રાજાઈઆહ, કે. (જ. 14 મે 1942, સિદ્દીપેટ, મેડક, આંધ્ર) : આધુનિક ભારતીય ચિત્રકાર. હૈદરાબાદની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાંથી રાજાઈઆહે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. તે શોભન (decorative) શૈલીમાં ચિત્રસર્જન કરે છે. સિદ્દીપેટ (1953, 1975), વરાંગલ (1954), હૈદરાબાદ (1964, ’70, ’74), તિરુપતિ (1975) અને સંગારેડ્ડી(1976)માં તેમની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં. 1955, ’57 અને ’60માં તેમને ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સ સોસાયટીએ ખિતાબોથી નવાજ્યા છે.

દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, હૈદરાબાદના સાલાર જંગ મ્યુઝિયમ, તિરુવનંતપુરમના શ્રી ચિત્રાલયન્ આર્ટ મ્યુઝિયમ, મૈસૂરના સ્ટેટ મ્યુઝિયમ, મૅંગ્લોરના મૅંગ્લોર મ્યુઝિયમ તથા નવી દિલ્હીના પાર્લમેન્ટ હાઉસમાં રાજાઈઆહનાં ચિત્રો કાયમી સ્થાન પામ્યાં છે.

અમિતાભ મડિયા