રસેલ, વિલી (જ. 23 ઑગસ્ટ 1947, વિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : આંગ્લ નાટ્યકાર. શાળાકીય શિક્ષણ નૉઝલી તથા રેનફર્ડ, લૅન્કેશાયરમાં. વિશેષ શિક્ષણ લૅન્કેશાયરમાં 1969-70. સેંટ કૅથરિન્સ કૉલેજ ઑવ્ હાયર એજ્યુકેશન, લિવરપૂલમાં, 1970-73. બેર બ્રાન્ડ વેરહાઉસમાં મજૂર તરીકે કામગીરી (1968-69). શિક્ષક શૉરફીલ્ડ્ઝ કૉમ્પ્રિહેન્સિવમાં 1973-74. સ્વતંત્ર લેખક તરીકે કારકિર્દીનો આરંભ 1974થી. સહાયક દિગ્દર્શક (1981-83) અને 1983થી માનાર્હ દિગ્દર્શક, લિવરપૂલ પ્લેહાઉસ. નિવાસી લેખક, સી. એફ. મૉટ કૉલેજ ઑવ્ એજ્યુકેશન, લિવરપૂલ, 1976. સર્જનાત્મક લેખનના ફેલો, માન્ચેસ્ટર પૉલિટેક્નિક, 1977-79. લોકગીતોના સંગીત-નિયોજક અને ગાયક, આર્ટ્સ કાઉન્સિલ બર્સરી, 1974.
તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : આર્ટ્સ કાઉન્સિલ બર્સરી (1974); ‘ઈવનિંગ સ્ટાન્ડર્ડ’ ઍવૉર્ડ (1974); લંડન થિયેટર ક્રિટિક્સ ઍવૉર્ડ (1974); સોસાયટી ઑવ્ વેસ્ટ ઍન્ડ થિયેટર ઍવૉર્ડ (1980, 1983, 1988); ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ (1984); આઇવર નૉવેલો ઍવૉર્ડ (1985).
‘બ્રીઝ બ્લૉક પાર્ક’, ‘સ્ટૅગ્ઝ ઍન્ડ હેન્સ’, ‘એજ્યુકેટિંગ રીટા’ તથા ‘શર્લી વૅલેન્ટાઇન’ એ તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. તેમણે કાવ્યો, પટકથાઓ, રેડિયો-નાટક તથા વિવેચનનાં પુસ્તક પણ આપ્યાં છે.
મહેશ ચોકસી