મુખસ્વાસ્થ્ય (Oral Health) : મોં અને તેમાંની દાંત, જીભ, અવાળું વગેરે સંરચનાઓનું આરોગ્ય. દાંત વગર જીવનની કક્ષા ઘટેલી રહે છે. વ્યક્તિ સ્વાદસભર આહાર અસરગ્રસ્ત થાય છે અને તેમને પોષણની ઊણપ પણ ઉદભવે છે. વાતચીતમાં પડતી મુશ્કેલી અને મુખાકૃતિમાં આવતો ફેરફાર પણ આત્મગૌરવ, પ્રત્યાયન (communication) અને સામાજિક આંતરક્રિયામાં ઘટાડો આણે છે. વળી દાંતમાં રહેલો ચેપ (infection) શરીરમાં અન્યત્ર ફેલાઈને વધુ જોખમી ચેપ કરે છે. તેથી મોંનું સ્વાસ્થ્ય જાળવવું મહત્ત્વનું બને છે.

વસ્તી રોગવિદ્યા (epidemiology) : અમેરિકાના સર્જ્યન-જનરલની કચેરીએ બહાર પાડેલી માહિતી પ્રમાણે ભૂતકાળના કોઈ પણ સમય કરતાં અત્યારે ત્યાં મુખસ્વાસ્થ્યની સ્થિતિ સૌથી સારી છે. વિકસિત દેશોમાં તથા ભારતમાંનાં વિકસિત સામાજિક જૂથોમાં પણ તેવું હોવાની સંભાવના છે. વિશ્વમાં બધે જ ગરીબ પ્રજામાં મોઢાના રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. પાણીનું ફ્લોરિડીકરણ, દાંતમાં ચાંદી પૂરવાની સારવાર, નિયમિત વ્યાવસાયિક સલાહ તથા તમાકુના ઉપયોગનો નિષેધ જેવી સરળ, સુરક્ષિત અને સસ્તી પ્રક્રિયાઓનો વપરાશ ઓછા પ્રમાણમાં અને અવ્યવસ્થિત રીતે થતો જોવા મળેલો છે. બાળકો અને યુવાનોમાં દમના રોગ કરતાં પાંચગણા દરે અને પરાગજ્વર (hay fever) જેવા ઍલર્જીજન્ય વિકાર કરતાં સાતગણા વધુ દરે દાંતનો સડો જોવા મળે છે. 8 વર્ષથી નીચેનાં 23 % બાળકોમાં દાંતની ચાંદી પુરાવાયેલી જોવા મળે છે અથવા પૂરવાની જરૂર હોય છે. 17 વર્ષની ઉંમરે 78 % યુવાનોને દાંતમાં ચાંદી પૂરેલી હોય છે અથવા પૂરવાની જરૂર હોય છે. તેમાંના 7 % યુવાનોએ એક દાંત ગુમાવેલો હોય છે. 35થી 44 વર્ષની વયે દાંત ગુમાવ્યો હોય તેનું પ્રમાણ 69 % જેટલું થાય છે અને 65થી 74 વર્ષની વયે 26 % વ્યક્તિઓએ તેમના બધા જ દાંત ગુમાવેલા હોય છે. કોઈ પણ ઉંમરે આશરે 13 ભાગની વ્યક્તિઓના દાંતમાં એવો સડો હોય છે, જેની કોઈ સારવાર ન કરાવેલી હોય. અમેરિકામાં 35થી 44 વર્ષે 48 % લોકોને અવાળુનો પીડાકારક સોજો (અવાળુશોથ, gingivitis) હોય છે અને 22 % વ્યક્તિઓના અવાળુમાં નાશકારક (destructive) વિકાર થયેલો હોય છે. તમાકુના વ્યસનથી તેનું પ્રમાણ વધુ રહે છે. પશ્ચિમ ભારતમાં તેમનું પ્રમાણ ઘણું વધુ હોવાની સંભાવના છે. પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવાથી પણ મુખસ્વાસ્થ્ય બગડે છે. અમેરિકામાં દર વર્ષે 30,000 લોકોને મોં અને ગળાનું કૅન્સર થાય છે અને 8,000 લોકો મૃત્યુ પામે છે. અમદાવાદ અને ગુજરાતના કૅન્સરના દર્દીઓમાંના 30 % થી 40 % દર્દીઓ મોં-ગળાના કૅન્સરથી પીડાય છે અને મૃત્યુ પામે છે. તમાકુ તથા દારૂનું વ્યસન તેનું પ્રમાણ વધારે છે. જન્મજાત વિકાર રૂપે ખંડતાલુ (cleft palate) અને ખંડહોષ્ઠ (cleft-lip) સૌથી વધુ જોવા મળતા વિકારો છે. તેમાં અનુક્રમે તાળવું  અને ઉપરના હોઠમાં જન્મથી જ ફાડ હોય છે. અમેરિકા દેશમાં 1998માં દાંતના રોગોની સારવાર પાછળ કુલ 53.8 બિલિયન ડૉલર ખર્ચાયા હતા તે દંતરોગનો વ્યાપ સૂચવે છે.

બાળકોનું મુખસ્વાસ્થ્ય : બાળકોમાં થતા મોં અને દાંતના રોગોમાં ગરીબાઈ, લઘુમતી પ્રજા, અપંગતા અને એચ.આઈ.વી.નો ચેપ મુખ્ય કારણો રૂપે જોવા મળે છે. બાળકોના મુખસ્વાસ્થ્યને મોઢા કે માથા પર થતી ઈજા પણ અસર કરે છે. રમતગમત, હિંસા, પડવું કે વાહન-અકસ્માતને કારણે બાળકોને ચહેરા કે માથા પર ઈજા થાય છે. તરુણાવસ્થામાં તમાકુ ચાવવાથી મોંના સ્વાસ્થ્યનો ઘટાડો થાય છે. મોંના રોગોને કારણે તેઓ પૂરતું ચાવી કે ખાઈ શકતા નથી તથા ગંદા, તૂટેલા અને રંગીન દાંતને કારણે શરમ અનુભવે છે અને તેથી તેઓ ભણવામાં અને રમતગમતમાં પાછાં પડે છે. અમેરિકામાં એક અંદાજ મુજબ દાંતના રોગોને કારણે દર વર્ષે 510 લાખ શાળા-કલાકોનો બગાડો થાય છે.

પુખ્તવયે મુખસ્વાસ્થ્ય : યોગ્ય માવજત અને સારવારને લીધે હાલ અમેરિકામાં 55થી 64 વર્ષની વ્યક્તિઓમાં પહેલાંના 33 %ના મુકાબલે ફક્ત 20 % વ્યક્તિઓ દંતવિહીન (adentulous) બને છે અને 18થી 34 વર્ષની વયે 2 % ને બદલે 0.4 % વ્યક્તિઓ પોતાના બધા જ દાંત ગુમાવે છે. ગરીબ પુખ્ત વયની વ્યક્તિઓમાં 33 % અને ધનિક પુખ્ત વયની વ્યક્તિઓના 11 %ને સારવાર વગરનો એક સડાવાળો દાંત જોવા મળે છે. મોટાભાગની પુખ્ત વયની વ્યક્તિઓમાં મોઢામાં થતો દુખાવો દાંતના રોગને કારણે હોય છે; જે તેમના ખાવા, ગળવા કે વાત કરવાની ક્રિયાઓમાં મુશ્કેલી કરે છે. કોઈ પણ 6 મહિનાના ગાળામાં દર 4થી 1 વ્યક્તિને ચહેરામાં દુખાવો થયેલો હોય છે. તમાકુ અને દારૂને કારણે અવાળુના રોગો વધુ પ્રમાણમાં થાય છે. મોઢાના સ્વાસ્થ્યને અસર કરતું એક મહત્વનું પરિબળ કૅન્સર સામે વપરાતી દવાઓ છે. તેમને કારણે મોઢામાં પીડાકારક ચાંદાં પડે છે, સ્વાદ બદલાઈ જાય છે તથા મોઢું સુકાય છે. HIV જેવા ચેપ અને અવયવ-પ્રતિરોપણ (organ transplant) કરેલા દર્દીઓમાં રોગપ્રતિકારકતા ઘટતી હોવાને કારણે મોઢાના રોગો થવાનું પ્રમાણ વધે છે. દાંતના રોગો અને તેની સારવારને કારણે દર વર્ષે આશરે 1,640 લાખ કામના કલાકો બગડે છે.

વૃદ્ધાવસ્થામાં મુખસ્વાસ્થ્ય : હાલ મોટી ઉંમરની વ્યક્તિઓ પહેલાં કરતાં વધુ સંખ્યામાં પોતાના દાંતને જાળવી રાખી શકે છે; પરંતુ ગરીબાઈને કારણે લગભગ બમણી સંખ્યામાં લોકો પોતાના દાંત ગુમાવે છે. આર્થિક સ્થિતિને કારણે પડતો આ તફાવત મોટી ઉંમરે વધુ સુસ્પષ્ટ બને છે. વૃદ્ધાવસ્થામાં ઍલર્જી સામે વપરાતાં પ્રતિહિસ્ટામિન ઔષધો, મૂત્રવર્ધકો અને પ્રતિખિન્નતા ઔષધો(antidepresants)ના વધુ પડતા વપરાશથી મોઢું સુક્કું રહે છે અને તેથી મુખસ્વાસ્થ્ય ઘટે છે. 65 વર્ષથી વધુ વયે આશરે ત્રીજા ભાગની વ્યક્તિઓમાં દાંતનો સડો થયેલો હોય છે, જેની સારવાર થયેલી હોતી નથી. તેવી રીતે 40 % વ્યક્તિઓમાં પરિદંત (periodontal) રોગો (દા.ત., અવાળુના રોગો) થયેલા હોય છે.

મુખસ્વાસ્થ્યની જાળવણી : મુખસ્વાસ્થ્ય જાળવવા માટે કરાતાં જરૂરી સૂચનોમાં ફ્લોરિડેટેડ પાણી પીવાની અથવા ફ્લોરાઇડવાળું દંતમંજન કરવાની સલાહ અપાય છે. દંતમંજનથી અવાળુમાં જામતી પથરી દૂર કરી શકાય છે. દંતમંજન રાત્રે સૂતાં પહેલાં અને સવારે એમ બે વખત કરવાનું આવશ્યક ગણાય છે. તમાકુનો સદંતર નિષેધ કરવામાં આવે છે. ધૂમ્રપાન કરવું કે તમાકુ ચાવવી નુકસાનકારક છે. તેનાથી દાંત, અવાળુ અને મોઢાની અંદરની દીવાલ બગડે છે; તેમાં કૅન્સર થાય છે અને/અથવા શ્વેત ફૂગનો ચેપ લાગે છે. ચાવવાની તમાકુમાંનું ગળપણ દાંતનો સડો પણ કરે છે. દારૂને કારણે પોષક દ્રવ્યોની ઊણપ થાય છે તથા તમાકુની આડઅસર વધે છે. માટે તે મર્યાદિત પ્રમાણથી વધુ પ્રમાણમાં ન લેવાવો જોઈએ. ગળપણવાળો ખોરાક વારંવાર ખાવાથી દાંત બગડે છે. શાકભાજીનું પ્રમાણ વધારે હોય તો સારું રહે છે. દાંતના ડૉક્ટરની નિયમિત મુલાકાત લેવાથી સમયસર સારવાર થઈ શકે છે. જરૂર પડ્યે વ્યાવસાયિક ધોરણે દંતસફાઈ કરાવી શકાય છે. મધુપ્રમેહનો રોગ હોય તો તેને નિયંત્રિત રાખવો જરૂરી છે. મોઢું સૂકું કરતી દવાઓ શક્ય હોય ત્યાં સુધી ન લેવાય તો નુકસાન ઘટે છે. કૅન્સરની સારવાર પહેલાં મોં અને દાંતની તપાસ કરાવી લેવાથી ઘણી રાહત રહે છે.

દંતમંજન (tooth brushing) : દંતમંજક દ્રવ્ય(toothpaste/powder)માં ફ્લોરાઇડ હોય અને યોગ્ય પ્રકારની દંતમંજક પીંછી (tooth brush) હોય તો દાંત તથા અવાળુની યોગ્ય સફાઈ થાય છે. તેના વડે દાંતનો સડો તથા અવાળુશોથ થતાં અટકે છે. તેને કારણે અવાળુમાં છારી બાઝતી અટકે છે અને ફ્લોરાઇડને કારણે દાંતનો સડો પણ અટકે છે. દંતમંજક પીંછી વડે કોઈ વિશિષ્ટ રોગ, ચેપ કે ઈજા થતી હોય એવું નોંધવામાં નથી આવેલું; પરંતુ જેમને લોહી વહેવાનો વિકાર હોય કે રોગપ્રતિકારકતાની ઊણપ હોય તેમને તેના વડે થતી ઈજા ક્યારેક મુશ્કેલી સર્જે છે. મોઢામાં અનેક જીવાણુ હોય છે. દંતમંજન કરવાથી પીંછી પર છારી, લોહી, લાળ, કચરો તથા દંતમંજકદ્રવ્ય ચોંટે છે અને તેમાં જીવાણુઓનું સંવર્ધન અને સંખ્યાવૃદ્ધિ થઈ શકે છે. માટે તેને દંતમંજન કર્યા પછી સંપૂર્ણપણે સાફ કરવી જરૂરી ગણાય છે. કોઈ બીજી વ્યક્તિને પોતાની દંતમંજક પીંછી ન આપવાનું જણાવાય છે. તેને કારણે ચેપ ફેલાવાની શક્યતા રહે છે. જો એક ડબ્બીમાં એકથી વધુ પીંછીઓ (brushes) સંગ્રહવામાં આવતી હોય તો તે એકબીજીથી અલગ રહેવી જોઈએ. તેમને જંતુનાશક પ્રવાહીમાં બોળવી કે બોળી રાખવી જરૂરી ગણાતું નથી. તેવી જ રીતે તેમને અલ્ટ્રાવાયોલેટ કિરણો કે અન્ય કોઈ રીતે જંતુરહિત કરવાની જરૂર પણ ગણાતી નથી. તેમને ખુલ્લી હવામાં રાખવાથી ચેપનો ભય ઘટે છે. દર 3–4 મહિને તેમને બદલવી જોઈએ. તેમને આ રીતે બદલી કાઢવાનું કારણ તેમાં ઉદભવતી ખરાબી છે. જો શાળાઓ, છાત્રાલયોમાં કે અન્ય સ્થળે સામૂહિક દંતમંજન થતું હોય તો બાળકો અલગ અલગ દંતમંજક પીંછીનો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવી જરૂરી ગણાય છે.

ફ્લોરાઇડથી થતું જોખમ : દાંતનો સડો રોકવા માટે પીવાના પાણીમાં પૂરતું ફ્લોરાઇડ હોય તો તે આરોગ્યપ્રદ છે, પરંતુ તેનું પ્રમાણ વધે તો તે પોતે એક વ્યાધિ સર્જે છે. જુઓ ફ્લુરોમયતા (વિ.કો. ખંડ-12, પૃ. 874) તે માટે હાલ ઉપલબ્ધ માહિતી પ્રમાણે પીવાના પાણીમાં કઈ ઉંમરે કેટલું ફ્લોરાઇડનું પ્રમાણ હોવું જોઈએ તેની માહિતી નીચેની સારણીમાં આપેલી છે.

વિવિધ ઉંમરે પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ [દર દસ લાખે કેટલા ભાગ (parts per million, ppm)]

ઉંમર પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ (ppm) અને તે માટે સોડિયમ ફ્લોરાઇડની માત્રા
< 0.3 ppm 0.3–0.6 ppm > 0.6 ppm
જન્મથી 6 મહિના
6 મહિનાથી 3 વર્ષ 0.25 મિગ્રા./દિવસ  –
3 વર્ષથી 6 વર્ષ 0.50 મિગ્રા./દિવસ 0.4 મિગ્રા./દિવસ
6 વર્ષથી 16 વર્ષ 0.1 મિગ્રા./દિવસ 0.50 મિગ્રા./દિવસ  –

નોંધ : દર 2.2 મિગ્રા. સોડિયમ ફ્લોરાઇડમાં 1 મિગ્રા. ફ્લોરાઇડ આયન હોય છે.

દંતચિકિત્સાલય દ્વારા ચેપ ફેલાવાની સંભાવના : દંતચિકિત્સાલયમાં વપરાયેલા પાણીથી વિષાણુજન્ય ચેપ ફેલાવાની સંભાવના અંગે અભ્યાસો થયેલા છે. દંત-શસ્ત્રક્રિયા એકમ(dental operation unit)માં નળીઓનાં મોટાં જોડાણોને કારણે સંદૂષણ(contamination) થતું રોકવાનું ખાસ સૂચવાય છે. દંતશસ્ત્રક્રિયા એકમમાં પ્રતિચૂસક કપાટો (anti-retraction valve) ગોઠવાયેલા હોય છે, જે દર્દીના મોંમાંના પ્રવાહીને દર્દીના દાંતની સારવારમાં વપરાતા શુશ્રૂષાદંડ(hand piece)માં પ્રવેશતા રોકે છે. આ ઉપરાંત જાહેર જલવિતરણ-વ્યવસ્થામાં પણ દંતચિકિત્સા એકમોમાંનાં ખોટાં જોડાણોથી સંદૂષણ ન થાય તે માટેની સંયોજનાઓ (devices) ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ જાહેર સ્વાસ્થ્ય-સફાઈસેવા સંસ્થાઓ (public sanitary agencies) કરતી હોય છે. હાલના વૈજ્ઞાનિક વિકાસને કારણે દંત-શસ્ત્રક્રિયા એકમ વડે જાહેર જલવિતરણમાં સંદૂષણ થવાની સંભાવના ઘણી ઓછી છે. તેમના વડે સુવેજ દ્વારા કે અન્ય રીતે યકૃતશોથ-બી (hepatitis–B) વિષાણુ અને એઇડ્ઝના વિષાણુ જેવા વિવિધ વિષાણુઓના ચેપ ફેલાવાની સંભાવના ઘણી જ ઓછી છે.

બાળકોનાં માતાપિતા કે વાલીઓએ રાખવાની સંભાળનાં સૂચનો : સગર્ભા સ્ત્રીને નિયમિત તબીબી ચકાસણી કરાવવાનું કહેવામાં આવે છે. ગર્ભસ્થ શિશુને જન્મ પછી ખંડૌષ્ઠ કે ખંડતાલુની જન્મજાત વિકૃતિ ન થાય માટે તે ફૉલિક ઍસિડનું નિયમિત સેવન કરે તે સલાહભર્યું છે. સગર્ભાવસ્થામાં તમાકુ અને દારૂ ન લેવાં જોઈએ અને કોઈ પણ ઔષધ લેતાં પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ એવું સૂચવાય છે. બાળક ઊંઘી જાય ત્યારે તેના મોંમાં બૉટલ રખાતી હોય તો તેમાં દૂધ, આહારી દ્રવ્ય, ફળરસ કે ખાંડવાળાં પ્રવાહીઓ ભરવાથી તેની લાળ ઝરવાનું ઘટી જાય છે અને તેના દાંતમાં સડો થવાની સંભાવના વધે છે. બાળકની ઉંમર 1થી 2 વર્ષની થાય ત્યારથી નિયમિતપણે દર 6 મહિને તેના મુખસ્વાસ્થ્યની સંભાળ લેવાની જરૂરી ગણાય છે. થોડાક ફ્લોરિડેટેડ દંતમંજક દ્રવ્ય (toothpaste/toothpowder) વડે દાંત સાફ કરવાથી તેને વધારાનું રક્ષણ મળે છે, પરંતુ તે કોગળા કરતાં શીખે અને ફ્લોરિડેટેડ દંતમંજક દ્રવ્ય ગળી ન જાય તે ખાસ જોવાવું જોઈએ. બાળક રાત્રે સૂતાં પહેલાં અને સવારે એમ બે વખત દંતમંજન કરે તે સલાહભર્યું ગણાય છે. દરરોજનો નિયમિતપણે 2 કે 3 ટંકનો આહાર અને આહારની વચ્ચેના સમયગાળામાં શક્ય હોય ત્યાં સુધી કશુંય ન ખાવાની ટેવ આરોગ્યપ્રદ છે. બાળક વાહન ચલાવે (દા.ત., સાઇકલ) ત્યારે તે હેલ્મેટ પહેરે તો તેના માથાને આકસ્મિક ઈજા થવાની સંભાવના ઘટે છે.

મુખસ્વાસ્થ્યનું નૈદાનિક મહત્વ :  મુખસ્વાસ્થ્યની જાળવણી અંગેની તપાસ કરતી વખતે વિવિધ વિકારો કે રોગોની હાજરીની ખબર પડે છે. એઇડ્ઝ, વિટામિન–બી જૂથ તથા વિટામિન–સીની ઊણપ, લોહતત્વની ઊણપ, કૅન્સરપૂર્વના દોષવિસ્તારો વગેરે વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં મોઢાના પોલાણની તપાસ કરવાથી નિદાન થઈ શકે છે. ઋતુસ્રાવ-નિવૃત્તિ(menopause)માં થતી હાડકાંની છિદ્રલતા (અસ્થિછિદ્રલતા, osteoporosis) નીચલા જડબાના હાડકાથી શરૂ થાય છે. લોહી અને પેશાબની માફક લાળનું પરીક્ષણ કરવાથી કેટલાક રોગોનું નિદાન શક્ય બને છે. દારૂ (ઇથેનૉલ), નિકોટિન, કોકેન, અફીણજૂથ જેવાં નશાકારક દ્રવ્યોની શરીરમાંની હાજરી લાળના પરીક્ષણ (લાળપરીક્ષણ, salivary examination) વડે નિશ્ચિત કરી શકાય છે. લાળપરીક્ષણ વડે એઇડ્ઝ કરતા માનવપ્રતિરક્ષા-ન્યૂનતાકારી વિષાણુ (human immunodeficiency virus, HIV) અને યકૃતશોથ એ અને બી(hepatitis A & B)ના વિષાણુઓ સામેનાં પ્રતિદ્રવ્યોની હાજરી પણ જાણી શકાય છે. જઠરમાં પચિતકલાવ્રણ (peptic ulcer) અથવા ચાંદું કરતા વિકારમાં એચ. પાયલોરિ નામના જીવાણુઓ સક્રિય હોય છે. તેમની સામેનાં પ્રતિદ્રવ્યો પણ લાળમાં દર્શાવી શકાય છે. મધુપ્રમેહ, પાર્કિન્સનનો રોગ, મદ્યજન્ય યકૃતકાઠિન્ય (alcoholic cirrhosis) અને વિવિધ ચેપી રોગોના નિદાન અને સતત મૂલ્યાંકન માટે લાળનું પરીક્ષણ કરી શકાય અને તેના વડે રુધિરપરીક્ષણની તકલીફો ઘટાડી શકાય તે માટે હાલ અભ્યાસો થઈ રહ્યા છે.

મોઢામાંનો ચેપ શરીરમાં અન્યત્ર ફેલાઈને ચેપ કરે છે માટે તેને મહત્વનું જોખમકારક પરિબળ ગણવામાં આવે છે. હૃદયરોગ, લકવો, મધુપ્રમેહ, કાલપૂર્વ જન્મ (premature birth) કે ઓછા વજનના બાળકના જન્મને મુખસ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ છે કે નહિ તેના પણ હાલ સંશોધન-અભ્યાસો થઈ રહ્યા છે.

શિલીન નં. શુક્લ

રમણ ગુપ્તા

યોજના દોશી