મુખરજી, ભૂદેવ (જ. 22 ફેબ્રુઆરી, 1827 કૉલકાતા ; અ. 15 મે 1894 કૉલકાતા) : જાણીતા બંગાળી રાજકારણી અને લેખક. હિંદુ કૉલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. માઇકલ મધુસૂદન દત્ત તેમના સહાધ્યાયી હતા. વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષણકાર્ય કર્યું અને ત્યારબાદ શાળાઓના વધારાના ઇન્સ્પેક્ટર (additional inspector) બન્યા. શૈક્ષણિક સુધારાઓ માટેના હંટર પંચના તેઓ સભ્ય હતા. હંટર પંચે પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવાની અને તેમાં સુધારા કરવાની ભલામણો કરી હતી. ઉપરાંત કૉલેજશિક્ષણ અંગે પણ પંચે ઘણી બધી માહિતી એકત્ર કરી હતી. ‘શિક્ષાદર્પણ’ અને ‘એજ્યુકેશન ગેઝેટ’ના સંપાદક તરીકેની કામગીરી પણ તેમણે સંભાળી હતી.
1885માં તેઓ બંગાળ લેજિસ્લેટિવ કાઉન્સિલ(વિધાનસભા)ના સભ્ય બન્યા હતા. તેમણે નિબંધો, વાર્તાઓ અને નવલકથાઓનું સર્જન કર્યું હતું. તેમના યુગના તેઓ અગ્રણી બુદ્ધિજીવી હતા. તે સમયની સામાજિક-આર્થિક ઘટનાઓ અંગેની ઊંડી ર્દષ્ટિ તેમના નિબંધસંગ્રહોમાં અભિવ્યક્તિ પામી છે.
તેમનાં મહત્ત્વનાં પ્રકાશનોમાં ‘ઐતિહાસિક ઉપન્યાસ’ (1857), ‘આચારપ્રબંધ’ (1895), ‘વિવિધ પ્રબંધ’ (1895), ‘શિક્ષાવિષયક પ્રસ્તાવ’ (1856) અને ‘સ્વપ્નલબ્ધ ભારતવર્ષેર ઇતિહાસ’ (1895) વગેરે ગ્રંથોનો સમાવેશ કરી શકાય.
રક્ષા મ. વ્યાસ