મિયાં દિલગીર ઝુન્નુલાલ (જ. 1781, લખનઉ; અ. 1846) : ઉર્દૂ કાવ્ય-પ્રકાર મરસિયાના અગ્રણી કવિ. મરસિયા શોક કે માતમ-કાવ્ય તરીકે ઓળખાય છે. મરસિયા સામાન્ય રીતે ઇરાકમાં આવેલ કરબલા મુકામે હક અને અશકન માટે સહકુટુંબ પ્રાણની કુરબાની આપનાર ઇમામહુસેનની મહાન શહાદતની યાદમાં લખવામાં આવેલ. પછી વ્યક્તિવિશેષના અવસાન પ્રસંગે પણ લખાતા થયા. મરસિયાની આ પરંપરાને જીવંત રાખનાર ઉલ્લેખનીય કવિ ઝુન્નુલાલ ‘દિલગીર’ તખલ્લુસથી લખતા હતા. ‘દિલગીર’ના પિતા મુનશી રુસ્વારામ સકસેના કાયસ્થ હતા. પૂર્વજો શમ્સાબાદના વતની હતા; પરંતુ હિજરત કરી પહેલાં દિલ્હી અને પછી લખનઉ આવી વસ્યા હતા. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી કવિતાનો શોખ જાગ્યો અને 17 વરસની ઉંમરથી ગઝલ કહેવાની વિધિવત્ શરૂઆત કરી.
જાણીતા ઉસ્તાદ નવાઝિશહુસેન મિર્ઝાખાનીના માર્ગદર્શન હેઠળ અને સાહિત્યિક સૂઝ અને રુચિના આધારે ‘દિલગીર’ શહેરના ઉલ્લેખનીય કવિઓમાં સ્થાન પામ્યા. શરૂઆત તો ‘દિલગીરે’ ગઝલ કહેવાથી કરી હતી; પરંતુ લખનઉના સાહિત્યિક વાતાવરણ, માતમ–મિજલસો, શાહી ઇમામવાડા અને સંજોગોએ મરસિયાનું ભારે આકર્ષણ ઊભું કર્યું અને તેના પ્રબળ પ્રભાવ હેઠળ ‘દિલગીરે’ પોતાની ગઝલપોથી તળાવમાં નાંખી દીધી અને ફક્ત મરસિયાની રજૂઆત તરફ તેઓ વળ્યા.
કરબલાના મેદાન ઉપર ઇમામહુસેનની સાથે બહાદુરીપૂર્વક શહાદત પામનારા શૂરવીરો ઉપરાંત ઇમામહુસેનનાં બહેન ઝેનબ વિશેના ‘દિલગીર’ના મરસિયાઓ ખૂબ અસરકારક સાબિત થયા છે. આવાં અનેક પાત્રોનાં નિરૂપણમાં ‘દિલગીર’ની કલા ઉચ્ચ કોટિએ પહોંચેલી જોવા મળે છે.
આ મરસિયાઓની એક વિશેષતા એ છે કે તેમાં વર્ણવેલ પ્રસંગો, પાત્રો અને ઘટનાઓ કરબલાના મેદાન ઉપર ઇમામહુસેનની આસપાસ આરામ લેતાં દર્શાવાય છે; પરંતુ લગભગ બધા જ કવિઓએ લખનવી તહનીબનું સામ્રાજ્ય ઊભું કરવા પ્રયત્ન કર્યા હતા. તેમાં લખનઉના ઉમરાવ સમાજની સંસ્કારિતા રીતરિવાજો જોવા મળે છે. વળી ભાષાપ્રયોગો, પોશાકો, ઘરેણાં, સવારીઓ અને જંગમાં વપરાયેલાં હથિયારોની બાબતમાં પણ લખનવી કે અવધની અસર જોવા મળે છે. લખનઉના મુસ્લિમ સમાજની રહેણીકરણી તથા સામાજિક પ્રસંગોનો આવો સૂક્ષ્મ અભ્યાસ ‘દિલગીર’ અને તેમની કવિતા માટે સન્માનજનક છે. ‘દિલગીર’ના મરસિયાઓ પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયા છે. તેમાં ‘સલામ’ પણ જોવા મળશે. ‘સલામ’ લખવામાં પણ તેઓ નિપુણ હતા.
આ મરસિયા સામાન્ય રીતે મુસદ્દસ સ્વરૂપમાં લખવામાં આવ્યા છે. તેમાં 6 પંક્તિઓનો એક બંધ અથવા ચરણ હોય છે. ઓછામાં ઓછા ચરણવાળા તેમના મરસિયામાં 15 + 1 = 16 ચરણો છે. જ્યારે લાંબા મરસિયામાં 167 જેટલાં ચરણ મળે છે. તેમના મરસિયા કુલ 7 ભાગમાં પ્રગટ થયા છે. લખનઉના પ્રકાશક મુનશી નવલકિશોર તરફથી આ પ્રકાશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમના શેરોની કુલ સંખ્યા 78,000 જેટલી છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા