મિશેલ, વેસ્લી ક્લેર (Mitchel Wesley Clair) (જ. 5 ઑગસ્ટ, 1874, રશવિલે, ઇલિનૉય, યુ.એસ.; અ. 29 ઑક્ટોબર 1948, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકાના અર્થશાસ્ત્રી. અભ્યાસ શિકાગો અને વિયેના ખાતે કરેલો. શિકાગોમાં વેબ્લનના પરિચયમાં આવ્યા અને તેમના સંસ્થાકીય અર્થશાસ્ત્ર અંગેના વિચારોથી પ્રભાવિત થયા. તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા તથા કોલંબિયા યુનિવર્સિટીમાં થોડો સમય અધ્યાપન કરેલું. એક સરકારી કર્મચારી તરીકે તેમણે સરકારની વિવિધ સમિતિઓ અને વિવિધ સરકારી મંડળોમાં કામગીરી બજાવેલી, પરંતુ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર અમેરિકન નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનૉમિક રિસર્ચ રહ્યું. તેના તેઓ સ્થાપક સભ્ય હતા.
તેની સ્થાપના 1920માં કરવામાં આવેલી. 1920થી ’45 સુધી તેઓ તેના અધ્યક્ષ રહ્યા હતા. તેમના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર વેપાર-ચક્રો હતું. 1913માં તેમણે ‘વેપાર-ચક્રો અને તેમનાં કારણો’ (Business Cycles and their Causes) એ શીર્ષક નીચે પોતાનું પ્રથમ પુસ્તક પ્રગટ કર્યું હતું. 1927માં તેમણે ‘વેપાર-ચક્રો : તેની સમસ્યા અને સંનિવેશ’ એ નામથી અન્ય એક પુસ્તક પ્રગટ કર્યું. એ પુસ્તકમાં તેમણે વેપાર-ચક્ર અંગેનો કોઈ સિદ્ધાંત રજૂ કર્યો ન હતો. તેમાં તેમણે વેપાર-ચક્રને માપવા માટેની વિવિધ પદ્ધતિઓ રજૂ કરી હતી, જેનો ઉપયોગ કરીને ભવિષ્યમાં વેપાર-ચક્ર અંગેનો સિદ્ધાંત રજૂ કરી શકાય. 1946માં તેમણે આર્થર બર્ન્સના સહયોગથી ‘મેઝરમેન્ટ ઑવ્ બિઝનેસ સાઇકલ્સ’ પુસ્તક પ્રગટ કર્યું. તેમાં અમેરિકન નૅશનલ બ્યૂરો ખાતે વેપાર-ચક્રો અંગે જે અભ્યાસો–સંશોધનો થયેલાં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે વિવિધ આર્થિક પરિબળોમાં પરિવર્તન આવવા છતાં વેપાર-ચક્રો એક પ્રકારની સ્થિરતા ધરાવે છે.
પરાશર વોરા