રંગા, એન. જી. (જ. 7 નવેમ્બર 1900, નીડુબ્રોલુ, ગંતુર જિલ્લો, આંધ્રપ્રદેશ; અ. 8 જૂન 1995, ગુંતુર) : આખું નામ રંગાનાયકુલુ નીડુબ્રોલુ ગોજિનેની. બંધારણ-સભાના સભ્ય, પીઢ સાંસદ. કૃષિવિદ્, સ્વાતંત્ર્ય-સેનાની, અને સમાજવાદી રાજકારણી.
મધ્યમવર્ગીય ગ્રામીણ કુટુંબમાં જન્મ. નાની વયે માતાપિતાનું શિરછત્ર ગુમાવ્યું. શાલેય અને કૉલેજશિક્ષણ ગંતુર જિલ્લામાં પૂરું કર્યું. આ દરમિયાન સાહિત્યવાચનનો શોખ વિકસ્યો. વિશેષે રામાયણ, મહાભારત સાથે પ્લેટોના રિપબ્લિકનું ઊંડું અધ્યયન કર્યું. ભારતના નજીકના ઇતિહાસનો આ જ અરસામાં અભ્યાસ કર્યો. બિપિનચંદ્ર પાલ અને અન્ય ક્રાંતિકારીઓનાં વ્યાખ્યાનોથી તેઓ પ્રભાવિત થયા. આ તમામ અધ્યયને સામાજિક અન્યાયો સામે સંઘર્ષ ખેલવાની મનની મુરાદ દૃઢ બનાવી.
1920માં ભારતીય સનંદી સેવાની પરીક્ષા આપવાના ઉદ્દેશથી ઇંગ્લૅંડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા; પરંતુ આ અભ્યાસ અધૂરો છોડી બી. લિટ્. થયા. તેમાં તેમણે શોધનિબંધનો વિષય ‘ધ ઇકોનૉમિક્સ ઑવ્ હૅન્ડલૂમ’ પસંદ કર્યો. આ અંગેના અભ્યાસ અને વાચન દરમિયાન જી. ડી. એચ. કોલના ગ્રંથોનો અને સમાજવાદી ચિંતનનો ઊંડો પરિચય કેળવ્યો. આ ચિંતનનો પ્રભાવ જીવનભર રહ્યો. વિદેશના અભ્યાસ દરમિયાન તેમણે યુરોપના વિવિધ દેશોનો પ્રવાસ કર્યો. સમાજવાદી સંગઠન અને સહકારી લડતનો અભ્યાસ કર્યો. કૉલોનિયલ પીપલ્સ ફ્રીડમ ફ્રન્ટના તથા આફ્રિકા, એશિયા અને યુરોપિયન પીપલ્સ કૉંગ્રેસના તેઓ સભ્ય બન્યા. ભારત આવી તેઓ સ્વાતંત્ર્ય-લડતમાં જોડાયા. ગંતુરના પ્રારંભિક શિક્ષણ દરમિયાનના વિચારો અને સમાજવાદી ચિંતનનો સમન્વય થતાં ખેડૂતવર્ગનાં હિતોના તેઓ મજબૂત પુરસ્કર્તા બન્યા.
1923માં સામાજિક કુરિવાજો – વિશેષે અસ્પૃશ્યતા અને પડદા-પ્રથા વિરુદ્ધ લડત આપી. આંધ્ર પ્રોવિન્શિયલ વિમેન્સ પોલિટિકલ કૅમ્પની સ્થાપનામાં રસ લીધો. પંચાયત પ્રથાનું સમર્થન કર્યું, કિસાન લડત આરંભી અને વતનના ખેડૂતો માટે ઇન્ડિયન પેઝન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. તેમણે જમીનદારીનો વિરોધ કર્યો. રોજગારી સંદર્ભે તેમણે ખેડૂતો માટે હાથસાળ-ઉદ્યોગનું ભારે સમર્થન કર્યું. 1925માં તેઓ ભારતીદેવી સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
કારકિર્દીના પ્રારંભે 1927થી 1930ના ગાળામાં ચેન્નાઈની પચૈય્યપા કૉલેજમાં ઇતિહાસના વિભાગીય અધ્યક્ષ તરીકે તેઓ જોડાયા. ત્રણ વર્ષ બાદ આ હોદ્દા પરથી રાજીનામું આપી સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પણ તેમાં પરાજિત થયા. ત્યારબાદ સતત રાષ્ટ્રીય લડતમાં અને ખેડૂતોના પ્રશ્ર્નોની સુધારણામાં સક્રિય રહ્યા. વિશ્વના ખેતી-ઉત્પાદકોના આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑવ્ ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યુસર્સ’ના તેઓ સ્થાપક સભ્ય હતા.
આ બંને ક્ષેત્રોમાંની સક્રિયતાને કારણે તેમણે અનેક વાર જેલવાસ વેઠ્યો. 1946માં આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને અખિલ ભારતીય કૉંગ્રેસના સભ્ય બન્યા. 1952માં કૉંગ્રેસથી અલગ પડી તેમણે કૃષિકાર લોક પક્ષ સ્થાપ્યો. 1959માં કૉંગ્રેસ પક્ષે સંયુક્ત સહકારી ખેતીનો ઠરાવ પસાર કર્યો ત્યારે કૃષિ-ઉત્પાદન અંગેના આંતરરાષ્ટ્રીય ફેડરેશનના સ્થાપક સભ્ય બન્યા. લંડન, હેગ અને કૅનેડાની પરિષદોમાં આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેનું નેતૃત્વ કર્યું. ઇન્ટરનૅશનલ પેઝન્ટ્સ યુનિયનની ચોથી કૉંગ્રેસને મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરવા તેમને આમંત્રિત કરવામાં આવેલા.
1959માં રાજાજી, મીનુ મસાણી વગેરે સાથે મળી સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી અને પ્રારંભે તેના પ્રમુખ રહ્યા. સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 1962 અને 1967ની સામાન્ય ચૂંટણીઓમાં પરાજિત થયા; પણ ત્યારબાદની એક પેટાચૂંટણી જીતતાં સંસદસભ્ય બન્યા. સ્વતંત્ર પક્ષના પ્રમુખ હતા તે દરમિયાન લોકસભાના મોટામાં મોટા વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી કરી. 1973માં સ્વતંત્ર પક્ષ છોડી તેઓ કૉંગ્રેસમાં જોડાયા પરંતુ થોડાક સમય પછી ફરીને કૉંગ્રેસ પક્ષ છોડ્યો. વિવિધ પક્ષોમાંના આ સભ્યપદને કારણે તેમને ‘તકવાદી’નો આરોપ સહન કરવાનો વારો આવ્યો. ખેડૂતોનાં હિતોના બોલકા પ્રતિનિધિ બનવા માટે આ તમામ આક્ષેપો તેઓ સહન કરતા રહ્યા. એ સમયે તેમણે દુષ્કાળ-વીમાની ભલામણ કરી હતી. તેમણે ભાષાવાર રાજ્યરચનાને સમર્થન આપ્યું હતું. આંધ્રના અલગ રાજ્ય માટેના આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા હતા. સંસદમાં 1967-68માં તેઓ વિરોધી જૂથના નેતા રહેલા. ઘણા પ્રસંગોએ તેઓ સત્તાને ઉંબરે હતા, પણ વ્યાપક હિતોના સંદર્ભમાં એનાં પ્રલોભનોથી અલિપ્ત રહ્યા.
1980થી આંધ્ર યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના માનાર્હ પ્રાધ્યાપક રહ્યા તે સમય દરમિયાન લોકસભાના સભ્ય પણ રહ્યા. 1973થી 1977 દરમિયાન નવી દિલ્હી ખાતેની ગાંધી સ્મૃતિ સોસાયટીના અધ્યક્ષ રહ્યા. આ સમગ્ર કામગીરી છતાં તેમનામાંનો અધ્યાપક સદાય જાગૃત રહ્યો. પરિણામે તેલુગુમાં 15 અને અંગ્રેજીમાં 75 ગ્રંથોનું માતબર સાહિત્ય તેમના થકી પ્રાપ્ત થયું. ‘ક્રીડો ઑવ્ વર્લ્ડ પેઝન્ટ્સ ઍગની ઍન્ડ સૉલેસ’, ‘ડિસ્ટિંગ્વિશ્ડ એક્વિટન્સિસ’, ‘કૉલોનિયલ ઍન્ડ કલર્ડ પીપલ્સ ફ્રીડમ ફ્રન્ટ’, ‘પ્રેઝન્ટ્સ ઍન્ડ કૉ-ઑપરેટિવ ફાર્મિંગ’, ‘બાપુ બ્લેસીસ’ આ તેમના ગ્રંથોનાં કેટલાક જાણીતાં શીર્ષકો છે.
રક્ષા મ. વ્યાસ