મીસા : 1975માં ભારતમાં જાહેર થયેલી આંતરિક કટોકટી દરમિયાન સુધારાઓ સાથે સખ્તાઈપૂર્વક અમલમાં મુકાયેલો અટકાયતી ધારો.
‘મીસા’(MISA)ના ટૂંકાક્ષરી નામે જાણીતા થયેલા ભારતની આંતરિક સલામતી માટેના કાનૂન(Maintenance of Internal Security Act)ને લીધે, 1975ની આંતરિક કટોકટી દરમિયાન પ્રજાજીવનનાં વિભિન્ન ક્ષેત્રો પર, અનેક સ્તરે, ગંભીર અસરો સર્જાઈ હતી. ખાસ કરીને ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ મૂળભૂત અધિકારો અને તેની દાદ માગવા માટે અદાલતોમાં રિટ કરવાની – હેબિયસ કૉર્પસની – સત્તા અને ન્યાયાલયની સમીક્ષા, સંસદનાં ગૃહોમાં બંધારણીય સુધારાઓ તેમજ અટકાયતોને કારણે વિરોધ પક્ષોના નેતાઓની ગેરહાજરી, અખબારો પરની પ્રિસેન્સરશિપનો અમલ, પત્રકારોની અટકાયતો, વિવિધ રાજકીય પક્ષો અને નાગરિક-મંડળોના આંદોલનકારીઓનો જેલવાસ, વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળ અધિકારની સ્થિતિ અને તેને કારણે દુનિયાના લોકશાહી દેશોએ દર્શાવેલી ચિંતા – આટલા મુદ્દાઓ એકલા ‘મીસા’ કાનૂન અને તેના અમલીકરણમાંથી જન્મ્યા હતા.
આ પ્રકારના અટકાયતી ધારાઓ માટે શાસનકર્તાઓની એવી દલીલ રહે છે કે આર્થિક – સામાજિક – રાષ્ટ્રવિરોધી ગુનાખોરીને ડામવા માટે તે ધારાઓ અસરકારક સાબિત થાય છે. 1962માં ભારત પર ચીને કરેલા આક્રમણ દરમિયાન અને તે પછી જાહેર થયેલી બાહ્ય કટોકટી (external emergency) દરમિયાન આ પ્રકારના આનુષંગિક અટકાયતી ધારાઓનો અમલ થયો હતો.
1971ના આંતરિક સલામતી ધારા હેઠળની જોગવાઈઓમાં સુધારા કરવા માટે ભારત સરકાર લાંબા સમયથી સક્રિય હતી. 1974માં જયપ્રકાશ નારાયણે શરૂ કરેલા બિહાર-આંદોલન સમયે વિપક્ષોને એવો ડર હતો કે આવા કાયદાનો અમલ રાજકીય વિરોધને દબાવવા માટે કરાશે. આમ ન થાય તે માટે સંસ્થા કૉંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ દિલ્હીમાં અનશન શરૂ કર્યું. ત્યારે ભારતનાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ કાયદાનો અમલ માત્ર આર્થિક – સામાજિક ગુનેગારો પર કરવામાં આવશે એવી ખાતરી આપીને પારણાં કરાવ્યાં હતાં.
પરંતુ, 1975ની 25મી જૂને રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડીને સમગ્ર દેશમાં આંતરિક કટોકટી (internal emergancy) જાહેર કરી અને તેની સાથે જ ‘મીસા’નો ઉપયોગ પણ શરૂ કરાયો. દેશભરમાંથી જયપ્રકાશ નારાયણ, અટલબિહારી વાજપેયી, મોરારજીભાઈ દેસાઈ, ચન્દ્રશેખર, મધુ દંડવતે સહિતના અનેક અગ્રણી આગેવાનોની ‘મીસા’ હેઠળ અટકાયત થઈ. સમય જતાં એક લાખથી વધુ લોકોની ધરપકડ થઈ.
અટકાયત કરાયેલાઓમાં રાજકીય આગેવાનો, નાગરિક-નેતાઓ, શિક્ષકો, કલાકારો અને પત્રકારોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને આંતરિક કટોકટીનો વિરોધ કરનારાઓ તેમજ સેન્સરશિપને તાબે ન થનારાઓ પર આ ધારો કડક હાથે લાગુ પાડવામાં આવ્યો. તેમાંથી મજદૂર યુનિયનો પણ બાકાત રહ્યાં નહિ.
‘મીસા’એ સંસદ અને ન્યાયાલયનેય હલબલાવી મૂક્યાં. બીજી તરફ કટોકટીની આલોચના જ ન થઈ શકે તેવી વ્યાપક અસરે મોટા પ્રમાણમાં ભય ફેલાવ્યો. આ ઘેરી અસરો જે રીતે, લાંબા ગાળા સુધી ચાલી તેને લીધે જ ‘મીસા’ એક અલગ પ્રકારનો શબ્દપ્રયોગ બની ગયો !
તેની કાનૂની અને પ્રજાકીય લડતની તવારીખ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં પણ રસપ્રદ બની રહે તેવી છે.
1975ની 25મી જૂને રાષ્ટ્રપતિએ વટહુકમ જારી કરીને ભારતમાં આંતરિક સલામતી જોખમમાં હોવાનાં કારણોસર આંતરિક કટોકટી જાહેર કરી. તેની સાથે જ અટકાયતી ધારા–1971નો અમલ શરૂ કરાયો. ભારત સુરક્ષા ધારા–1971ના અધિનિયમ 18 હેઠળ પૂર્વ તપાસણી આદેશ (precensorship order) જારી થયો; પરંતુ આ પગલાં બંધારણની 14મી અને 19મી ધારાને સુસંગત નહોતાં. તે 19(1)–અ માં નિર્દેશિત નાગરિકની અભિવ્યક્તિના અધિકારને પણ ગેરવાજબી રીતે નિયંત્રિત કરે તેવાં હતાં. ‘કાયદેસર સાધનો કે સરકારી નીતિ બદલવાની કોશિશ માટે સરકારી નીતિઓની ટીકાટિપ્પણી કરવી કે સરકારી પગલાંની સામે નારાજગી વ્યક્ત કરવી એ કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે ઘૃણા – નફરત – ઉશ્કેરણી પેદા કરવાનો પ્રયાસ ન ગણાય’ – એમ ધારા (2) અને (3)માં સ્પષ્ટ હતું; તેમ છતાં અખબારો કટોકટીની ટીકા કરતાં ડર્યાં; કેમ કે, તેમને ‘મીસા’ હેઠળ અટકાયતોનો ભારે ડર હતો.
22 માર્ચ, 1976ના ગુજરાત વડી અદાલતની એક બેન્ચે સેન્સરશિપ કાયદાની ત્રણેક જોગવાઈને ‘ભૂમિપુત્ર’ અંગેના પોતાના ચુકાદા દ્વારા રદ કરી 13મી ઑગસ્ટ, 1975ના ‘સાધના’ અંગેના ચુકાદાના એક વધુ કેસમાં કેન્દ્રીય સેન્સર તરફથી કટોકટીવિરોધી લેખનાં પ્રકાશન સામેની મનાઈ પાછી ખેંચવામાં આવી. તે પછી પણ અટકાયતી ધારાના ભય હેઠળ અખબારો એકતરફી રહ્યાં અને વિદેશી પત્રકાર વૉલ્ટર શ્વાર્ત્ઝના શબ્દોનો ઉલ્લેખ કરીએ તો માત્ર જૂનીપુરાણી ઇતિહાસ-ઘટનાઓ, ફૅશન અને એવી સામગ્રીનું સાંસ્કૃતિક ગોદામ બનવા માંડ્યાં.
‘મીસા’નું બીજું પરિણામ રાજકીય ક્ષેત્રે આવ્યું. વિરોધ પક્ષના કેટલાક આગેવાનો, ધારાસભ્યો વગેરેએ પોતાના પક્ષમાંથી રાજીનામાં આપ્યાં અને સત્તાધારી પક્ષમાં જોડાયા. ગુજરાતમાં રાજ્યસરકાર તેમજ જિલ્લા પંચાયતોમાં આ કારણે સત્તાપરિવર્તન થયાં. તમિળનાડુ અને ગુજરાતમાં વિપક્ષી સરકારો હતી તે લાંબો સમય ચાલી શકી નહિ.
શરૂઆતમાં, ‘મીસા’ના અટકાયતી ધારા સામે દાદ માગવાની જોગવાઈ હતી. એટલે હેબિયસ કૉર્પસ હેઠળ વિભિન્ન રાજ્યોની અદાલતોમાં રિટ અરજીઓ દાખલ કરાઈ. મુખ્યત્વે દિલ્હી, રાજસ્થાન, આન્ધ્રપ્રદેશ, કર્ણાટક, ચેન્નાઈ, અલ્લાહાબાદ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્રમાં અદાલતોએ એવા ચુકાદા આપ્યા કે 359મી કલમ હેઠળના રાષ્ટ્રપતિના વટહુકમ પછી પણ અટકાયતની સામે દાદ માંગી શકાય છે. 1976ના ઑગસ્ટમાં ગુજરાતના ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરૂએ ગુજરાત હાઈકૉર્ટમાં અટકાયતી ધારા સામે રિટ દાખલ કરી તો તેમની પણ ‘મીસા’ હેઠળ ધરપકડ કરવામાં આવી.
અટકાયતી ધારામાં પાંચ દિવસની અંદર કારણો દર્શાવવાં પડે તેવી જોગવાઈ હતી તે રદ કરાઈ. એક વર્ષ સુધી વ્યક્તિને વિના કારણ જેલમાં ગોંધી રાખી શકાય તેવી જોગવાઈની મુદત વારંવાર વધતી ગઈ. ભારતીય સંસદમાં 39મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો કે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય સહિતની કટોકટી તેમજ કોઈ રાજ્યમાં વહીવટ હાથમાં લઈ લે તેને અદાલતમાં પડકારી શકાય નહિ. કેટલીક જગ્યાએ 352મી કલમ હેઠળની રાષ્ટ્રપતિની સત્તાને પડકારવામાં આવી એટલે આવું પગલું લેવાયું હતું.
શું મૂળભૂત અધિકારો પર તરાપ મૂકીને નાગરિક સ્વતંત્રતાનો છેદ ઉડાડી શકાય ખરો ? આ જ્વલંત પ્રશ્ન અદાલત અને સંસદ સમક્ષ આવી પડ્યો.
સર્વોચ્ચ અદાલતમાં ચાર ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ આ અંગે સુનાવણી થઈ. 70 દિવસ સુધી ચાલેલી દલીલોમાં સર્વશ્રી શાન્તિભૂષણ, વી. એમ. તારકુંડે, સી. કે. દફતરી, રામ જેઠમલાણી વગેરે માનવાધિકારની દલીલો કરી રહ્યા હતા.
સમગ્ર સુનાવણી વ્યક્તિસ્વાતંત્ર્ય, રિટની સત્તા, અદાલતી સમીક્ષા અને કટોકટીની જાહેરાતોના કેન્દ્રબિંદુ પર રહી. 28મી એપ્રિલ, 1976ના તેનો ઐતિહાસિક ચુકાદો આવ્યો. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ચન્દ્રચુડ સહિતના ત્રણ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું કે સંવિધાનની 21મી કલમની અનુપસ્થિતિમાં મૂળભૂત અધિકારનું અસ્તિત્વ રહેતું નથી. અટકાયતી તેના જેલવાસની સામે દાદ માગી શકે નહિ.
પરંતુ ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાએ આ વાત માન્ય રાખી નહિ. તેમણે તેમના અલાયદા ચુકાદામાં કહ્યું કે આ મૂળભૂત અધિકાર છે. સભ્ય સમાજનો તે પાયો છે. આંતરરાષ્ટ્રીય કાનૂનમાંયે તેને માનવાધિકાર ગણાવાયો છે. 21મી કલમના અભાવમાં પણ, શાસન વ્યક્તિસ્વાતંત્ર્યને ઉવેખી શકે નહિ.
આ ચુકાદાએ એક લાખથી વધુ અટકાયતીઓની મુક્તિના ભવિષ્યને અનિશ્ચિત બનાવી દીધું. સામાન્ય જનજીવનમાં પણ તેની વિપરીત અસર થઈ. મીનુ મસાણીએ કહ્યું હતું કે રેલગાડી તો સમયસર ચાલતી હતી પણ લોકશાહીની ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી ! મુંબઈની વડી અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને કાનૂનમંત્રી એમ. સી. ચાગલાએ કહ્યું કે આવી અંધારક્ષણો રાષ્ટ્રજીવનમાં કલ્પી શકાય એવી નથી. નાગરિકોને પહેલી વાર નિરંકુશ, સ્વચ્છંદ વહીવટી સત્તાની મહેરબાની પર છોડી દેવાયા છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ વી. એમ. તારકુંડેના મતે આ તો ‘ન્યાયતંત્રની હારાકીરી’ હતી. જયપ્રકાશ નારાયણે નિ:શ્વાસ નાખ્યો કે આશાનું છેલ્લું કિરણ સમાપ્ત થયું છે. બૅંગાલુરુ જેલમાં આ કાયદા હેઠળ અટકાયત ભોગવી રહેલા એલ. કે. અડવાણીએ તેને ‘ઍન્ટિ-ક્લાઇમૅક્સ’ ઘટના ગણી. ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના તંત્રીલેખમાં જણાવાયું કે જ્યારે પુન: લોકશાહી અને સ્વતંત્રતા સ્થપાશે ત્યારે જસ્ટિસ ખન્નાનો ચુકાદો યાદ કરાશે.
દરમિયાન આંતરિક કટોકટી અને અટકાયતી ધારા સહિતની બાબતોને વધુ અસરકારક બનાવવામાં સંસદમાં એક પછી એક બંધારણીય સુધારાઓ ઉપયોગી નીવડ્યા. 38મા બંધારણીય સુધારાએ આંતરિક કટોકટીની ઘોષણા સહિતના વટહુકમોને ન્યાયક્ષેત્રની બહાર, ન્યાયાલયીન વિવાદથી પર બનાવ્યા. 39મા બંધારણીય સુધારામાં બંધારણની કલમો 71 અને 329માં ફેરફાર કરાયો. હવે, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારતી અરજી ન્યાયાલયમાં રજૂ કરી શકાય નહિ તેવો નિર્ણય લેવાયો. 42મા બંધારણીય સુધારામાં ભારતને ‘લોકશાહી’ ઉપરાંત ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ દેશ ગણાવાયો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અગ્રતા અને સર્વોપરીતા સ્થાપિત કરવામાં આવી. મૂળભૂત ફરજોનો ભંગ સજાને પાત્ર બનાવાયો. લોકસભાની મુદત પાંચને બદલે છ વર્ષ લંબાવવામાં આવી.
પરંતુ 3 એપ્રિલ, 1978 અને તે પછી ઑગસ્ટ, 1978ના બંધારણના 43–44મા સુધારાએ ઉપર્યુક્ત જોગવાઈઓમાં મહત્વના ફેરફાર કર્યા. કેટલીક બાબતોનો છેદ ઉડાડી દેવાયો અને આંતરિક કટોકટી માટેનાં 1975માં બતાવાયેલાં કારણો – ખાસ કરીને કથિત આંતરસંઘર્ષ – અમાન્ય કરવામાં આવ્યાં. મૂળભૂત અધિકારોની સર્વોપરીતા પુન: સ્થાપિત થઈ. તેને લીધે ‘મીસા’નો પ્રખર તાપ પણ ઓગળી ગયો.
‘મીસા’ની ભયાવહ મજલની વચ્ચે સંસદમાં પ્રસ્તાવો અને તેની ચર્ચાનુંયે ભારે મહત્વ રહ્યું. કટોકટી દરમિયાન તો સંસદની કાર્યવહી પણ બન્દીગૃહની યાદ અપાવે તેવી હતી. એક તરફ શાસક પક્ષની બહુમતી, બીજી તરફ 34થી વધુ વિપક્ષી સાંસદોને ‘મીસા’ હેઠળ જુદી જુદી જેલોમાં ગોંધી રાખવામાં આવેલા હતા. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વિપક્ષી સંસદસભ્યો ગૃહમાં હતા. ‘મીસા’ને 1971ના આંતરિક સલામતી ધારાના સુધારા માટેના ખરડા થકી સ્થાપિત કરવા માટે 23 જુલાઈ, 1975ના દિવસે ગૃહપ્રધાન બ્રહ્માનન્દ રેડ્ડીએ દરખાસ્ત મૂકી હતી; તેમાં જણાવાયું કે વ્યક્તિગત સ્વાતંત્ર્યનો હક્ક કુદરતી કાયદામાં કે સામાન્ય કાયદામાં અસ્તિત્વ ધરાવે છે અને તે સિવાય બંધારણની 21મી કલમમાં પણ સમાવિષ્ટ છે તેથી તેવા કોઈ કાયદા હેઠળ આ હક્કો હોય તો તે બધા લઈ લેવાની જોગવાઈ ઉમેરવાનું વધુ સલામત હોવાનું વિચારાયું છે.
આ જોગવાઈ એટલા માટે જરૂરી થઈ પડી કે 25મી જૂને ‘મીસા’ હેઠળ થયેલી ધરપકડો માટે પૂર્વ જોગવાઈ મુજબ પાંચ દિવસમાં કારણ દર્શાવવાં પડે તેમ હતાં. એટલે 29મી જૂન, 1975ના વટહુકમનો આશરો લેવાયો અને તેને ગૃહમાં પસાર કરવા 23 જુલાઈથી વિધિ શરૂ થઈ. ગુજરાતમાંથી અપક્ષ સંસદસભ્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર આ ખરડાની વિરુદ્ધ બોલનારા પ્રથમ અને એકમાત્ર વક્તા હતા ! મતદાનમાં ખરડાની તરફેણમાં 280 અને વિરુદ્ધમાં 53 મત પડ્યા.
21મી જાન્યુઆરી, 1976ના આંતરિક સલામતી જાળવણી ધારાની ગૃહમાં ચર્ચા તો થઈ પણ તે પહેલાં બંધારણ-સુધારાના વટહુકમો જાહેર થઈ ગયેલા. 17 ઑક્ટોબર, 1975ના રોજ રાષ્ટ્રપ્રમુખે બહાર પાડેલા આંતરિક સલામતી જાળવણી (ત્રીજા સુધારા) વટહુકમ અને અન્ય બાબતોનો વિરોધ કરતો ઠરાવ મુકાયો હતો. બાબુ જગજીવનરામે એ દિવસે કટોકટીની જાહેરાતને મંજૂર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. 34 સંસદસભ્યો મીસા હેઠળ અટકાયતમાં હતા. પ્રા. માવળંકરે તેમની ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે 1949માં બંધારણસભાની ચર્ચામાં એમ. વી. કામથ અને પ્રા. કે. ટી. શાહે ચેતવણી આપેલી કે આ પ્રકારની જોગવાઈઓથી કેન્દ્ર સરકાર હિટલર જેવી સત્તા ધરાવીને લોકશાહીને સમાપ્ત કરી શકે છે. રાષ્ટ્રપતિના વટહુકમના મતદાનમાં તરફેણમાં 336 અને વિરુદ્ધમાં 59 મત પડ્યા.
મહત્વની વાત એ હતી કે આ મતદાનમાં જેમને આંતરિક કટોકટીનાં સૂત્રધાર ગણાવાયાં તે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો નહિ, કારણ કે અલ્લાહાબાદ હાઈકૉર્ટના ચુકાદા મુજબ તેમની ચૂંટણી અમાન્ય ઠરી હતી અને સર્વોચ્ચ અદાલતે મનાઈહુકમ આપીને તેઓ માત્ર ગૃહની કાર્યવહીમાં ભાગ લઈ શકે, મત ન આપી શકે એવો વચગાળાનો ચુકાદો આપેલો !
21, 22, 23 જુલાઈના ત્રણ દિવસ દરમિયાન ચાર વાર મતદાન માંગવામાં આવ્યું. આ પૂર્વે 21મીએ બંને ગૃહોમાં પ્રસ્તાવ દ્વારા કટોકટી અને મીસાને પ્રસ્થાપિત કરવા મંજૂરીની મહોર માટે ખાસ બેઠકો યોજવામાં આવી હતી.
25મી જૂન, 1975થી 1977ના માર્ચ સુધી આંતરિક કટોકટી અને ‘મીસા’એ ભારતીય લોકશાહી અને મૂળભૂત અધિકારોને જે રીતે ઝકઝોર્યાં તે એક પ્રકારનું ‘મીસાવાસ્યમ્’ બની ગયું, જેની દસ્તાવેજી ઘટનાઓ વર્તમાન અને ભાવિ માટે બોધપાઠરૂપ છે.
વિષ્ણુ પંડ્યા