રસાયણ-ગ્રહણ (chemo-reception) : રાસાયણિક પર્યાવરણમાં થતા ફેરફારને લઈને પ્રાણીઓના શરીરમાં ઉદભવતી અનુક્રિયા (response). પ્રજીવ (protozoa) જેવાં સાવ નીચલી કક્ષાનાં પ્રાણીઓ માત્ર રસાયણોના સંપર્કથી ચેતતાં હોય છે. બધાં પ્રાણીઓના પોષણમાં રાસાયણિક સંવેદો અગત્યનો ભાગ ભજવે છે. દરિયાઈ તેમજ મીઠાં જળાશયીન અપૃષ્ઠવંશી પ્રાણીઓના પર્યાવરણમાં અત્યંત અલ્પપ્રમાણમાં ભક્ષ્યની પેશી હોય તોપણ તે પ્રત્યે પ્રાણી સંવેદનશીલ હોય છે. ઉચ્ચ કક્ષાનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જાતજાતનાં રસાયણ-સંવેદનશીલ અંગો હોય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં બાહ્ય-રાસાયણિક પર્યાવરણ પ્રતિ સંવેદનશીલ એવાં અંગોમાં ગંધગ્રાહી (olfactory receptors) અને સ્વાદગ્રાહી (taste receptors) – એમ બે પ્રકારનાં સંવેદનાંગો હોય છે. તદુપરાંત સસ્તનોમાં શરીરના અંદરના ભાગમાં અંત:સ્થ રાસાયણિક સમતુલા જાળવવા વિશિષ્ટ સંવેદનાંગો હોય છે; દાખલા તરીકે, મગજની મજ્જા(medulla)માં આવેલ શ્વસન-કેંદ્રો, રુધિરમાં આવેલ કાર્બન ડાયૉક્સાઇડ પ્રતિ સંવેદનશીલ હોય છે અને શ્ર્વાસમાં તેમજ રુધિરમાં આવેલ પ્રાણવાયુના પ્રમાણનું નિયમન કરે છે.
કીટકો : કીટકોના સ્પર્શકો (antennae) પર આવેલા સંવેદન-તંતુઓ(sensory hair)માં ગંધગ્રાહી સંવેદનાંગો આવેલાં હોય છે. આ તંતુઓમાં ઘણા ખાડાઓ હોય છે. આ ખાડાઓમાં ગંધગ્રાહી સંવેદન-કોષો આવેલા હોય છે. મોટાભાગના આ સંવેદન-કોષો ખોરાકને પારખવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક સંવેદન-કોષો સાથી(mate)ને પારખવામાં મદદરૂપ નીવડે છે; દાખલા તરીકે, કેટલીક જાતનાં ફૂદાંની માદાઓએ સ્રાવ કરેલા સંમોહકો(pheromones)થી સંવેદનાંગો ઉત્તેજાતાં અનેક કિલોમીટરને અંતરે આવેલા નર ફૂદાંઓ આકર્ષાય છે. અન્ય પ્રાણીઓ સાથે પરસ્પરોપજીવન (symbiosis) પસાર કરતાં હોય તેવાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલાં વિશિષ્ટ સંવેદનાંગો સહજીવકો પ્રત્યે સંવેદનશીલ હોય છે.
પૃષ્ઠવંશી પ્રાણીઓનાં ગંધગ્રાહી અંગો : તે પ્રાણીઓના શ્વસન-પથ (respiratory passage) સાથે સંકળાયેલાં હોય છે. સસ્તનોમાં તે નાસિકા-ગુહાના અધિચ્છદ પેશીના વિશિષ્ટ પ્રદેશમાં આવેલાં હોય છે. પ્રત્યેક ગંધગ્રાહી-ગ્રાહક કોષ દ્વિધ્રુવીય (bipolar) ચેતાકોષોનો બનેલો હોય છે. આ કોષોની બાહ્ય-સપાટીએ સંવેદી કેશ (sensory hair) આવેલા હોય છે. તેના પર જળસનો પાતળો સ્તર છવાયેલો હોય છે. શ્વસન દરમિયાન ગંધ-રસાયણો જળસ દ્વારા સંવેદી કોષોના સંપર્કમાં આવતાં તે ઉત્તેજાય છે. તેના પરિણામે ઉદભવેલા આવેગોને ઘ્રાણ-ચેતા (olfactory nerve) મગજના ઘ્રાણકંદ (olfactory bulb) સુધી પહોંચાડે છે. ગંધને સાત પ્રકારમાં વહેંચી શકાય : ઈથરી (ethereal), કર્પૂરી (camphoraceous), પુષ્પી (floral), કસ્તૂરી (musky), પીપરમિંટી (minty), તીખી (pungent) અને કોહવાટી (putrid).
સ્વાદગ્રહણ (gustation) : પૃષ્ઠવંશી પ્રાણીઓનાં સ્વાદગ્રાહી અંગોને સ્વાદકલિકા (taste buds) કહે છે. આ કલિકાઓ મુખગુહાની સપાટીએ અને/અથવા જીભ પર પ્રસરેલી હોય છે. સસ્તનોમાં તે જીભ પર આવેલી હોય છે. તે અંકુરો (papillae) નામે ઓળખાતા ઉન્નત સમૂહોમાં ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક સ્વાદકલિકાનો વ્યાસ આશરે 70 મિમી. હોય છે અને પ્રત્યેકમાં 30થી 40 જેટલા સ્વાદકોષો આવેલા હોય છે. આ કોષોની બાહ્ય-સપાટીએથી સૂક્ષ્માંકુરો (micro-villi) નીકળે છે અને તે સ્વાદકલિકાનાં સ્વાદ-છિદ્રોમાં ખૂલે છે. સ્વાદ-કોષો અલ્પજીવી હોય છે અને આશરે 10 દિવસ સુધી જીવે છે અને નવા કોષો તેમનું પ્રતિસ્થાપન કરતા હોય છે. માનવીમાં ખારું (salty), ખાટું (sour), કડવું (bitter) અને ગળ્યું (sweet) – આમ ચાર પ્રકારના સ્વાદ હોય છે. પ્રત્યેક સ્વાદકોષ સામાન્યપણે એક અથવા વધારે સ્વાદ-ગુણતત્ત્વ પારખવાની ક્ષમતા ધરાવે છે. તદુપરાંત તે સ્પર્શ (touch), તાપમાન (temperature) અને વેદના(pain)ના સંપર્ક-ઉદ્દીપન સાથે ખોરાકની સમગ્ર ગુણવત્તાનું નિશ્ચયન કરી શકે છે. મુખ્યત્વે ગળપણના સંવેદન સાથે સંકળાયેલી સ્વાદકલિકાઓ જીભની ટોચે આવેલી છે, જ્યારે કડવા સ્વાદ સાથે સંકળાયેલી કલિકાઓ જીભના પાછલા ભાગમાં છે. કેટલાંક પ્રાણીઓમાં આવેલા સ્વાદકોષો પ્રાણી પ્રતિ સંવેદનશીલ હોય છે. સસ્તનોમાં જીભના આગલા ભાગમાં આવેલી સ્વાદકલિકાઓનું ચેતાકરણ કર્ણપટલ રજ્જુસ્વાદ (chorda tympani taste) ચેતા કરે છે; જ્યારે જિહ્વા-ગ્રસની (glosso-pharyngeal) ચેતા પાછલા ભાગમાં આવેલી સ્વાદકલિકાઓનું ચેતાકરણ કરે છે.
મ. શિ. દૂબળે