રસાયણ અનુચલન (chemo-taxis) : વિશિષ્ટ પ્રકારના પદાર્થોની રાસાયણિક ઉત્તેજના હેઠળ જીવાણુઓ કે રક્તકણોની ગતિ અથવા અનુચલન (taxis). આમ કેટલાક જીવાણુઓની ગતિ જ્યાં પેપ્ટોન અને લૅક્ટોઝ જેવા ખાદ્ય પદાર્થોની સાંદ્રતા વધુ હોય તેવા તેમને ગમતા (આકર્ષક) પદાર્થ તરફની હોય છે. આને વિધેયાત્મક (હકારાત્મક) રાસાયણિક અનુચલન (positive chemo-taxis) કહે છે. જો કોઈ ભાગમાં તેમને અણગમતા એવા વિષાળુ (toxic) પદાર્થ હોય તો જીવાણુઓ પદાર્થથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આને નિષેધાત્મક (નકારાત્મક) (negative) રાસાયણિક અનુચલન કહે છે. તે જ પ્રમાણે માનવ-રુધિરમાં આવેલ શ્વેતકણો શરીરમાં પરોપજીવી જીવાણુઓ તેમજ સોજાવાળા ભાગ (sites of inflammation) તરફ જાય છે, કારણ કે બંને આકર્ષક રસાયણો મુક્ત કરે છે અને તેથી શ્વેતકણોની જ્યાં જરૂર હોય ત્યાં તે પહોંચે છે.
કેટલાક સજીવો કોઈ એક માધ્યમમાં અમુક પદાર્થો અલ્પ પ્રમાણમાં હાજર હોવા છતાં તેમના તરફ આકર્ષાઈને ગતિ કરતા હોય છે, તો કેટલાક વળી માધ્યમમાં આવા આકર્ષક પદાર્થો વિપુલ પ્રમાણમાં હાજર હોય તો જ તેમના તરફ જતા હોય છે. કેટલાંક માધ્યમમાં આકર્ષક અને અપાકર્ષક બંને પ્રકારના પદાર્થો પણ હોઈ શકે છે. આવા સંજોગોમાં જેમનું સંકેન્દ્રણ વધુ હોય તેમના પ્રભાવ હેઠળ સજીવો તે પદાર્થ પરત્વે વિધેયાત્મક કે નિષેધાત્મક અનુચલન કરતા હોય છે.
જીવાણુઓના કોષોમાં નત્રલ પદાર્થનાં બનેલાં રસાયણક્ષમ (hemo-receptor) કેન્દ્રો હોય છે. આ કેન્દ્રોનો પ્રભાવ હકારાત્મક અનુચલન તરીકે હોય અથવા તો નકારાત્મક અનુચલન પ્રકારનો પણ હોઈ શકે છે. આ કેન્દ્રો સામાન્યપણે કોષદીવાલ અને કોષાવરણ વચ્ચે આવેલાં હોય છે. તેમનો અભ્યાસ ગતિદર્શક (tracking) સૂક્ષ્મદર્શકો વડે કરવામાં આવે છે.
E. coli જીવાણુઓમાં કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં રસાયણક્ષમ કેન્દ્રો જોવા મળે છે. તેઓ માધ્યમમાં આવેલ સેરાઇન અને એસ્પાર્ટિક ઍસિડ, એમિનોઍસિડથી આકર્ષાય છે; જ્યારે અન્ય કેટલાક મૉલ્ટોઝ, રાઇબોસ, ગ્લૅક્ટોઝ તેમજ ડાયપેપ્ટાઇડો સાથે સંયોજન કરવાની ક્ષમતા ધરાવે છે.
હોસંગ ફરામરોજ મોગલ