મિકી માઉસ (Mickey Mouse) : વિશ્વમાં કાર્ટૂન-ચિત્રોના પિતામહ ગણાતા વૉલ્ટ ડિઝનીએ કાર્ટૂન-ચિત્રો માટે સર્જેલું ઉંદરનું એક અત્યંત લોકપ્રિય પાત્ર. 1928માં આ પાત્રનું સર્જન થયું; પણ આટલાં વર્ષો પછીયે તેની લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. જોકે આ પાત્રના સર્જન પછી પ્રારંભે વૉલ્ટ ડિઝનીને ઘણી ટીકાઓ અને મજાકના ભોગ બનવું પડ્યું. હતું. ડિઝનીએ પહેલાં આ પાત્રનું નામ ‘મૉર્ટિમર માઉસ’ રાખ્યું હતું; પણ એક દિવસ ન્યૂયૉર્કથી લૉસ ઍન્જલસ સુધીની રેલવેની મુસાફરી દરમિયાન ડિઝનીનાં પત્ની લીલીના કહેવાથી પાત્રનું નામ ‘મિકી માઉસ’ રખાયું. વૉલ્ટ ડિઝનીએ કાર્ટૂનિસ્ટ ઉબ આઈવકર્સ(Ub Iwerks)ની મદદથી મિકી માઉસનું કેરેક્ટર રચ્યું હતું. તેના બંને પહોંચામાં અંગૂઠા ઉપરાંત માત્ર ત્રણ જ આંગળીઓ રાખવાનું કારણ કાર્ટૂન-ચિત્રો સર્જવામાં સરળતા અને ઝડપ રહે તે ઉપરાંત આર્થિક કરકસર હતું. માત્ર સાડા છ મિનિટના શોટ (ફિલ્મ) માટે 45,000 કાર્ટૂન ચિત્રો સર્જવા પડતાં હોવાથી આ નિર્ણય વ્યવહારુ હતો.
મિકી માઉસની શ્રેણીની ફિલ્મોમાં મિકીની પ્રિયતમા કે પત્ની તરીકે મિની (Minnie) માઉસ નામની ઉંદરીનું કેરેક્ટર જોવા મળે છે. કેટલીક ફિલ્મોમાં તેની સાથે ડોનાલ્ડ ડક(બતક)નું કેરેક્ટર પણ જોવા મળે છે.
ડિઝનીએ 1,700 ડૉલરના ખર્ચે મિકી માઉસ પર બનાવેલું પ્રથમ કાર્ટૂન-ચલચિત્ર ‘પ્લેન ક્રેઝી’ હતું. કોઈ કંપની આ ચિત્ર ખરીદવા તૈયાર થઈ નહોતી. ડિઝનીએ હિંમત હાર્યા વિના સાત મિનિટની લંબાઈ ધરાવતું બીજું એક કાર્ટૂન-ચિત્ર ‘સ્ટીમબોટ વિલી’ બનાવ્યું. આ ચિત્રને પણ કોઈ જાણીતી કંપનીએ ખરીદ્યું નહિ. ત્યારે ડિઝનીએ આ ચિત્રને 1928ની 18મી નવેમ્બરે ન્યૂયૉર્કના ‘કૉલોની’ નામના છબિઘરમાં પ્રદર્શિત કર્યું. પ્રથમ ખેલથી જ તેને ભારે સફળતા સાંપડી હતી. થોડા જ સમયમાં મિકી માઉસનાં સાથી પાત્રો મિકીની પ્રેમિકા મિની ઉંદરડી, તેનો કૂતરો પ્લુટો અને ખલનાયક પેગલેગ પીટનું સર્જન કરાયું. એક ખૂબ જ પ્રેમાળ ઉંદર તરીકે મિકી માઉસનું પાત્ર આબાલવૃદ્ધ સૌના મનમાં વસી ગયું.
દુનિયાનાં ઘણાં અખબારો અને સામયિકોમાં મિકી માઉસની કાર્ટૂન-કથાઓ પ્રગટ થતી રહે છે. તેનો પ્રારંભ ‘ધ ન્યૂયૉર્ક મિરર’ અખબારે કર્યો. 1930ની 13મી જાન્યુઆરીએ આ અખબારે પ્રથમ વાર મિકી માઉસનું કાર્ટૂન છાપ્યું. ફ્લોરાઇડ ફ્રાઇડ્સને તે બનાવ્યું હતું. તેમણે લગભગ 45 વર્ષો સુધી મિકી માઉસનાં કાર્ટૂનો બનાવ્યાં. મિકી માઉસ પર આધારિત ચિત્રકથાઓનું પ્રકાશન પણ 1930માં જ શરૂ થયું. 1932માં મિકી માઉસના કાર્ટૂન-ચિત્રને પ્રથમ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો. અત્યાર સુધીમાં આ પાત્ર અનેક ઍવૉર્ડ મેળવી ચૂક્યું છે.
વૉલ્ટ ડિઝની સિરીઝના કાર્ટૂન ચલચિત્ર ‘લેન્ડ એ પો’ને 1942માં એકૅડેમી (ઑસ્કાર) ઍવૉર્ડ મળ્યો હતો. સાઉન્ડ રેકર્ડિંગની શરૂઆત પછી કેટલીક ફિલ્મોમાં મિકી માઉસને વૉલ્ટ ડિઝનીએ પોતાનો જ અવાજ આપ્યો હતો.
1940માં મિકી માઉસ પ્રથમ જ વાર એક લાંબી ફીચર ફિલ્મમાં જોવા મળ્યો. આ ફિલ્મનું નામ ‘ફૅન્ટાસિયા’ [FANTASIA] છે. આ ફિલ્મમાં ફ્રેંચ કમ્પોઝર (સંગીત-નિયોજક) પૉલ દુકા(Paul Dukas)ની સિમ્ફનિક પોએમ ફૅન્ટાસિયાના સંગીત સાથે તમામ પાત્રો મૂક અભિનય કરતાં જોવા મળે છે.
1946 સુધી વૉલ્ટ ડિઝનીએ મિકીના પાત્રને પોતાનો અવાજ આપ્યો હતો. એ પછી તેમના એક સહાયક જિમ મૅકડૉનાલ્ડે મિકીને અવાજ આપ્યો. 1945 સુધીમાં મિકી માઉસ પર લગભગ 125 કાર્ટૂન-ચિત્રો બની ચૂક્યાં હતાં. 1960 સુધીમાં 26 ભાષાઓમાં મિકીનાં કાર્ટૂન-ચિત્રોનું નિર્માણ થવા માંડ્યું હતું અને લગભગ 115 દેશોમાં આબાલવૃદ્ધ સૌ તે જોતાં હતાં. જુદા જુદા દેશોમાં મિકી જુદા જુદા નામે પ્રસિદ્ધ છે. ઇટાલીમાં તેને ‘ટોપો લીનો’ કહે છે. ફ્રાંસમાં ‘માઇકલ સોરીસ’ કહે છે. જાપાનમાં ‘મિકી ચૂચી’ અને નૉર્વેમાં ‘મિકી મસ’ તરીકે તે લોકપ્રિય છે. મિકી માઉસની લોકપ્રિયતાએ રમકડાં અને બાળકોને પસંદ પડે તેવી ભેટસોગાદની ચીજોના એક વિશ્વવ્યાપી ઉદ્યોગને પણ જન્મ આપ્યો છે.
મિકી માઉસનો પચાસમો જન્મદિન અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં પણ ઊજવાયો હતો. 1988માં તેના સાઠમા જન્મદિને દુનિયાભરમાં કાર્યક્રમો યોજાયા હતા.
હરસુખ થાનકી