રાઘવ આયંગર, એમ. (જ. 1878, આરિયકુડી, તામિલનાડુ; અ. 1960) : તમિળ ભાષા-સાહિત્યના વિદ્વાન લેખક. તમિળ શિષ્યવૃત્તિ માટે જાણીતા પરિવારમાં જન્મ. 1901માં મદુરાઈ તમિળ સંઘમ્(તમિળ અકાદમી)માં તેમની નિમણૂક અધ્યાપક તરીકે કરવામાં આવી હતી. અકાદમીના મુખપત્ર ‘સેનતમિળ’ના મદદનીશ સંપાદક તરીકે કામગીરી કરી. પાછળથી તેઓ સામયિકના સંપાદક પદે 8 વર્ષ સુધી રહ્યા.
તેમણે પ્રાચીન તમિળોનાં ઐતિહાસિક પાસાંનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો અને સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ લેખો લખ્યા. તેમાંનો એક ‘તમિલ્સ 1800 ઇયર્સ એગો’ નામક લેખ 1905માં તમિળ અકાદમીના ચોથા વાર્ષિક સંમેલનમાં રજૂ કરાયો હતો. તે પાછળથી અંગ્રેજીમાં અનૂદિત કરાયો હતો અને ‘રૉયલ એશિયાટિક જર્નલ’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
1912માં તેમને ચેન્નઈ યુનિવર્સિટીના તમિળ એન્સાઇક્લોપીડિયાના સંપાદક મંડળમાં નીમવામાં આવ્યા. 1919માં તેઓ તેના સંપાદક બન્યા. તેઓ સંશોધન-વિષયક અનેક સાહિત્યિક જર્નલો સાથે સંકળાયેલા હતા. તેઓ ચેન્નઈ યુનિવર્સિટીના તમિળ અધ્યયન-વિભાગના સભ્ય હતા. તેઓ 1944થી 1951 સુધી ત્રાવણકોર યુનિવર્સિટીમાં તમિળના પ્રાધ્યાપક રહેલા.
તેમના નોંધપાત્ર સંશોધનાત્મક ગ્રંથોમાં ‘વેલિર વરલરુ’; ‘તોલ્કાપ્પિયા પૉરુલદિકરા આરૈયી’; ‘ચેરન ચેનકુટ્ટવન્’; ‘ધ પીરિયડ ઑવ્ અલ્વર્સ’; ‘ધ લાઇવ્ઝ ઑવ્ તમિલ પોએટ્સ ફ્રૉમ એન્સિયન્ટ ઇન્સ્ક્રિપ્શન્સ’ (80 કવિઓના જીવનને લગતાં ચરિત્રાત્મક લખાણો); ‘સમ આસ્પેક્ટ્સ ઑવ્ કેરલ ફ્રૉમ તમિલ લિટરેચર’; ‘તમિલ ફૉસ્ટર્ડ બાય તેવર્સ’ અને ‘સ્ટડિઝ ઑન ધ કાળાપ્પિરાર’નો સમાવેશ થાય છે.
તેમના આ મહત્વના સાહિત્યિક અને ઐતિહાસિક પ્રદાન બદલ દેશ અને વિદેશમાંથી તેમને ઘણાં માનસન્માન મળ્યાં હતાં. લોકો તથા અકાદમી સંસ્થાઓ દ્વારા પણ તેઓ સન્માનિત હતા.
બળદેવભાઈ કનીજિયા