માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં એક નગર અને 148 ગામો છે.
તાલુકાની જમીન સપાટ, કાળી અને ફળદ્રૂપ છે. અહીં કીમ નદી તાલુકાના નાની પારડી ગામ પાસે પ્રવેશે છે. તેની લંબાઈ 142 કિમી. જેટલી છે. સૂરત જિલ્લા પૂરતી તેની લંબાઈ 82 કિમી.ની છે. આ નદી નર્મદાના મુખથી 16 કિમી. દૂર આવેલી છે. ભગા નદી તેને આમડેરા ગામ પાસે મળે છે. ઓલપાડના ભાગવા ગામ અને કંટાજલ વચ્ચે તે અરબી સમુદ્રને મળે છે.
અહીંના જંગલ-વિસ્તારમાં સાગ, બાવળ, મહુડો જેવાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં હીરા ઘસવાનાં કારખાનાં, જિન અને લાટી, લાકડાં વહેરવાની મિલો તથા પુસ્તકાલય આવેલાં છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, મદરેસા ઉપરાંત મસ્જિદ, ગાયત્રી-મંદિર, હનુમાન-મંદિર તથા રામજી-મંદિર જેવાં ધાર્મિક સ્થળો છે. ગામની વસ્તી આશરે 5,000 જેટલી છે.
માંગરોળ ભૂખી નદીના કાંઠે આવેલું છે. તે કોસંબા–ઉમરપાડા નૅરોગેજ રેલવેનું સ્ટેશન છે. જિલ્લામથક સૂરતથી ઈશાન તરફ 60 કિમી. દૂર સૂરત-ભરૂચ જિલ્લા સરહદે વાલિયાથી દક્ષિણે છે. અમદાવાદ–મુંબઈનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 અહીંથી 27 કિમી.ને અંતરે તથા રાજ્ય ધોરી માર્ગ 14 કિમી.ને અંતરે છે. ગામને જોડતો પાકો રસ્તો પણ છે.
માંગરોળ મોટા મિયાંની દરગાહને કારણે પ્રખ્યાત છે. મોટા મિયાંનો જન્મ 1882માં કડી ખાતે થયો હતો. ગુજરાતી, અરબી અને ફારસી ભાષાઓનો તેમનો અભ્યાસ ઊંડો હતો. કડીમાં તેઓ કાજીના પદે હતા. તેઓ સચીન રાજ્યના દીવાન પણ હતા. ત્યારબાદ તેમણે ફકીરી સ્વીકારી. તેથી જૂનું નામ માંગરોળ – વાધરી બદલાઈને માંગરોળ – મોટા મિયાં થયું. અહીં શિયાળામાં પોષ સુદ એકમથી પૂનમ સુધી મેળો (ઉર્સ) ભરાય છે. હિન્દુ-મુસ્લિમ બંને કોમ તેમાં ભાગ લે છે.
શિવપ્રસાદ રાજગોર