માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે અરબી સમુદ્ર તથા પશ્ચિમે પોરબંદર જિલ્લો આવેલા છે.
તાલુકાની ભૂમિ લગભગ સપાટ છે. જમીનો ફળદ્રૂપ છે. તાલુકાનો લીલોછમ પ્રદેશ લીલી નાઘેરનો ભાગ ગણાય છે. આ તાલુકો દરિયાકિનારે આવેલો હોઈ તેની આબોહવા સમધાત રહે છે. અહીંનું મે અને જાન્યુઆરીનું દિવસ અને રાત્રિનું તાપમાન અનુક્રમે 30° સે. અને 25.9° સે. તથા 28° સે., 15.4° સે. જેટલું રહે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન સરેરાશ 500 મિમી. જેટલો વરસાદ પડે છે. ઓછા વરસાદને કારણે જમીન ખારી થતાં ખેતીને નુકસાન થાય છે. કિનારે આવેલા ચૂનાખડકો દ્વારા સમુદ્રનું પાણી પણ ઘૂસી જાય છે.
દરિયાકિનારા નજીકના મેદાની પ્રદેશમાં આંબા, કેળ, ચીકુ, પપૈયાં, દ્રાક્ષ અને નાળિયેરી જોવા મળે છે. શાકભાજીમાં મુખ્યત્વે ડુંગળી, રીંગણ તથા ગાજરનો પાક મુખ્ય છે. ઘઉં, જુવાર, બાજરી, કપાસ અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. 37 % જમીનમાં ખાદ્ય અને 6.3 % જમીનમાં અન્ય પાકો લેવાય છે. સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા થાય છે.
માંગરોળ તાલુકો ખેતીપ્રધાન છે. લોકો ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. દરિયાકિનારે મત્સ્ય-ઉદ્યોગ વિકસ્યો છે. બૂમલા, પૉમ્ફ્રેટ, જિંગા, રાવસ, બોઈ, મગરા (શાર્ક), પલ્લા, કનેર, મેંદળી, ઘોલ જેવી 23 જાતની માછલીઓ અહીંથી મળી રહે છે. માછલીઓને કારણે માંગરોળ મત્સ્ય-ઉદ્યોગનું કેન્દ્ર બની રહેલું છે. મચ્છીમારી માટેની ફાઇબર ગ્લાસની અદ્યતન હોડીઓ બાંધવાનો જહાજવાડો અહીં આવેલો છે. શીતાગારો અને બરફનાં કારખાનાં અહીં ઊભાં કરવામાં આવેલાં છે. અહીંના ચાર ખાનગી માલિકીના જહાજવાડાઓમાં દેશી હોડીઓ પણ બંધાય છે.
તાલુકામાં 270 કિમી. લંબાઈના રસ્તાઓ આવેલા છે. 25 કિમી. દૂર આવેલું કેશોદ માંગરોળ માટેનું નજીકનું રેલમથક છે. પોરબંદર–વેરાવળને જોડતો કંઠાર ધોરી માર્ગ માંગરોળ પાસેથી પસાર થાય છે. માંગરોળનું લઘુબંદર મુખ્યત્વે તો મચ્છીમારી માટે વપરાય છે. 1976માં આ બંદરેથી 77 ટન માલની આયાત થયેલી, તે પછીથી આ બંદરનો વેપાર માટે ઉપયોગ થયો નથી. અગાઉ અહીં ઇમારતી લાકડાં, કપાસિયા, મૅંગલોરી નળિયાં વગેરે મલબાર-કિનારાનાં બંદરો, બીલીમોરા, વલસાડ અને મુંબઈથી આયાત થતાં હતાં. અહીંથી ડુંગળી શ્રીલંકા ખાતે અને ચૂનાના પથ્થરો તેમજ માછલીઓ મુખ્યત્વે મુંબઈ ખાતે નિકાસ થતાં હતાં. આ બંદરને બ્રેકવૉટર દ્વારા સુરક્ષિત બનાવાયું છે. અહીં વ્હાર્ફ પ્રકારનો ધક્કો પણ છે. હોડીઓના ઉતરાણ માટે ઢાળ અને ફિશ-ટર્મિનલ પણ અહીં છે.
શહેર : માંગરોળ અરબી સમુદ્રના કિનારે 21° 07´ ઉ. અ. અને 70° 07´ પૂ. રે. પર આવેલું છે. તેનું પ્રાચીન નામ મંગલપુર હતું. ગ્રીક ભૂગોળવેત્તા ટૉલેમીએ તેનો ઉલ્લેખ ‘માંગલોસન’ તરીકે કરેલો છે. તેની આબોહવા સમધાત રહે છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ લગભગ 57 % જેટલું છે. મત્સ્ય-ઉદ્યોગ-કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયેલો છે. આ શહેરમાં શીતાગારો, બરફનાં કારખાનાં, તેલની મિલો, જિન-પ્રેસ, અનાજ દળવાની ઘંટીઓ, લાકડાં વહેરવાની મિલો, જહાજવાડો વગેરે આવેલાં છે. માંગરોળનું લઘુબંદર મુખ્યત્વે માછીમારી માટે ઉપયોગમાં લેવાય છે. શહેરમાં પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો, અધ્યાપન-મંદિર અને બાલમંદિરની સગવડ છે. 1933માં વિદ્યાર્થીમંડળ પુસ્તકાલયની સ્થાપના થયેલી છે. શારદાગ્રામ તરીકે જાણીતી નિવાસી શાળા પાકિસ્તાનની સ્થાપના બાદ 1947માં કરાંચીથી અહીં ખસેડવામાં આવેલી છે. તેના નિયામક મનસુખભાઈ જોબનપુત્રા દીર્ઘર્દષ્ટિવાળા કેળવણીકાર હતા. આ ઉપરાંત અહીં સંગીત અને વિજ્ઞાનના વિષયો સહિતની વિવિધલક્ષી શાળા પણ છે. મંગલાયતન નામની ઉત્તર બુનિયાદી શાળા પણ છે. ખેતી, પશુપાલન અને સામાજિક પુનર્રચનાના વિષયોનું શિક્ષણ તેની વિશિષ્ટતા છે.
અહીંનાં જોવાલાયક સ્થળોમાં દરબાગઢ, જુમા મસ્જિદ, સિદ્ધનાથ મહાદેવ અને શારદાગ્રામની શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થાય છે. શહેરની નજીકમાં 1146ની સાલના શિલાલેખવાળી એક પ્રાચીન વાવ છે. આ શિલાલેખમાં ગોહિલ રાજવી મુલુકનો ઉલ્લેખ છે. તે સૌરાષ્ટ્રમાં સોલંકી વંશના કુમારપાળનો પ્રતિનિધિ હતો. સોમનાથનો નાશ કર્યા પછી અલાઉદ્દીન ખલજી માંગરોળ થઈને દ્વારકા ગયો હતો. ચૌદમી સદીના પ્રારંભથી 1399 સુધી ગુજરાતના સુલતાનોનું અને મુઘલવંશનું અહીં શાસન રહેલું. બાર વરસ માટે પેશ્વાનું પણ અહીં શાસન હતું. ફખ્રુદ્દીન શેખે મરાઠાઓને હરાવીને માંગરોળ રાજ્યની સ્થાપના કરી હતી. 1948માં જૂનાગઢના નવાબ અને માંગરોળના શેખે પાકિસ્તાનમાં હિજરત કરતાં 1960ના એપ્રિલ સુધી માંગરોળ રાજ્ય જૂનાગઢ જિલ્લાના ભાગ રૂપે અનુક્રમે આરઝી હકૂમત, સૌરાષ્ટ્ર રાજ્ય અને દ્વિભાષી મુંબઈ રાજ્ય નીચે હતું. 1–5–1960થી ગુજરાત રાજ્યની રચના બાદ હાલ માંગરોળ તાલુકો જૂનાગઢ જિલ્લાના ભાગ રૂપે તથા માંગરોળ તાલુકામથક તરીકે છે.
શિવપ્રસાદ રાજગોર