મિયાં સમઝૂ ગુલામ મુહમ્મદ (જ. સૂરત, હયાત ઓગણીસમા સૈકામાં) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેમના દીવાન(કાવ્યસંગ્રહ)માં ઉર્દૂના પ્રચલિત કાવ્યપ્રકારો – ગઝલ, કસીદા, મસ્નવી, મુક્તક ઉપર આધારિત કાવ્યકૃતિઓ જોવા મળે છે. મિયાં સમઝૂએ પોતાનાં કાવ્યોમાં પ્રેમ, મિલન, વિરહ જેવા રૂઢિગત વિષયો ઉપરાંત પોતાના સમકાલીન રાજકીય તથા સામાજિક પ્રવાહોનો પણ ઉલ્લેખ કર્યો છે, જે તેમની કવિતાને ખાસ વિશિષ્ટતા આપે છે. આવા લબ્ધપ્રતિષ્ઠ કવિના જીવનપ્રસંગો અંગે પૂરતી માહિતી પ્રાપ્ય નથી. તેમણે ઉર્દૂ, અરબી તથા ધર્મ અંગેનું પ્રચલિત શિક્ષણ મેળવ્યું હતું. તેઓ યુવાનીમાં હજ-યાત્રાએ ગયા હતા અને ત્યાંથી પાછા ફર્યા બાદ, છેલ્લા મુઘલ સમ્રાટોમાંના એક મુહમ્મદ અકબર શાહ બીજા(1760–1837)ના રાજકુંવર મુહંમદજહાંની સાથે દિલ્હી ગયા હતા. દિલ્હીમાં તેમને રાજદરબારીઓની સોબત ઉપરાંત ઉર્દૂના ખ્યાતનામ કવિઓ મોમિન (1800–1852) અને ઝૌક (1789–1854) પાસેથી ઉર્દૂ કવિતાના ક્ષેત્રમાં કીમતી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. દિલ્હીથી પાછા સૂરત આવીને તેઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં નિઝામના દીવાન ચંદુલાલ શાદાં(1761–1845)ના મુનશી તરીકે કામ કર્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મિયાં સમઝૂએ દીવાન ચંદુલાલ તરફથી ભેટસોગાદ પ્રાપ્ત થતાં એક સુંદર મુક્તક કહ્યું હતું. તેની રચનાનું વર્ષ 1835 છે. આ મુક્તકમાં કવિએ રાખીના ગુણગાન ગાયા છે. 1845માં દીવાન ચંદુલાલના અવસાન બાદ મિયાં સમઝૂ ગુજરાત પાછા ફર્યા અને ખંભાતના નવાબ હુસેન યાવરખાન(મોમિનખાન પાંચમા 1840–1880)ના દરબારમાં અંગ્રેજી સત્તાના વકીલ તરીકે તેમણે જીવનપર્યંત સેવા આપી હતી. મિયાં સમઝૂ મોજીલા સ્વભાવના હતા અને દિલ્હી, હૈદરાબાદ તથા ખંભાતનાં શાસક-વર્તુળોમાં કવિ તરીકે માન-આદર પામ્યા હતા. મિયાં સમઝૂના ઉર્દૂ કલામમાં દિલ્હી તથા લખનઉના કવિઓ – ઝૌક, મોમિન, આતશ તથા નાસિખની શૈલીની ઝલક દેખાય છે તો ગુજરાતના વલી અને ઉઝલતની પેરવીનો રંગ પણ જોઈ શકાય છે. મિયાં સમઝૂ મહેફિલો તથા મિત્રોના રસિયા હતા. તેઓ બહોળું મિત્રમંડળ ધરાવતા હતા. ઉર્દૂ કવિતાએ તેમને દરેક જગ્યાએ માનભર્યું સ્થાન અપાવ્યું હતું. ગુજરાતના ખંભાત ઉપરાંત સચીનના નવાબ સીદી અબ્દુર્રહીમ સાથે પણ તેમણે નિખાલસતાભર્યા સંબંધો બાંધ્યા હતા. તેઓ ગુજરાતના 10 કવિઓના ગુરુ(ઉસ્તાદ) હોવાનું માન ધરાવે છે. મિયાં સમઝૂએ મોટે ભાગે ગઝલો કહી છે. આ ગઝલોમાં કોઈક વાર સમકાલીન ઘટનાઓનો ઉલ્લેખ મળે છે; દાખલા તરીકે, 1857ના વિપ્લવ પછી દિલ્હીની બરબાદી; અંગ્રેજોએ મીઠા પર નાંખેલો આકરો વેરો; પશ્ચિમમાં બલૂન દ્વારા ઉડ્ડયનનો પ્રયોગ; વરાળ-યંત્ર, સૂરતનો પ્રલય વગેરે. મિયાં સમઝૂએ ખંભાતના નવાબોની પ્રશંસામાં કસીદા–કાવ્યો પણ લખ્યાં હતાં. ગુજરાતમાં પરંપરાગત ઉર્દૂ કવિતાના છેલ્લા મહત્વના સૂત્રધાર તરીકે સમઝૂની ગણના થાય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી