રાજકીય માનસશાસ્ત્ર : રાજકીય વર્તનને માનસશાસ્ત્રની દૃષ્ટિએ સમજવા-સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખા. આમ રાજ્યશાસ્ત્ર અને માનસશાસ્ત્ર – એ બંને વિદ્યાશાખાઓનો સમન્વય કરીને મનુષ્યોના રાજકીય વર્તનને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ સમજાવવાનો પ્રયાસ કરતી વિદ્યાશાખાને રાજકીય માનસશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક રાજ્યશાસ્ત્ર મનુષ્યોના રાજકીય વર્તનનો અભ્યાસ કરવા અંગે અને તેની સમજૂતી આપવા પર વિશેષ ભાર મૂકે છે. મનુષ્યનું રાજકીય વર્તન આખરે તો તેના સામાજિક વર્તનનો જ એક ભાગ છે. મનુષ્યનું સામાજિક વર્તન અત્યંત સંકુલ હોઈ તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવા અને જરૂરી ખુલાસાઓ આપવા માટે વિવિધ સમાજવિદ્યાઓએ વિકસાવેલ સમજણ અથવા સૂઝનો ઉપયોગ કરવો જરૂરી છે.
રાજકીય ઘટના અથવા રાજકીય વર્તનને મનોવૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી, વ્યવસ્થિતપણે સમજાવવાનો પ્રયાસ, આધુનિક સમયમાં, ગ્રેહામ વૉલેસના પુસ્તક ‘હ્યૂમન નેચર ઇન પૉલિટિક્સ’થી થયો, એવું માનવામાં આવે છે. મનુષ્યના વૈયક્તિક અને જૂથગત રાજકીય વર્તનના ખુલાસા આપવાના જે પ્રયાસો વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયા, તેમાંથી રાજકીય મનોવિજ્ઞાનની એક અલાયદી વિદ્યાશાખાનો ઉદભવ થયો.
મનુષ્યસ્વભાવ વિશે અને માનવવર્તન વિશે માનસશાસ્ત્રીઓએ તારવેલાં સર્વસામાન્ય તથ્યો પર આધાર રાખીને રાજકીય સિદ્ધાંતકારો પોતાના સિદ્ધાંતો રચતા હોય છે. વધતે-ઓછે અંશે દરેક રાજકીય સિદ્ધાંતકાર મનુષ્યસ્વભાવનું અર્થઘટન કરીને સિદ્ધાંત તારવવાનો પ્રયાસ કરે છે.
મનુષ્યો રાજ્યને શા માટે તાબે થાય છે (રાજકીય આજ્ઞાધીનતા) અને શા માટે રાજ્યની સામે થાય છે (રાજકીય પ્રતિકાર) એના ખુલાસા માટે રાજકીય સિદ્ધાંતકારો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધાર રાખે છે.
રાજ્યશાસ્ત્રની મુખ્ય વિભાવના સત્તા અથવા પ્રભાવના વિશ્લેષણમાં માનસશાસ્ત્રે વિકસાવેલ સૂઝ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે. નેતૃત્વના પ્રકાર અને તેની કાર્યશૈલીની સમજણ માટે પણ મનોવિજ્ઞાન ઘણું ઉપયોગી છે. વિચારધારાઓના ઉદભવ, પ્રસાર અને પ્રભાવને સમજવા-સમજાવવામાં માનસશાસ્ત્રીય અભિગમે મહત્વની ભૂમિકા ભજવી છે. લોકમત-ઘડતર અને તેની અભિવ્યક્તિ, ચૂંટણી-પ્રચાર, મતદાનીય વર્તન વગેરેના અભ્યાસોમાં પણ માનસશાસ્ત્ર ઉપયોગી સૂઝ પૂરી પાડે છે. રાજકીય હિંસાની ઘટનાઓ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક અસરોનો રાજકીય આવિર્ભાવ હોય છે.
માનસશાસ્ત્રની મહત્વની વિદ્યાશાખાઓ, મનશ્ચિકિત્સા અને મનોવિશ્લેષણે રાષ્ટ્રીય ચરિત્રનાં નિર્માણ, લક્ષણો, પ્રભાવ વગેરેના અભ્યાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. રાજકીય નેતાઓના વ્યક્તિત્વના અભ્યાસમાં પણ મનશ્ચિકિત્સા અને મનોવિશ્લેષણ ઉપયોગી સૂઝ પૂરી પાડે છે.
વિશાળ અર્થમાં કહી શકાય કે રાજ્યશાસ્ત્રે પોતાના વિષયવસ્તુને વધારે સારી રીતે સમજવા-સમજાવવા માટે માનસશાસ્ત્ર અને તેની વિવિધ વિદ્યાશાખાઓ પર ઘણો આધાર રાખ્યો છે. જ્યારે બધી સમાજવિદ્યાઓ વધતે-ઓછે અંશે મનુષ્યના સામાજિક વર્તનને સમજવા પર વિશેષ ભાર મૂકતી હોય ત્યારે તેને સમજવા માટે આંતરવિદ્યાકીય અભિગમ અપનાવવો જરૂરી બને તે સમજી શકાય તેમ છે. રાજકીય માનસશાસ્ત્ર આ આંતરવિદ્યાકીય અભિગમની એક નિષ્પત્તિ છે, એમ કહી શકાય.
દિનેશ શુક્લ