મિશૅલ, માર્ગારેટ (જ. 8 નવેમ્બર 1900, આટલાન્ટા, જ્યૉર્જિયા; અ. 16 ઑગસ્ટ 1949, આટલાન્ટા, જ્યૉર્જિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : નામી મહિલા–નવલકથાકાર. અભ્યાસ તો તેમણે તબીબી કારકિર્દી માટે કર્યો, પરંતુ તેમણે પત્રકારત્વનો વ્યવસાય સ્વીકાર્યો અને ‘ધી આટલાન્ટા જર્નલ’ માટે 1921–1926 સુધી લેખનકાર્ય કરતાં રહ્યાં.

માર્ગારેટ મિશૅલ

1925માં જૉન આર. માર્શ સાથે તેમનાં લગ્ન થયાં પછી અને તેમને ઘૂંટણે ઈજા થવાથી વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવી પડી. તે પછી તેમણે તેમની એકમાત્ર નવલકથા ‘ગૉન વિથ ધ વિન્ડ’(1936)નું લેખનકાર્ય આરંભ્યું અને તેની પાછળ પૂરો એક દશકો વિતાવ્યો. આ કૃતિને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ મળ્યું. તેની 250 લાખ નકલો વેચાઈ અને 30 ભાષાઓમાં તેનું ભાષાંતર પણ થયું. તેના આધારે નિર્માણ પામેલ ચલચિત્રને 1939માં ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી