સ, બિલિયર્ડ, ચેસ, નિશાનબાજી, કુસ્તી, જૂડો, કરાટે વગેરેની જિલ્લા તથા રાજ્ય-કક્ષાએ સ્પર્ધાઓ યોજવાની કાર્યવહી વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે થઈ રહેલી છે. આ દરેક રમતોની રાજ્યકક્ષાની રમતસ્પર્ધાને તે તે રમતની સ્ટેટ ચૅમ્પિયનશિપ તરીકે ઓળખવામાં આવે છે; જ્યારે અત્યંત પ્રચલિત અને લોકપ્રિય થયેલી તેમજ ઑલિમ્પિક્સમાં સમાવિષ્ટ થયેલી ઍથ્લેટિક્સ, વૉલી બૉલ, કુસ્તી, જૂડો, કરાટે, સાઇકલિંગ, જિમ્નૅસ્ટિક્સ જેવી રમતો તથા ભારતીય રમતો જેવી કે કબડ્ડી, ખો ખો, અને મલખમ તથા માર્ચપાસ્ટ જિલ્લા-કક્ષાની તથા રાષ્ટ્ર-કક્ષાની સ્પર્ધાઓનું સુંદર આયોજન પૂર્વ-સ્વાતંત્ર્ય તથા સ્વાતંત્ર્યોત્તર કાળમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દર વર્ષે કરવામાં આવતું હતું અને આવી પસંદ કરેલી (લોકપ્રિય) રમતોની રાજ્યકક્ષાની સંયુક્ત સ્પર્ધાઓ ‘રાજ્ય-રમતોત્સવ’ તરીકે ખૂબ લોકપ્રિય બની હતી. આ સ્પર્ધાઓ જિલ્લાથી રાજ્યકક્ષા સુધી રાજ્યસરકારથી પુરસ્કૃત (sponsored) હતી અને શહેર તથા ગામડાંની પ્રજામાં ખૂબ લોકપ્રિય બની રહી હતી; એટલું જ નહિ, પણ ગ્રામીણ રમતવીરો જાગ્રતપણે આ બધી રમતો પ્રત્યે સક્રિયપણે આકર્ષાયા હતા અને રસપૂર્વક ભાગ લેતા થયા હતા. મુંબઈ રાજ્યમાં 1948થી શરૂ થયેલા આ વાર્ષિક રમતોત્સવો 1960થી ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે રાજ્યસરકારના ઉપક્રમે ચાલુ રહ્યા અને સારી એવી લોકચાહના હાંસલ કરી. આ રાજ્ય-રમતોત્સવોમાં જિલ્લા-કક્ષાની રમતોના વિજેતાઓ ભાગ લેતા અને તે અંગેનું સર્વ ખર્ચ રાજ્યસરકાર ભોગવતી. આ રાજ્ય-રમતોત્સવો, અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, દાહોદ, વિસનગર, નડિયાદ, રાજપીપળા વગેરે જિલ્લા-મથકોએ ખૂબ રોનક અને દબદબાપૂર્વક યોજવામાં આવ્યા હતા; પણ પછી રમતોત્સવો યોજવાની આ પ્રથા સંજોગોવશાત્ 1972 પછી રાજ્યસરકારે બંધ કરી દીધી છે. અલબત્ત, અલગ અલગ રમતોની જિલ્લા યા રાજ્ય-સ્પર્ધાઓ તે તે રમતમંડળ તરફથી યોજવાનું ચાલુ છે અને સરકાર તરફથી તે અનુદાનપાત્ર હોય છે.
એવો સામાન્ય અનુભવ છે કે અલગ રમત ચૅમ્પિયનશિપની યોજનામાં રમતનું ધોરણ ઊંચું આવવાની વધારે શક્યતાઓ શ્યમાન થાય છે, જ્યારે અનેક રમતોની સંયુક્ત રમતોત્સવ-યોજનામાં મીની ઑલિમ્પિક ઉત્સવ જેવો માહોલ, ઠાઠ અને રોનક વિકસેલાં જોવા મળે છે. આમાં વ્યાયામ-આતશ(ઑલિમ્પિક ફાયર)ને અગાઉના વર્ષના રમતસ્થળેથી ચાલુ સ્થળે પગપાળા રમતવીરોની રિલેદોડ દ્વારા વહન કરવાની તથા તેને ઉદઘાટન-પ્રસંગે પ્રગટાવવાની વિધિનો પણ સમાવેશ થાય છે.
ચિનુભાઈ શાહ