રંગવિકારી વલય (pleochroic haloes) : સૂક્ષ્મદર્શક હેઠળ અમુક ખનિજછેદોમાં જોવા મળતી પ્રકાશીય ગુણધર્મધારક ઘટના. ખનિજદળમાં રહેલા અન્ય ખનિજીય આગંતુક કણોની આજુબાજુ ક્યારેક જોવા મળતાં રંગવાળાં કે રંગતફાવતવાળાં વલય (કૂંડાળાં). 1873માં હૅરી રોઝેનબુશે કૉર્ડિરાઇટની આજુબાજુમાં અને તે પછીથી અન્ય નિરીક્ષકોએ ઘણાં ખનિજોમાં આવાં વલય જોયાની નોંધ મળે છે. દ્વિવક્રીભવનનો ગુણધર્મ ધરાવતાં ખનિજોમાં આવાં વલયો રંગફેરફાર અને રંગનાબૂદી દર્શાવતાં જાય એ ઘટનાને રંગવિકારી વલય કહે છે. સામાન્ય રીતે નાના કદનાં રંગીન કૂંડાળાં માટે આ શબ્દપ્રયોગ ઉપયોગમાં લેવાય છે.
વિતરણ અને લક્ષણો : વિશેષે કરીને ઝર્કોન, ઍલેનાઇટ, મૉનેઝાઇટ તેમજ અન્ય કેટલાંક ખનિજોમાં રહેલા માત્ર સૂક્ષ્મ આગંતુક કણોની આજુબાજુ જ રંગવિકારી વલય જોવા મળે છે. આ કણો યુરેનિયમ અને થૉરિયમનું ગૌણ પ્રમાણ ધરાવતાં હોવાનું કહેવાય છે. ઍમ્ફિબોલ, પાયરૉક્સીન, અબરખ જેવાં ઘણાં ખડકનિર્માણ-ખનિજોમાં પણ રંગવિકારી વલય હોવાનું જાણવા મળેલું છે. સામાન્ય રીતે તે બહુવલયી ગોલક (વર્તુળાકાર) સ્વરૂપમાં હોય છે, જે માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ ખનિજછેદોમાં જ જોઈ શકાય છે. તેમની ગોળાકાર ક્ધિાારીઓ સ્પષ્ટપણે જુદી તરી આવે છે. બાયૉટાઇટમાં (જો હોય તો) તદ્દન બહારનું વલય 0.04 મિમી.થી વધુ વ્યાસવાળું હોતું નથી.
ઉત્પત્તિ-અર્થઘટન : 1907માં જે. જોલીએ પ્રથમ વાર વલયની ઉત્પત્તિ માટે aકણો સાથે થતી વિકિરણ(irradiation)ની અસરને કારણભૂત હોવાનું જણાવેલું. ત્યારપછી તેમણે તેમજ બીજાઓએ વલયની અસરવાળાં ખનિજોમાં રહેલા યુરેનિયમ કે થૉરિયમ શ્રેણીના સ્રોતમાંથી aકણોના મારાના પથ દ્વારા વલયરચના થતી હોવાનું સમજાવ્યું. વક્રીભવનાંક (refriengence) અને વક્રીભવનાંક- તફાવત(birefriengene)માં થતા ફેરફારો (વધારો કે ઘટાડો) રંગઘટના સાથે સંકળાયેલા હોઈ શકે. આ પરથી એમ સૂચવવામાં આવ્યું કે રંગવિકારી વલયની રચના (ઉત્પત્તિ) ખનિજોમાં વિકિરણથી થતા રચનાત્મક આણ્વિક ભંગાણ (metamictization) સાથે સરખાવી શકાય. વલયોમાં ઉદભવતી રંગઘેરાશ એકસરખી થવાને બદલે રંગતફાવતનો ફેરફાર રચે છે. aકણોના મારાના પથના છેડા પર ખનિજનું આણ્વિક રચનાત્મક માળખું ભંગાણ પામતું હોય છે. બાયૉટાઇટ જેવા ખનિજમાં રંગવિકારી વલયો મોટેભાગે જોવા મળતાં હોય છે, પરંતુ બાયૉટાઇટ મિશ્રસ્ફટિક સ્થિતિવાળું (metamict) હોવાનું જાણવા મળેલ નથી. આ પરથી કહી શકાય કે રંગવિકારી વલય ઉદભવવાની ઘટના વિકિરણને આભારી છે. ઈ. રધરફર્ડ અને બીજાઓ જણાવે છે કે વિવિધ પદાર્થોમાં કૃત્રિમ રીતે પણ વલયો ઉત્પન્ન કરી શકાય છે.
રંગવિકારી વલયો ખનિજોનાં વયનિર્ધારણ કરવા માટે સહાયભૂત થઈ શકે એવું સૂચન કરવામાં આવેલું છે. વિકિરણથી જેમ વલયો ઉત્પન્ન થઈ શકે છે તેમ ખનિજને ગરમ કરવાથી અથવા એને ગરમી મળવાથી અથવા તે વધુ સમયગાળા માટે ખુલ્લું રહે તો વલયોનું વિખેરણ પણ થઈ શકે છે.
ગિરીશભાઈ પંડ્યા