મુખમંડપ : મંદિરના ગર્ભગૃહ અથવા મંડપની પ્રવેશચોકી. તેને અર્ધમંડપ કે શૃંગારચોકી પણ કહેવામાં આવે છે. ‘સમરાંગણ સૂત્રધાર’માં એને ‘પ્રાગ્રીવ’ કે ‘પ્રાગ્ગ્રીવ’ નામે ઓળખાવેલ છે. એની રચના ગર્ભગૃહની સંમુખ થાય ત્યારે તેના તલમાનનું પ્રમાણ ગર્ભગૃહ જેટલું કે તેનાથી ઓછું રખાય છે. મોટાં મંદિરોમાં તેનું પ્રમાણ ગર્ભગૃહથી ત્રીજા ભાગનું અર્થાત્ 3 : 1નું રખાય છે. ગુજરાતમાં શૈવાદિ બ્રાહ્મણ મંદિરોમાં મુખ્યત્વે એક ચૉકીની રચના કરાય છે, જ્યારે જૈન મંદિરોમાં ‘ત્રિકમંડપ’ની રચના થતી જોવામાં આવે છે. એનાં વિવિધ સ્વરૂપ ‘ત્રિચૉકી’, ‘ષટ્ચૉકી’ કે ‘નવચૉકી’ રૂપે આવિર્ભાવ પામે છે. જૈન પરંપરામાં આ ત્રણ સ્વરૂપોને અનુક્રમે ‘કીર્તિ’, ‘પ્રાંત’ અને ‘શાંત’ નામે ઓળખવામાં આવે છે. ગિરનારના વસ્તુપાલ મંદિરમાં, આબુના તેજપાલ મંદિરમાં તેમજ મિયાણીના જૈન મંદિરમાં ત્રિચોકી(કીર્તિ)ની યોજના છે, તો તારંગાના અજિતનાથ મંદિરમાં ષટ્ચોકી (પ્રાંત) અને આબુના વિમલવસહી મંદિરમાં નવચૉકીની રચના કરેલી છે.

મુખમંડપ ચોતરફથી ખુલ્લો હોઈ તેમાં અર્ધસ્તંભ તેમજ છૂટા સ્તંભોની રચના હોય છે. તેમની ઉપર સંવર્ણા કે વિતાન ટેકવેલું હોય છે. સ્તંભોનાં મથાળાં પાટ વડે આચ્છાદિત કરવામાં આવે છે. પાટ ઉપર સમતલ થર રચાય છે, પણ સ્તંભોની વચ્ચેના ગાળાઓમાં સમતલ છત (વિતાન) અથવા અર્ધવૃત્તાકાર ઘૂમટ(કરોટક)ની રચના કરવામાં આવે છે. પાટનો દર્શનીય ભાગ અલંકૃત કરાય છે. કરોટકમાં નીચેથી ઉપર જતાં કર્ણદર્દરિકા, ગ્રાસપટ્ટી, રૂપકંઠ, કોલ, ગજતાલુ, વલિકા, લૂમા વગેરે વિવિધ ઘાટના થરો અને મધ્યમાં પદ્મશિલા યોજાય છે. કર્ણદર્દરિકાનો થર મોટેભાગે પદ્મપાંખડીઓથી મંડિત હોય છે. સમતલ વિતાનમાં પદ્મશિલા પ્રફુલ્લિત કમળપુષ્પ રૂપે આલેખિત હોય છે, પણ કરોટકમાં તે અતિનિર્ગમિત સ્વરૂપે નાના ઝુમ્મરની માફક લટકતી દર્શાવાય છે. કરોટકમાં બહારના ચોતરફ પગથિયાંવાળા દર્શનીય ઘાટની રચનાને સંવર્ણા કહે છે. સમતલ છાવણની રચના વિતાનને નામે જાણીતી છે.

પ્રવીણચંદ્ર પરીખ