મુખરજી પ્રણવ (જ. 11 ડિસેમ્બર 1935, મિરાતી, બીરભૂમ જિલ્લો, પશ્ચિમ બંગાળ; અ. 31 ઑગસ્ટ 2020, ન્યૂ દિલ્હી) : ભારતના 13મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 2012થી), પ્રથમ પંક્તિના રાજકારણી. તેમનું બાળપણ મિરાતીમાં પસાર થયું હતું. ત્યાં કિરનાહર શાળામાં માથે દફતર લઈ નદી પાર કરી શાળામાં પહોંચતા. આ સામાન્ય માનવે ભારતના રાષ્ટ્રપ્રમુખ સુધીની લાંબી સફર ખેડી છે. પિતા કામદા કિંકર મુખરજી બીરભૂમ જિલ્લા કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષ હતા અને આઝાદીના લડવૈયા તરીકે દસ વર્ષનો જેલવાસ વેઠ્યો હતો. 1952–64 દરમિયાન કામદા કિંકર પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય હતા.
પ્રણવે બીરભૂમ જિલ્લાની સૂરિ વિદ્યાસાગર કૉલેજમાં અભ્યાસ કરી ઇતિહાસ-રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી. કલકત્તા યુનિવર્સિટીમાંથી તેમણે કાયદાના અનુસ્નાતક(એલએલ.બી.)ની પદવી પણ મેળવી હતી.
કારકિર્દી પ્રારંભ તેમણે કૉલેજના પ્રાધ્યાપક તરીકે કર્યો હતો. સુવ્રા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને ‘દેશેર ડાક’ નામના બંગાળી અખબારમાં પત્રકાર તરીકે કામ કર્યું. સામાન્ય કદ-કાઠી ધરાવતા આ યુવાને જાહેર રાજકીય જીવનનો પ્રારંભ કર્યો 1969માં. તેમણે સાંસદથી આરંભી 2012 સુધીનાં 43 વર્ષોની સુદીર્ઘ રાજકીય કારકિર્દીમાં અનેક ચડાવ-ઉતાર પાર કરી ભારતના રાષ્ટ્રપ્રમુખ તરીકેનું સર્વોચ્ચ બંધારણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1969માં તેઓ પહેલી વાર રાજ્યસભાના સાંસદ બન્યા, 1973માં મંત્રી બન્યા અને 1982માં નાણામંત્રી બન્યા. લગભગ સાડાચાર દાયકાની આ રાજકીય કારકિર્દીમાં તેમણે 80 પછીના તમામ વડાપ્રધાનો સાથે મંત્રીમંડળમાં કામ કર્યું. જેમાં એકમાત્ર અપવાદ અટલવિહારી વાજપાઈના પ્રધાનમંડળનો હતો. શ્રેષ્ઠ સંસદપટુ તરીકેની નામના ધરાવવા સાથે કૉંગ્રેસ પક્ષના શ્રેષ્ઠ સમર્થક અને અનુયાયી તરીકે નાની-મોટી પક્ષીય સમસ્યાઓમાં તેઓ સંકટસંહારક (ટ્રબલશૂટર) તરીકેની નામના પણ ધરાવતા હતા.
1969–70મા આ યુવાને રાજકારણી તરીકે તેમની રાજકીય કારકિર્દીના તીખારાનો પરિચય કરાવ્યો હતો. કૉંગ્રેસ પક્ષ સાથેના મતભેદોને કારણે તે પક્ષ છોડી તેમણે બાંગ્લા કૉંગ્રેસની સ્થાપના કરી હતી. જોકે આ પક્ષ નિષ્ફળતાને વર્યો. ચૂંટણીમાં પક્ષને એક પણ બેઠક ન મળતાં 16 માર્ચ, 1970માં આ પક્ષ તૂટી પડ્યો. આ વેળા સાવ ટૂંકા ગાળા માટે પ્રણવે અરણ્યવાસ પસંદ કરેલો. 1971માં ઇન્દિરા ગાંધીના સામાન્ય આમંત્રણથી તેઓ કૉંગ્રેસમાં જોડાયા જેનો અન્ય કૉંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. તેમના કૉંગ્રેસ પક્ષમાં જોડાવા સાથે કૉંગ્રેસમાં બાંગ્લા કૉંગ્રેસ જોડાઈ અને નામશેષ બની. ત્યારબાદ 1973માં તેઓ મંત્રી બન્યા હતા.
1985–88નો ગાળો રાજકીય કારકિર્દીનો નિરાશાજનક કાળ હતો. 1987માં તેમના પક્ષને બંગાળની ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહોતી. પ્રણવ પોતે એ વર્ષથી સાંસદ મટી ગયા હતા. જી. કે. મૂપનાર તેમના મિત્ર હતા. જેમણે પક્ષ અને પ્રણવ વચ્ચેનો તનાવ દૂર કરવામાં રસ લીધો હતો. જેના પરિણામે પ્રણવને કૉંગ્રેસ પક્ષના મીડિયા સેલનો હવાલો સોંપી કૉંગ્રેસના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા.
1991માં કેંદ્ર ખાતે કૉંગ્રેસ પક્ષની સરકાર રચાઈ અને નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે ફરી પ્રણવે કૉંગ્રેસના ઉચ્ચ કક્ષાના વર્તુળોમાં પ્રવેશ કર્યો હતો. તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ નીમવામાં આવ્યા હતા. 2004માં તેઓ લોકસભાના સાંસદ બનવા સાથે લોકસભાના નેતાના સ્થાને પણ હતા. 2009માં તેઓ ફરી લોકસભામાં ચૂંટાયા હતા. 2014માં આવનારી ચૂંટણી પહેલાં તો તેઓ પક્ષમાં માતબર સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રપ્રમુખના પદ માટેના ઉમેદવાર બન્યા અને ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે પક્ષમાં વડાપ્રધાન પછીનું દ્વિતીય સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. તેથી તેઓ નવા હોદ્દા પર જશે તો પક્ષમાં શૂન્યાવકાશ પેદા થવાનો ભય કૉંગ્રેસના ઘણા સભ્યો ધરાવતા હતા. સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાણા-મંત્રાલય જેવા મહત્ત્વના હોદ્દાઓ પર તેમણે સફળ કામગીરી બજાવી હતી તેથી અન્ય સભ્યોનો આ ભય અસ્થાને નથી તેવું મંતવ્ય પક્ષમાં પ્રવર્તતુ હતુ. તેઓ ગાંધી કુટુંબના અત્યંત વિશ્વાસપાત્ર અને વફાદાર સાથી હતા.
રાષ્ટ્રપ્રમુખના નાતે તેઓ દેશના બંધારણીય વડા તેમજ સશસ્ત્રદળોના વડા હતા. તેમની મુદ્દત લંબાવી શકાતી નથી તેમજ તેમની ચૂંટણી મોકૂફ રાખી શકાતી નથી તેથી તેમની ચૂંટણી અંગે સમયમર્યાદાનું પાલન અનિવાર્ય છે.
13નો અંક તેમને માટે શુભાંક મનાતો હતો. સુદીર્ઘ રાજકીય કારકિર્દીને કારણે સચિવાલયના નૉર્થ બ્લોકની વહીવટી કચેરીમાંના કેટલાક વહીવટદારોને તેઓએ રાષ્ટ્રપતિભવન ખાતેના અધિકારીઓ તરીકે પસંદ કર્યા હતા. વિદેશી સામયિકે તેમને ‘વિશ્વના શ્રેષ્ઠ નાણામંત્રી’ની યાદીમાં અગ્રિમ સ્થાન આપ્યુ હતું. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ(IMF)નો લોનનો છેલ્લો 1.1 અબજ ડૉલરનો હપતો પાછો ન ખેંચવાના મક્કમ નિર્ણય માટે તેઓ જાણીતા હતા. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વબૅંક અને એશિયન ડેવલપમેન્ટ બૅંકના બૉર્ડ ઑવ્ ગવર્નન્સમાં સ્થાન પામ્યા હતા.
તેઓ સતત 18 કલાક કામ કરવાની ધગશ રાખતા હતા. વાચન, બાગકામ, સંગીત વિષયોમાં રસ-રુચિ ધરાવતા હતા. રવીન્દ્ર સંગીતનો શોખ ધરાવતા હતા. વડીલો અને કુટુંબીજનોમાં ‘પોલ્ટુ’ના હુલામણા નામથી તેઓ જાણીતા હતા. વહેલા જાગી પૂજા-અર્ચના બાદ જ રોજિંદા કાર્યનો આરંભ કરતા હતા. સંસ્કૃત ભાષા કંઠસ્થ હોવાથી તેઓ સામાન્ય પૂજા અને દુર્ગાપૂજા સ્વયં કરવાનો આગ્રહ રાખતા હતા. બે પુત્રો અભિજિત અને ઇન્દ્રજિત તથા પુત્રી શર્મિલા મુખરજીથી બનેલા પરિવારમાં અભિજિત મુખરજી બંગાળના વિધાનસભ્ય છે.
વ્યક્તિગત રીતે ક્રિકેટની રમત કરતાં તેમને ફૂટબૉલની રમત વધારે પસંદ હતી. તેમના મુર્શીદાબાદ મતવિસ્તારમાં તેમણે પિતાના નામથી ‘કામદા કિંકર ગોલ્ડ કપ’ નામની ફૂટબૉલ સ્પર્ધા–ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
સામાન્ય રીતે નિવૃત્ત થતા રાજકારણીઓનું અંતિમ વિરામસ્થાન રાષ્ટ્રપતિભવન હોય છે પરંતુ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા વિના આ સર્વોચ્ચ હોદ્દા પર પહોંચનાર પ્રણવ વ્યક્તિવિશેષ હતા. સંરક્ષણમંત્રી તરીકેની જવાબદારી મંત્રી એન્ટોનીને સોંપતાં તેમણે માર્મિક ટકોર કરી હતી કે ‘ઉજાગરાભરી રાતો હવે તમને સોંપું છું.’ એક મધ્યમવર્ગીય નાગરિક લાંબી રાજકીય મજલ કાપીને દેશના સર્વોચ્ચ પદને પામે તેવી ઐતિહાસિક ઘટના લોકશાહીમાં બનતી રહે છે તેનું દૃષ્ટાંત ભારતના આપણા આ રાષ્ટ્રપ્રમુખ છે. તેમની જીવનકથા ‘ધ ટરબ્યુલન્ટ યર્સ’ પ્રકાશિત થઈ છે.
રક્ષા મ. વ્યાસ