રાજગૃહ : બિહાર રાજ્યના પટણા જિલ્લાના દક્ષિણ-પૂર્વ ખૂણે આવેલું પ્રાચીન નગર. હાલ રાજગિર નામે ઓળખાય છે. ગૌતમ બુદ્ધે અને મહાવીર સ્વામીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત અહીં વર્ષાવાસ કર્યો હતો. જૈનોના 20મા તીર્થંકર મુનિસુવ્રતનું આ જન્મસ્થળ છે. પ્રાચીન કાળમાં રાજગિરનાં અનેક નામો હતાં; જેવાં કે ‘વસુમતી’, ‘બાર્હદ્રથપુર’, ‘ગિરિવ્રજ’, ‘કુશાગ્રપુર’ અને ‘રાજગૃહ’. અનેક સદીઓ સુધી તે મગધ રાજ્યની રાજધાનીનું સ્થળ હતું. આ નગર વૈભાર, વિપુલ, રત્ન, છઠાગિરિ, ઉદય અને સોના પર્વતોથી આવૃત્ત છે. પ્રાચીન સાહિત્યમાં આ પર્વતોનાં વિવિધ નામો દર્શાવાયાં છે. રાજગૃહ બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. ભગવાન બુદ્ધે પોતાના ધર્મપ્રચાર માટે અહીં અનેક વર્ષો વિતાવ્યાં હતાં. બુદ્ધના પરિનિર્વાણ બાદ રાજા અજાતશત્રુએ તેમના શારીરિક અવશેષો રાજગૃહમાં લાવીને તેની પર એક સ્તૂપ બંધાવ્યો હતો. વળી અજાતશત્રુએ પહાડીઓના ઘેરાવાની બહાર નવું રાજગૃહ પણ વસાવ્યું હતું. અજાતશત્રુના ઉત્તરાધિકારી ઉદાયિએ રાજધાનીનું રાજગૃહથી પાટલિપુત્ર સ્થળાંતર કર્યું. રાજગૃહમાં સમ્રાટ અશોકે એક સ્તૂપ અને હસ્તિશીર્ષવાળો પથ્થરનો એક સ્તંભ ઊભો કરાવ્યો હતો.

ઈ. સ. 1905-06માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા અહીં ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે અનેક પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયા હતા. ઈ. પૂ. પહેલી અથવા બીજી સદીની બ્રાહ્મી લિપિમાંનું લખાણ ધરાવતી પટ્ટિકા, તાંબાનો આહત સિક્કો, જૌનપુરના કેટલાક મુસ્લિમ શાસકોના સિક્કાઓ, ચાંદીની બંગડી, બૌદ્ધ મૂર્તિઓના ખંડો અને ‘યે હેતુ પ્રભવા…….’ની બૌદ્ધ ગાથા ધરાવતી ‘ટૅબ્લેટ’ (તકતી) વગેરે અવશેષો પ્રાપ્ત થયા હતા. રાજગૃહનાં સ્મારકો તત્કાલીન રાજકીય અને ધાર્મિક ઇતિહાસની ઝાંખી કરાવે છે. બૌદ્ધ સ્તૂપની આજુબાજુ બીજા નાના કદના સ્તૂપો આવેલા હતા. દરેક સ્તૂપમાંથી બૌદ્ધ ગાથા ધરાવતી માટીની ‘ટૅબ્લેટ’ (તકતી) મળી આવી હતી. સ્તૂપની નજીક 15 મીટર ઊંચો ગજશીર્ષયુક્ત સ્તંભ આવેલો હતો. યુઅન શ્વાંગે આ સ્તંભ જોયો હોવાની વાત પોતાની પ્રવાસનોંધ ‘સિયુકી’માં કરેલી છે. યુઅન શ્વાંગે અજાતશત્રુએ બનાવેલો સ્તૂપ પણ જોયો હતો. વૈભાર પહાડ પર ‘જરાસંધની બેઠક’ નામનું સ્થળ આવેલું છે. સ્થાનિક લોકો તેને ‘નિરીક્ષણ બુરજ’ તરીકે પણ ઓળખે છે. ત્યાં આવેલી છ ગુફાઓ (મૂળમાં સાત) સપ્તપર્ણીની ગુફાઓ તરીકે ઓળખાય છે. તેમાંની ચાર ગુફાઓ સારી સ્થિતિમાં છે. આધુનિક જૈન મંદિરોની નજીક એક પ્રાચીન જૈન મંદિરના અવશેષો છે. તેમાં માત્ર ગર્ભગૃહનો ભાગ જ જળવાઈ રહ્યો છે. તેની દક્ષિણે ખંડિત અવસ્થામાં એક શિવમંદિર આવેલું છે. ઉત્તરના દરવાજાથી એક કિમી. દૂર ‘મણિયાર મઠ’ નામનું સ્મારક આવેલું છે. આરંભમાં મણિયાર મઠ એ એક નાના જૈન મંદિરનું નામ હતું. 1905-06ના ખોદકામ દરમિયાન અહીંથી ચતુર્ભુજ વિષ્ણુ, ગણેશ અને શિવની ષડ્ભુજી નૃત્યમૂર્તિ ઉપલબ્ધ થઈ છે. શૈલીની દૃષ્ટિએ આ મૂર્તિઓ ગુપ્તકાળની જણાય છે. આ મંદિરની નજીક એક બીજું મોટું મંદિર આવેલું છે. તેની ફરતે ઈંટોની વર્તુળાકાર કે સમચોરસ વેદીઓ આવેલી છે. મોટા મંદિરની પશ્ચિમના માર્ગે એક ઈંટેરી મંદિર સ્થિત છે. તેનું બાંધકામ જુદા જુદા સમયે કરવામાં આવ્યું હતું. મણિયાર મઠ એક દૃષ્ટિએ રાજગૃહનું દેવકુલ હતું. અહીંથી પ્રાપ્ત નાગ-નાગણીઓની આકૃતિઓ ને નાગદેવતાઓની મૂર્તિઓ હતી. પથ્થરના એક ફલક પર કંડારેલી નાગમૂર્તિ પર ‘મણિનાગ’ નામ અંકિત છે. આથી કહી શકાય કે આ સ્થળ નાગપૂજાનું કેન્દ્ર હતું. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે રાજગૃહ મણિનાગનું પવિત્ર ધામ હતું. આથી નિ:સંદેહ કહી શકાય કે આધુનિક મણિયાર મઠ પ્રાચીન કાળમાં પ્રતિષ્ઠિત મણિનાગ મંદિરનું પ્રતીક છે. મણિયાર મઠની ઉત્તર-પશ્ચિમના માર્ગે આવેલી બે ગુફાઓ સોન ભંડાર તરીકે જાણીતી છે. આમાંની એક ગુફામાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ કંડારેલી હોવાથી કહી શકાય કે પ્રારંભમાં આ જૈનોની ગુફાઓ હતી. અહીંથી 11 કિમી. દૂર ‘જરાસંધનો અખાડો’ કે ‘રણભૂમિ’નું સ્થળ આવેલું છે. અહીં જરાસંધ અને ભીમ વચ્ચે 28 દિવસ સુધી યુદ્ધ થયું હોવાની અનુશ્રુતિ છે. ગૃધકૂટના સ્થળે એટલે કે આધુનિક છઠાગિરિ પર બે કુદરતી ગુફાઓ આવેલી છે. પ્રસિદ્ધ વૈદ્ય જીવકે અહીં આવેલું પોતાનું વિશાળ આમ્રવન બુદ્ધ અને સંઘને દાનમાં આપ્યું હતું. પ્રાચીન રાજગૃહના કિલ્લાના પ્રાકાર(કોટ)ના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. પ્રાકારને ફરતી પરિખા(ખાઈ)ની ઉપરના પુલના અવશેષો પણ મળ્યા છે. નવીન રાજગૃહની કિલ્લેબંધીના અવશેષો પણ પ્રાપ્ત થયાં છે.

થૉમસ પરમાર