મુખરજી, ગીતા (જ. 8 જાન્યુઆરી 1924, જેસોર, હાલના બાંગ્લાદેશમાં; અ. 4 માર્ચ 2000, નવી દિલ્હી) : પીઢ મહિલા અગ્રણી સાંસદ અને જાણીતાં સામ્યવાદી નેતા. શાળાજીવનમાં તેમની કારકિર્દી તેજસ્વી હતી. કૉલકાતાની આશુતોષ કૉલેજમાં પ્રવેશ મેળવી ગરીબો તથા અવગણાયેલા વર્ગોના જીવનમાં રસ લેતાં લેતાં મનોમન કારકિર્દીનો રાહ નક્કી કરી લીધો અને 15 વર્ષની વયે ભારતીય સામ્યવાદી પક્ષમાં જોડાયાં તથા તેની વિદ્યાર્થીશાખા–ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન(AISF)નાં સક્રિય સભ્ય બન્યાં. ડાબેરી રાજકારણમાં સક્રિય બનતાં તેમણે અભ્યાસ છોડ્યો.
1942માં બંગાળના સામ્યવાદી નેતા વિશ્વનાથ મુખરજી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને સામ્યવાદી પક્ષ સાથે પણ સક્રિય નાતો જોડ્યો. આ દંપતીએ પક્ષમાં કામગીરી આરંભી, સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો અને ઘણી વાર જેલવાસ વેઠ્યો. 1947થી ’51 દરમિયાન બંગાળ પ્રોવિનશ્યલ સ્ટુડન્ટ્સ યુનિયનનાં મહામંત્રી બની બંગાળમાં યુવાપ્રવૃત્તિઓ સતેજ બનાવી. દરમિયાન 1948માં ભારતીય સામ્યવાદી પક્ષ પર કૉંગ્રેસે પ્રતિબંધ મૂક્યો ત્યારે પતિ-પત્ની બંનેની ધરપકડ થઈ અને તેમને પ્રેસિડન્સી જેલમાં છ માસ અટકાયત હેઠળ રાખવામાં આવ્યાં. ત્યાંથી મુક્ત થઈ ત્રણ વર્ષ ભૂગર્ભવાસ સહ્યો અને તેમાંથી બહાર આવી પશ્ચિમ બંગાળના જાહેર જીવનની સામ્યવાદી પ્રવૃત્તિમાં ઓતપ્રોત બન્યાં.
1967માં મિદનાપુર જિલ્લાના પાન્સકુરા મતદારવિસ્તારમાંથી ચૂંટણી લડી પશ્ચિમ બંગાળ વિધાનસભાનાં સભ્ય બન્યાં. 1972માં વિધાનસભામાં ફરી ચૂંટાયાં અને 1977 સુધી સતત 10 વર્ષ વિધાનસભામાં પીડિતો, શોષિતો અને મહિલાઓ માટે કાર્યરત રહ્યાં.
1980માં તેઓ લોકસભામાં પ્રથમ વાર ચૂંટાયાં અને અવસાન પર્યંત લગભગ સતત 20 વર્ષ સંસદમાં પાન્સકુરા મતદારવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. સક્રિય સાંસદ તરીકે જાહેર સાહસોની સમિતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ, વિદેશ મંત્રાલયની સ્ટૅન્ડિંગ સમિતિ જેવી ઘણી મહત્વની સમિતિઓનાં સભ્ય રહ્યાં. તેઓ મહિલા આરક્ષણ ધારાની સંયુક્ત પ્રવર સમિતિના પ્રમુખસ્થાને નિમાયેલાં. સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તથા વિવિધ મહિલા-સંગઠનો સાથે તેઓ અવસાન સુધી સંકળાયેલાં હતાં.
આ બધી પ્રવૃત્તિઓના બહોળા વ્યાપ છતાં કેવળ શોખ ખાતર તેઓ સાહિત્યનું અધ્યયન પણ કરતાં. એ જ રીતે, વિદેશી ભાષાઓ શીખવાનો પણ તેમનો શોખ હતો. જરૂર પડે ત્યારે જાહેર જીવન વિશે વિચારણીય લેખો લખી તેઓ ચર્ચાસ્પદ બાબતો પરત્વે પ્રજાનું ધ્યાન ખેંચતાં. ‘ભારત ઉપકથા’ અને ‘છોટોદેર રબીન્દ્રનાથ’ તેમનાં પ્રકાશનો હતાં. તદુપરાંત ‘હે અતીત કથા કઓ’ની રચના કરી હતી અને ‘નેકેડ અમંગ વુલ્વ્ઝ’નો બંગાળી અનુવાદ પ્રકાશિત કર્યો હતો.
પ્રદીર્ઘ રાજકીય કારકિર્દી છતાં આ બોલકાં મહિલા સાંસદ સદાય સત્તાની ખેંચતાણથી સભાનપણે દૂર રહ્યાં. કર્મઠ જીવનરાહ પસંદ કરી સત્તાધીશો અને મુશ્કેલીઓ બંને સામે ઝૂઝતાં રહ્યાં. મહિલાઓના સમર્થ હિતચિંતક તરીકે મહિલા આરક્ષણ ધારો પસાર થાય તેવું તેમનું સ્વપ્ન હતું, પરંતુ તે પૂરું થાય તે પહેલાં જ તેમની જીવનજ્યોત બુઝાઈ ગઈ. ભારતીય સામ્યવાદી પક્ષના અધિવેશનમાં ભાગ લેવા જતાં હતાં ત્યારે પ્રવાસ દરમિયાન જ તેમનું અવસાન થયું.
રક્ષા મ. વ્યાસ