મિશૅલ, જૉન (જ. 1913, ડેટ્રૉઇટ, મિશિગન; અ. 1988) : અમેરિકાના કાનૂની નિષ્ણાત અને કૅબિનેટના સભ્ય. તેઓ ન્યૂયૉર્કના મૂડીરોકાણના કાનૂની નિષ્ણાત હતા (1936–68). તેઓ શ્રીમંત હતા. તેઓ મ્યુનિસિપલ બૉન્ડ્ઝ વિશેના નિષ્ણાત સલાહકાર હતા.
1968ની પ્રમુખ નિક્સનની પ્રચાર-ઝુંબેશના તેઓ વ્યવસ્થાપક બન્યા. 1969થી ’73 દરમિયાન તેઓ ઍટર્ની-જનરલ તરીકે કામગીરી સંભાળતા રહ્યા. વિદ્યાર્થી જગતના ઉગ્રવાદીઓ અને આંદોલનકારીઓ સામે તેમજ આફ્રિકન-અમેરિકન ચળવળવાદીઓ સામે તેમણે જાપ્તો રાખવા ગેરકાયદે પદ્ધતિઓ અપનાવી. વૉટરગેટ ષડ્યંત્રની તપાસની ન્યાયવિષયક કાર્યવહીમાં અવરોધ ઊભા કરવા બદલ દોષિત ઠરવાથી તેમને 1977–’79 દરમિયાન 2 વર્ષની જેલની સજા ભોગવવી પડી હતી.
મહેશ ચોકસી