રશિયા (રશિયન સમવાયતંત્ર)

January, 2003

રશિયા (રશિયન સમવાયતંત્ર)

વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 42°થી 82° ઉ. અ. અને 20°થી 170° પૂ. રે. વચ્ચેનો 1,70,75,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7,700 કિમી. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ 2,000થી 2,960 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક મહાસાગર, નૈર્ઋત્યે કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર તથા વાયવ્યમાં બાલ્ટિક સમુદ્ર જેવા જળવિસ્તારો આવેલા છે. વાયવ્યમાં ફેનોસ્કૅન્ડિયા; પશ્ચિમે યુક્રેન; નૈર્ઋત્યે આઝરબૈજાન, જ્યૉર્જિયા, બેલારુસ, લાટવિયા અને એસ્ટોનિયા; દક્ષિણે ચીન, મૉંગોલિયા અને કઝાખિસ્તાન; તથા અગ્નિ ખૂણે ઉત્તર કોરિયા જેવા ભૂમિપ્રદેશો આવેલા છે.

ભૂપૃષ્ઠ : રશિયાને ભૂસ્તરીય રચનાત્મક લક્ષણો અને પ્રાકૃતિક સ્થળદૃશ્યની દૃષ્ટિએ પૂર્વ રશિયા અને પશ્ચિમ રશિયા જેવા બે વિશાળ વિભાગોમાં વહેંચેલું છે, યેનેસી નદીના પ્રવહનમાર્ગને આ બે વિભાગોની સીમા તરીકે સ્વીકારવામાં આવેલો છે. પૂર્વ રશિયા 60 % અને પશ્ચિમ રશિયા 40 % વિસ્તાર આવરી લે છે. પશ્ચિમ વિભાગમાં નીચાં મેદાનો, નીચી ટેકરીઓ અને ઉચ્ચપ્રદેશો આવેલાં છે; જ્યારે પૂર્વ ભાગમાં મોટેભાગે પર્વતો અને કોઈક જગાએ નીચાં મેદાનો જોવા મળે છે.

ભૌગોલિક દૃષ્ટિએ રશિયાને છ વિભાગોમાં વહેંચેલું છે : (i) કોલા-કારેલિયન પ્રદેશ, (ii) રશિયાનાં મેદાનો, (iii) યુરલ પર્વતમાળા, (iv) પશ્ચિમ સાઇબીરિયાનું મેદાન, (v) મધ્ય સાઇબીરિયાનું મેદાન અને (vi) દક્ષિણ અને પૂર્વના પર્વતો.

(i) કોલા-કારેલિયન પ્રદેશ : વિસ્તારની દૃષ્ટિએ આ વિભાગ સૌથી નાનો છે. યુરોપીય રશિયાની વાયવ્યે તે ફિનલૅન્ડની સીમા અને શ્ર્વેત સમુદ્ર વચ્ચે આવેલો છે. કારેલિયા આ વિભાગનો ઓછી ઊંચાઈ ધરાવતો (મહત્તમ ઊંચાઈ 578 મી.) ઉચ્ચપ્રદેશીય વિસ્તાર છે. તેનો મોટાભાગનો વિસ્તાર 215 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાં કોઈ કોઈ જગાએ સરોવરો અને કાદવ-કીચડના ભાગો પણ આવેલા છે. કોલા દ્વીપકલ્પ પણ આ જ પ્રકારની પ્રાકૃતિક રચના ધરાવે છે. ખિબિની (Khibiny) પર્વતોની હારમાળામાં 1,302 મીટરની ઊંચાઈ ધરાવતું શિખર આવેલું છે. તળેટીના વિસ્તારો પ્રાચીન ખડકોથી બનેલા છે. તે ખનિજોથી ખૂબ જ સમૃદ્ધ છે.

(ii) રશિયાનાં મેદાનો : પશ્ચિમ રશિયામાં આવેલો દુનિયાનાં સૌથી નીચાં મેદાનો ધરાવતા પ્રદેશો પૈકીનો આ એક છે. આ મેદાનોની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 2,400 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 1,600 કિમી. છે. આ વિશાળ વિસ્તારનો અડધો ભાગ સમુદ્રસપાટીથી 214 મીટરની ઊંચાઈએ આવેલો છે. અહીંનું સર્વોચ્ચ શિખર વાલ્દાઈ 375 મીટર ઊંચું છે. મૉસ્કોની ઉત્તરે હિમનદીજન્ય મેદાનો છે, જ્યારે દક્ષિણ તરફ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલાં મેદાનો અને ઉચ્ચપ્રદેશો આવેલાં છે. પશ્ચિમે આવેલાં મધ્યનાં મેદાનોની ઊંચાઈ 320 મીટર જેટલી છે. મૉસ્કોની પૂર્વમાં આવેલા ઉચ્ચપ્રદેશમાં ઓક-દૉન અને વૉલ્ગા નદીનાં મૂળ આવેલાં છે. વૉલ્ગા નદીનાં વિપુલ પાણીનો પુરવઠો કાસ્પિયન સમુદ્રને મળે છે. અહીં આવેલાં મેદાનો સમુદ્રસપાટીથી પણ 30 મીટર નીચે આવેલાં છે. રશિયાનાં મેદાનો દક્ષિણ કૉકેસસની ગિરિમાળા સુધી પથરાયેલાં છે. આ ગિરિમાળા રશિયા અને જ્યૉર્જિયા તેમજ આઝરબૈજાનની સીમા બનાવે છે. 5,642 મીટરની ઊંચાઈ ધરાવતું રશિયાનું ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ ઍલ્બુર્ઝ આ હારમાળામાં આવેલું છે. કૉકેસસ ગિરિમાળાની ઉત્તરે કુબાન અને કુમાનાં વિશાળ મેદાનો આવેલાં છે.

(iii) યુરલ પર્વતમાળા : આ પર્વતમાળા ઉત્તરે આર્ક્ટિક મહાસાગરથી દક્ષિણે કઝાખની સીમા સુધી વિસ્તરેલી છે. તેની લંબાઈ 2,100 કિમી. જેટલી છે. આર્ક્ટિક મહાસાગરથી પણ વધુ ઉત્તરે નોવાયાઝેમલ્યા સુધી તે લંબાયેલી હોવાનું મનાય છે. આમ તેની લંબાઈમાં 1,000 કિમી.નો ઉમેરો થાય છે. આર્ક્ટિક મહાસાગરમાં નોવાયાઝેમલ્યા સૌથી મોટો ટાપુ ગણાય છે. આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર ‘માઉન્ટ નારોદનાયા’ (2,072 મીટર) છે. આ પર્વતમાળાના મધ્યભાગમાં પર્મ અને યેકાતેરિન્બર્ગ વચ્ચે અનેક નીચા ઘાટ આવેલા છે; તેને કારણે યુરોપ અને સાઇબીરિયા વચ્ચે પરિવહનનો વિકાસ શક્ય બન્યો છે.

(iv) પશ્ચિમ સાઇબીરિયાનું મેદાન : રશિયાનો આ વિભાગ સૌથી મોટો ગણાય છે. એક જ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવતો દુનિયાનો આ એકમાત્ર વિસ્તાર છે. તેનો વિસ્તાર આશરે 25 લાખ 60 હજાર ચોકિમી. જેટલો (રશિયાના કુલ વિસ્તારનો 1/7 જેટલો ભાગ) છે. યુરલથી પૂર્વે યેનેસી નદી સુધી તેની પહોળાઈ આશરે 2,000 કિમી., જ્યારે ઉત્તર આર્ક્ટિક મહાસાગરથી દક્ષિણે અલ્તાઈ પર્વતીય હારમાળા સુધી તેની લંબાઈ 2,400 કિમી. જેટલી છે. આ પર્વતમાળાના સૌથી ઊંચા શિખરની ઊંચાઈ 217 મીટર છે. મેદાનનો અડધા ઉપરાંત વિસ્તાર સમુદ્રની સપાટીથી 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. પૂરનિર્મિત આ મેદાનો દુનિયાના વિશાળ પંકપ્રદેશો તરીકે જાણીતાં છે. 55° ઉ. અ.ની દક્ષિણે સૂકા અને ઊંચાણવાળા વિસ્તારોમાં વસ્તી કેન્દ્રિત થયેલી છે.

(v) મધ્ય સાઇબીરિયન ઉચ્ચપ્રદેશ : આ ઉચ્ચપ્રદેશીય વિસ્તાર યેનેસી અને લીના નદી વચ્ચે આવેલો છે. તેની ઊંચાઈ 300થી 700 મીટર જેટલી છે. તેની ઉત્તરે આશરે 1,860 મીટર ઊંચાઈવાળી પ્યુટોરન પર્વતમાળા આવેલી છે. વધુ ઉત્તરે તૈમિરની ભૂશિર અને અગ્નિકોણમાં સાયન પર્વતોની હારમાળા છે.

(vi) દક્ષિણ અને પૂર્વના પર્વતો : દક્ષિણ અને પૂર્વમાં આવેલા પર્વતો રશિયાના કુલ વિસ્તારનો 25 % ભાગ આવરી લે છે. તે જુદી જુદી ભૂસ્તરીય ઉત્પત્તિવાળા છે. વળી ઊંચાઈ ધરાવતા હોવાથી રશિયાને સીમાવર્તી રક્ષણ પૂરું પાડે છે.

બૈકલ સરોવરની પશ્ચિમે આવેલા ભાગમાં પર્વતીય હારમાળા ઘણી સાંકડી છે. અલ્તાઈ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર (4,928 મીટર) રશિયાની સીમામાં છે. તે રશિયા કઝાખિસ્તાન-મૉંગોલિયાની સીમા પર છે. આ પર્વતમાળાની પૂર્વે V આકારે ફેલાતી શાખાઓ પૂર્વીય સાયન પર્વતમાળા અને પશ્ચિમી સાયન પર્વતમાળા તરીકે ઓળખાય છે. તેમાં સૌથી ઊંચા ભાગો 3,410 મીટર અને 3,330 મીટર જેટલા છે. તેની સાથે ટુવા-થાળું, કુઝનેટસ્ક-થાળું અને મિનુસિન્ક્સ-થાળું આવેલાં છે.

બૈકલ સરોવર અને તેની આજુબાજુનો વિસ્તાર ખંડ-સ્તરભંગ(block fault)ની અસરવાળો છે. સરોવર-તળ આશરે 1,300 મીટરની ઊંડાઈ ધરાવે છે, જે દુનિયાભરમાં સૌથી વધુ ઊંડાઈ ધરાવતું સરોવરતળિયું છે. આ સરોવરની પશ્ચિમે આવેલી હારમાળા 2,800 મીટરની ઊંચાઈવાળી છે. સરોવરની પૂર્વે આવેલી હારમાળા લીના નદી અને પૅસિફિક મહાસાગર વચ્ચે પથરાયેલી છે. સ્ટૅનોવૉય પર્વતમાળા પૂર્વ-પશ્ચિમ ફેલાયેલી છે. તેની લંબાઈ 640 કિમી. જેટલી છે, જે લીના અને આમુર નદીઓ વચ્ચે જળવિભાજક બની રહે છે, પરિણામે લીના ઉત્તર તરફ વહીને આર્ક્ટિક મહાસાગરને, જ્યારે આમુર પૂર્વ તરફ આવેલા ઓખોટસ્ક સમુદ્રને મળે છે. સ્ટૅનોવૉય પર્વતમાળાની ઉત્તરે ઈશાની સાઇબીરિયન પર્વતમાળા અને દક્ષિણે અગ્નિખૂણે સાઇબીરિયન પર્વતમાળા આવેલી છે. રશિયાના પૂર્વ કિનારા નજીકની ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ઝૂગ્ઝૂર પર્વતમાળા (2,084 મીટર) વધુ ઉત્તરે ચૂકચીની ભૂશિર સુધી જાય છે. ત્યાં તે કોલાય પર્વતીય હારમાળા તરીકે ઓળખાય છે. લીના નદીની પૂર્વે તેના વહનમાર્ગને સમાંતર વર્ખોયાન્સ્ક પર્વતીય હારમાળા આવેલી છે; તેની ઊંચાઈ 2,613 મીટર જેટલી છે. આ હારમાળાની પૂર્વે ઉત્તર-દક્ષિણ ફેલાયેલી આશરે 3,442 મીટર ઊંચાઈ ધરાવતી ચેર્સ્કી પર્વતમાળા આવેલી છે.

ઓખોટસ્ક સમુદ્ર અને બેરિંગ સમુદ્રને જુદી પાડતી એક ગેડપર્વતીય હારમાળા કામચાટકા-ક્યુરાઇલ ગિરિમાળા તરીકે ઓળખાય છે. કામચાટકાની ભૂશિરમાં ઘણા સક્રિય જ્વાળામુખી છે, તેમાં સૌથી વધુ (5,195 મીટર) ઊંચાઈ ધરાવતો જ્વાળામુખી ક્લેઉચેફ્સ્કાયા (Klyuchevskaya) છે. બીજા પણ સાત જ્વાળામુખી છે, જેમની ઊંચાઈ 3,333 મીટરથી ઓછી છે. આ જ્વાળામુખીઓનો સમાવેશ પૅસિફિક કિનારાના સક્રિય જ્વાળામુખીઓમાં થાય છે. ક્યુરિલ ગિરિમાળા દક્ષિણે જાપાન સુધી વિસ્તરેલી છે.

સાઇબીરિયાના અગ્નિકોણ ખૂણે ઊંચી પર્વતીય હારમાળાઓ અને નીચાં મેદાનો આવેલાં છે. આ પૈકી સૌથી વધુ મહત્વની પર્વતમાળા બદઝાલ્સ્કી (Badzhalsky) છે, તેની વધુમાં વધુ ઊંચાઈ 2,887 મીટર છે. સાઇબીરિયાનો મુખ્ય વિસ્તાર તાતારની સામુદ્રધુનીથી જુદો પડે છે. આ વિસ્તાર માત્ર 7 કિમી.ની પહોળાઈ ધરાવે છે. તે સખાલીન ટાપુઓના નામથી ઓળખાય છે.

રશિયા

લાલ ચૉક(મૉસ્કો)માં ક્રેમલિન અને અન્ય ઐતિહાસિક સ્મારકો

જળપરિવાહ : નદીઓ : રશિયાના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતોમાંથી નીકળીને દક્ષિણથી ઉત્તર તરફ એકબીજીને લગભગ સમાંતર વહેતી ઓબ (5,380 કિમી.), યેનેસી (4,064 કિમી.) અને લીના (4,374 કિમી.) નદીઓ આર્ક્ટિક મહાસાગરને મળે છે. આ નદીઓ દર સેકંડે 49,554 ઘનમીટર જેટલો જળજથ્થો ઠાલવે છે. આ નદીઓને ઈશાનની ઇન્ડિગિર્કા અને કોલીમા તથા ઉત્તર યુરોપીય રશિયાની ડ્વિના અને પેચોરા નદીઓનો પુરવઠો પણ પ્રાપ્ત થાય છે. નીપર અને ડૉન નદી કાળા સમુદ્રમાં ઠલવાય છે. રશિયાના અગ્નિભાગમાં આવેલી નદીઓનો વહનમાર્ગ વિશિષ્ટ પ્રકારનો છે. અનાદિર અને યાબ્લોનોવી નદીઓનાં મૂળ નજીકના નિઝિન્સ્કીચ્રેબેટ (Pnzinkijchrebet) પર્વતીય વિસ્તારોમાં રહેલાં છે. તે પૂર્વ તરફ વહીને પૅસિફિક મહાસાગરમાં મળે છે. આ વિસ્તારની મુખ્ય નદી આમુર છે. તે પર્વતોને વીંધીને ચીન હસ્તકના મંચુરિયામાં પ્રવેશે છે. ચીનની સીમા સુધીનો તેનો વહનમાર્ગ 2,208 કિમી. જેટલો છે.

યુરોપીય રશિયાની મુખ્ય નદી વૉલ્ગા છે. તેનું મૂળ મૉસ્કોથી વાયવ્યમાં વાલ્દાઈની ટેકરીઓમાં રહેલું છે. તે યુરોપમાં સૌથી લાંબો વહનમાર્ગ (3,531 કિમી.) ધરાવે છે. તેનો સ્રાવ વિસ્તાર 13,64,480 ચોકિમી. જેટલો છે. તે કાસ્પિયન સમુદ્રને મળે છે. આ સમુદ્રની ફરતે રશિયા, કઝાખિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન અને આઝરબૈજાનની સીમાઓ આવેલી હોવાથી તેના પાણીના ઉપયોગ માટે યોજના ઘડાઈ છે. રશિયાના ભૂમિવિસ્તારમાં લાંબા વહનમાર્ગો ધરાવતી નદીઓનાં જળ આર્ક્ટિક મહાસાગર, પૅસિફિક મહાસાગર, બાલ્ટિક સમુદ્ર, કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્રમાં ઠલવાય છે. રશિયાની બધી નદીઓનું સ્રાવક્ષેત્ર આશરે 80,00,000 ચોકિમી. જેટલું છે. આ પૈકીની કેટલીક નદીઓ અંતરિયાળ ભાગોમાં જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાય છે; પરંતુ શિયાળા પૂરતી તે બિનઉપયોગી બની રહે છે. જ્યાં જ્યાં શક્ય છે ત્યાં નદીઓમાંથી નહેરો કાઢીને જળમાર્ગો પણ તૈયાર કરાયા છે. રશિયાના કુલ જળમાર્ગની 2/3 ભાગની અવરજવર વૉલ્ગાની શાખાઓમાં જોવા મળે છે.

સરોવરો : યુરોપીય રશિયામાં લાડોગા (17,476 ચોકિમી.) અને ઑનેગા (9,607 ચોકિમી.) નામનાં બે વિશાળ સરોવરો આવેલાં છે. એસ્ટોનિયાની સીમા પર પાઇપસ (3,407 ચોકિમી.) અને મૉસ્કોની ઉત્તરે વૉલ્ગા નદી પર રીબિન્સ્ક જળાશય નિર્માણ કરાયાં છે. ડૉન, વૉલ્ગા અને કામા બંધની પાછળ 160થી 320 કિમી. લાંબાં જળાશયો આવેલાં છે. સાઇબીરિયામાં પણ યેનેસી અને શાખાનદીઓ ઉપર માનવસર્જિત જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રૅટ્સ્ક જળાશય (544 કિમી. લાંબું) દુનિયાનું સૌથી મોટું માનવસર્જિત જળાશય ગણાય છે. દક્ષિણ સાઇબીરિયામાં આવેલું બૈકલ સરોવર દુનિયાનું સૌથી મોટું સ્વચ્છ જળનું સરોવર છે. તેનું ક્ષેત્રફળ આશરે 30,336 ચોકિમી. જેટલું છે. તેની મહત્તમ ઊંડાઈ 1,674 મીટર જેટલી છે. આ ઉપરાંત 1,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતાં સરોવરોમાં બેલોય, ટૉપ, વિગ અને ઇલ્મેનનો સમાવેશ થાય છે સાઇબીરિયાની નૈર્ઋત્યમાં યુરોપીય રશિયામાં આવેલું મહત્વનું ગણાતું ચાની સરોવર આશરે 2,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે.

કડકડતા શિયાળામાં રશિયાના ઉત્તરના હિમાચ્છાદિત પ્રદેશોમાં માલવહન માટે થતો શ્વાનનો ઉપયોગ

આબોહવા : રશિયા વિશાળ વિસ્તારમાં પથરાયેલું હોવાથી સ્થાનભેદે જુદી જુદી આબોહવા પ્રવર્તે છે. તે ઉત્તર સમશીતોષ્ણ અને શીત કટિબંધ વિસ્તારમાં આવેલું હોવાથી શિયાળા લાંબા હોય છે. ઠંડી વધુ રહે છે. ફક્ત સમુદ્રકિનારાઓ પર આવેલા પ્રદેશોમાં શિયાળા નરમ રહે છે. સમગ્ર દેશનું જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 0° સે. રહે છે; પરંતુ ઉત્તર અને પૂર્વ તરફ તે 0° સે. કરતાં પણ નીચું જાય છે. યુરોપીય રશિયામાં તાપમાન – 10°થી 20° સે. અને પશ્ચિમ સાઇબીરિયામાં તે 15°થી 30° સે. જેટલું નીચું અનુભવાય છે; જ્યારે પૂર્વ અને મધ્ય સાઇબીરિયામાં તાપમાન 25°થી 50° સે. જેટલું નીચું ચાલ્યું જાય છે. પૅસિફિક કિનારે સરેરાશ તાપમાન – 10° સે. જેટલું રહે છે.

શિયાળા અને ઉનાળાના વચ્ચેના ગાળાના તાપમાનનું અહીં કોઈ વિશેષ મહત્વ નથી, કારણ કે તે દરમિયાન સૂર્યનાં કિરણોની શક્તિનો ઉપયોગ બરફ પિગાળવામાં અને બાષ્પીભવનમાં થઈ જતો હોય છે.

ઉનાળાનું સરેરાશ તાપમાન પ્રમાણમાં ઊંચું રહે છે. સાઇબીરિયાની દક્ષિણે આવેલાં મેદાનોમાં 20° સે., નીચલી વૉલ્ગાના વિસ્તારમાં 25° સે. અને ઉત્તર ધ્રુવવૃત્તીય વિસ્તારમાં 4° સેથી. 20° સે. જેટલું તાપમાન રહે છે. આનાથી વધુ નીચું તાપમાન, ઉત્તર પૅસિફિક અને આર્ક્ટિકના કિનારે તેમજ ત્યાં આવેલા ટાપુઓ પર તથા પશ્ચિમ વિસ્તારોમાં અનુભવાય છે. અહીં (ટાપુઓમાં) જુલાઈ માસમાં ભાગ્યે જ તાપમાન 0° સે. કરતાં ઊંચું અનુભવાય છે. પૂર્વ સાઇબીરિયામાં વર્ખોયાન્સ્ક અને ચેર્સ્કી પર્વત-વિસ્તારોની વચ્ચે આવેલા પ્રદેશો ‘ઠંડા ધ્રુવ’ (Cold Pole) તરીકે ઓળખાય છે. અહીં ઓમાયાકૉન (વર્ખોયાન્સ્ક્ના અગ્નિકોણમાં) ખાતે ઊંચામાં ઊંચું તાપમાન જુલાઈમાં 38° સે., જ્યારે નીચામાં નીચું વિક્રમજનક તાપમાન જાન્યુઆરીમાં – 71° સે. જેટલું નોંધાયેલું છે.

ઉનાળામાં લગભગ બધે જ બાષ્પીભવનની ક્રિયા ચાલુ હોય છે અને બધે જ વરસાદનો અનુભવ થાય છે. શિયાળાની ઋતુ દરમિયાન યુરેશિયાના ભૂમિવિસ્તારમાં પ્રતિચક્રવાતનું મહત્વ અને અસર વધુ રહે છે. પૅસિફિક-કિનારે ચોમાસા જેવો અનુભવ વધારે થાય છે. ઍટલાન્ટિક પરથી આવતા પવનો છેક યુરલ પર્વતો સુધી પહોંચે છે. શિયાળામાં અહીં હિમપાત પણ થાય છે. રશિયાના મોટાભાગના પ્રદેશોમાં દર વર્ષે 350થી 700 મિમી. જેટલો વરસાદ પડે છે. સરેરાશ તાપમાન સમગ્ર પ્રદેશમાં નીચું રહેતું હોવાથી વાતાવરણમાં પૂરતો ભેજ જળવાય છે.

વનસ્પતિજીવન પ્રાણીજીવન : રશિયામાં આબોહવાની વિવિધતા રહેતી હોવાથી વનસ્પતિ પણ વિવિધ પ્રકારની જોવા મળે છે. ટુન્ડ્ર પ્રદેશથી દક્ષિણે આર્ક્ટિક વૃત્ત સુધીના વિસ્તારમાં લીલ, શેવાળ, આર્ક્ટિક, બર્ચ અને વિલો તથા ટાપુઓ પર કોઈ કોઈ જગાએ ટૂંકું ઘાસ ઊગી નીકળે છે. આર્ક્ટિકની દક્ષિણે તૈમિર દ્વીપકલ્પ પર વિશાળ વિસ્તારમાં બર્ચ, ઓલ્ડર, વિલો જેવાં શંકુદ્રુમ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. યુરલની પશ્ચિમે 55°થી 56° અને 60°થી 68° ઉ. અક્ષાંશ વચ્ચે આ શંકુદ્રુમ વનસ્પતિ થાય છે. આ જ રીતે પશ્ચિમ સાઇબીરિયાના 50°થી 60° ઉ. અક્ષાંશવાળા નીચા પ્રદેશોમાં ઍશ, મેપલ, બર્ચ, ઇલ્મ, પાઇન જેવી વનસ્પતિ થાય છે. સમગ્ર રશિયામાં મિશ્ર જંગલો અને પાનખર વનસ્પતિ જોવા મળે છે.

આ પ્રદેશોમાં ઉંદર, છછુંદર, સસલાં, સફેદ શિયાળ, કસ્તૂરીધારક બળદ, રેન્ડિયર તથા સમુદ્રકિનારાના પ્રદેશોમાં વૈવિધ્યવાળી જીવસૃષ્ટિ જોવા મળે છે. મધ્ય અક્ષાંશવૃત્તોનાં કાયમી લીલાં જંગલોમાં અને પાનખર જંગલોમાં વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે.

જમીન : રશિયાને છ મુખ્ય પર્યાવરણીય પટ્ટાઓમાં વહેંચેલું છે : આર્ક્ટિક રણ, ટુન્ડ્ર, શંકુદ્રુમ, મિશ્ર અને પાનખર જંગલ, સ્ટેપ પ્રદેશ અને વૃક્ષોવાળો સ્ટેપ પ્રદેશ. આર્ક્ટિક રણપ્રદેશમાં ફ્રાન્ઝ જોસેફ પ્રદેશ, નોવાયાઝેમલ્યા, સેવરનાયાઝેમલ્યા દ્વીપસમૂહ અને ન્યૂ સાઇબીરિયન ટાપુઓનો સમાવેશ થાય છે. અહીં ટાપુઓ બરફ-આચ્છાદિત રહે છે અને ત્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ જોવા મળતી નથી.

રશિયાના કુલ વિસ્તારનો 10 % ભાગ વૃક્ષવિહીન અને પંકભૂમિવાળો ટુન્ડ્ર પ્રકારનો છે. આ પ્રદેશની પહોળાઈ 480 કિમી. જેટલી છે. જમીનો એસિડિક છે, ફળદ્રૂપ નથી. ભૂમિ આખું વર્ષ બરફાચ્છાદિત રહે છે.

ટુન્ડ્રની દક્ષિણે 56°થી 58° ઉ. અ.નો પ્રદેશ ટૈગા પ્રદેશની સીમા બને છે. અહીંની આબોહવા અતિ વિષમ નથી. જમીન પોડઝોલ પ્રકારની છે અને એસિડિક છે. ધોવાણને કારણે લોહ અને ચૂનાનાં દ્રવ્યો ઉપલા પડમાંથી નાશ પામે છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી અહીં ખેતીની પ્રવૃત્તિ વિકસાવાઈ છે.

મિશ્ર અને પાનખર જંગલોની ભૂમિ પોડઝોલ પ્રકારની છે. તે રાખોડી અને કથ્થાઈ રંગની છે. તેમાં સેન્દ્રિય તત્વો રહેલાં હોવાથી પ્રમાણમાં ફળદ્રૂપ છે. સ્ટેપ પ્રદેશમાંની જમીન ચેર્નોઝમ (કાળી) પ્રકારની છે. તે એસિડિક ન હોવાથી ફળદ્રૂપ ગણાય છે. પરિણામે આ જમીન ધાન્યનો ભંડાર મનાય છે.

અર્થતંત્ર : રશિયાનો લગભગ 10 % વિસ્તાર ખેત-પ્રવૃત્તિ હેઠળ આવેલો છે. વીસમી સદીના અગ્નિ સાઇબીરિયાના ‘અક્ષત ભૂમિ’ વિસ્તારમાં છેલ્લા દશકાથી કૃષિકાર્ય થાય છે. અહીંની અનિશ્ચિત વાતાવરણીય પરિસ્થિતિને કારણે ખેતીના પાકોને નુકસાન થાય છે. ખેતી દ્વારા ઉત્પન્ન થતા પાકનો વહીવટ સોવચોઝ અને કોલચોઝ સરકારી એકમો દ્વારા થાય છે. યંત્રો અને ખાતરો પણ આ એકમો પૂરાં પાડે છે.

રશિયાની ખેતીમાં અનાજનો ફાળો મહત્વનો રહ્યો છે. શિયાળામાં સિસ-કૉકેસિયા જેવા હૂંફાળા પ્રદેશમાં, વસંત ઋતુમાં ડૉનના મેદાની પ્રદેશોમાં, મધ્ય વૉલ્ગાના મેદાની પ્રદેશોમાં તથા સાઇબીરિયાના એક સમયના અક્ષત ભૂમિના પ્રદેશોમાં ઘઉંનો મબલક પાક લેવાય છે. આ કુંવારી ભૂમિનો પ્રદેશ આજે રશિયાના ‘ઘઉંના ભંડાર’ તરીકે ઓળખાય છે. અહીં ઢોર માટે મકાઈની ખેતી પણ થાય છે. પર્વતીય તેમજ 65° ઉ. અક્ષાંશવૃત્ત સુધીના વિસ્તારોમાં જવની ખેતી થાય છે. આ ઉપરાંત ઓટ અને રાઈનું પણ ઉત્પાદન લેવાય છે. 50°થી 60° ઉ. અ.ના વિસ્તારોમાં બટાટા તથા 53° ઉ. અ.ની આજુબાજુ શુગરબીટની ખેતી થાય છે. ઉત્તર કૉકેસસ અને દૂર પૂર્વના ભાગોમાં અનુક્રમે સૂર્યમુખી તથા સૉયાબીનની ખેતી થાય છે. આ બંને રશિયાનાં મુખ્ય તેલીબિયાં ગણાય છે. 55°થી 60° ઉ. અક્ષાંશવૃત્તના બિનફળદ્રૂપ વિસ્તારમાં ફ્લેક્સનું ઉત્પાદન લેવાય છે. દુનિયાનું ફ્લેક્સનું 50 % ઉત્પાદન રશિયામાંથી થાય છે. ફ્લેક્સમાંથી પણ તેલ મેળવાય છે. ફળો અને શાકભાજીનું પણ મોટા પાયે ઉત્પાદન લેવાય છે. 1991માં રશિયાનું વિભાજન થવાથી કપાસના ઉત્પાદન પર માઠી અસર પહોંચી છે. અહીંનાં વિશાળ ખેતરોનું સંચાલન કોલચોઝ નામની સરકારી સંસ્થા કરે છે.

જંગલો : રશિયાનો લગભગ 50 % વિસ્તાર જંગલોથી આચ્છાદિત છે. દુનિયાના કુલ જંગલવિસ્તારનો 20 % ભાગ રશિયામાં છે. આ જંગલોમાં મોટેભાગે શંકુઆકારનાં વૃક્ષો જોવા મળે છે. આ વિસ્તાર સાઇબીરિયામાં આવેલો છે.

મત્સ્યપ્રવૃત્તિ : રશિયાના અર્થતંત્રમાં મત્સ્યપ્રવૃત્તિનો ફાળો વિશેષ ઉલ્લેખનીય છે. ઍટલાન્ટિક અને પૅસિફિક કિનારાના વિસ્તારો મત્સ્યકેન્દ્રો તરીકે વિકસાવાયા છે. બાલ્ટિક સમુદ્રકિનારે આવેલાં કાલિનીનગ્રાડ અને સેંટ પીટર્સબર્ગ, આર્ક્ટિક સમુદ્રકિનારે આવેલાં મર્માન્સ્ક અને અર્ખાનગેલ્સ્ક તથા પૅસિફિક કિનારે આવેલા વ્લાદિવૉસ્તોકને મુખ્ય બંદર તરીકે વિકસાવાયાં છે. સખાલીન અને કામચાટકાના કિનારે અનેક બંદરો આવેલાં છે.

ખનિજસંપત્તિ : રશિયા વિપુલ પ્રમાણમાં વિવિધ ખનિજો અને સંચાલનશક્તિનાં સાધનો ધરાવે છે. અર્વાચીન ઉદ્યોગો માટે લગભગ બધો જરૂરી કાચો માલ દેશમાંથી જ મળે છે. યુ. એસ. એસ. આર.માંથી છૂટા પડેલા બધા દેશો પૈકી રશિયા પાસે કોલસાનો વિશાળ જથ્થો છે. પૂર્વ સાઇબીરિયા અને સુદૂર સાઇબીરિયામાં આવેલા ટુંગુસ્કા અને લીનાના મેદાની પ્રદેશોમાં કોલસાના અનામત જથ્થા રહેલા છે. રશિયાના કુલ ઉત્પાદનનો 75 % કોલસો આ ક્ષેત્રોમાંથી મેળવાય છે. યુરોપીય રશિયામાં આવેલ ડૉનેટ્સ, પેચોરા અને મૉસ્કોના મેદાની વિસ્તારમાંથી હાર્ડ કોલ મેળવાય છે. યુરલનાં ક્ષેત્રો લિગ્નાઇટ માટે જાણીતાં છે.

ફળોની કૃષિમાં પ્રવૃત્ત રશિયાની મહિલા

દુનિયાભરમાં થતા ખનિજતેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં રશિયાનું સ્થાન મહત્વનું છે. તેનાં મુખ્ય ક્ષેત્રોમાં પશ્ચિમ સાઇબીરિયા અને વૉલ્ગા-યુરલ વિભાગનો સમાવેશ થાય છે. દેશમાંથી મેળવાતાં  કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં થાય છે. બાકીની વીજળીની માંગને પૂરી કરવા જળવિદ્યુત અને અણુમથકો ઊભાં કરાયાં છે. જળવિદ્યુત માટેનાં મુખ્ય કેન્દ્રો વૉલ્ગા, કામા, ઓબ, યેનેસી, અંગારા અને ઝેવા નદી પર આવેલાં છે. અણુશક્તિ માટેનું મુખ્ય મથક ચેર્નોબિલ ખાતે આવેલું છે.

રશિયાનાં લોહઅયસ્કનાં મુખ્ય ક્ષેત્રો કોલાભૂશિર, યુરલ અને સાઇબીરિયામાં આવેલાં છે. બિનલોહધાતુઓમાં કોબાલ્ટ, ક્રોમિયમ, તાંબું, સોનું, સીસું, મૅંગેનીઝ, નિકલ, પ્લૅટિનમ, બૉક્સાઇટ, ટંગસ્ટન, વેનેડિયમ અને જસતનો સમાવેશ થાય છે.

ઉદ્યોગો : પરિવહનનાં સાધનોને લગતા એકમો મૉસ્કો, નિઝની નોવગોરોડ અને મિયાસ ખાતે આવેલા છે. સૌથી મોટો એકમ ટોલપાટ્ટી ખાતે આવેલો છે. રસાયણ એકમોમાં વિવિધ રસાયણો બનાવાય છે. તેમાં મીઠું, કોલસો તથા લાકડાંનો વધુ ઉપયોગ થાય છે. આ સિવાય કાપડ, પગરખાં, તેમજ ગૃહવપરાશની ચીજવસ્તુઓ, યંત્રો, વીજાણુ-સાધનો બનાવવાના એકમો પણ આવેલા છે.

વેપાર : રશિયા કપાસ, ખાદ્યસામગ્રી, અનાજ અને અમુક ખનિજોની આયાત કરે છે; જ્યારે ખનિજતેલ, ગૃહવપરાશની સામગ્રી અને ઇજનેરી સાધનોની નિકાસ કરે છે. મોટેભાગે તેનો વેપાર યુરોપિયન દેશો, ભારત, પાકિસ્તાન, જાપાન અને અમેરિકા સાથે ચાલતો રહ્યો છે.

પરિવહન : રશિયા વિશાળ વિસ્તાર ધરાવતો દેશ હોવાથી ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ તથા તૈયાર માલની હેરફેર પરિવહનનાં સાધનો પર આધારિત રહે છે. રશિયાના રેલમાર્ગોમાં ટ્રાન્સસાઇબીરિયન રેલમાર્ગ અને બૈકલ-આમુર રેલમાર્ગ મુખ્ય છે. આ બે મુખ્ય માર્ગોને સાંકળતા બીજા ઘણા રેલમાર્ગો પણ તૈયાર કરાયા છે. રેલમાર્ગો મારફતે વધુમાં વધુ માલની હેરફેર કરવામાં રશિયા દુનિયામાં પ્રથમ ક્રમે આવે છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારો ધોરી માર્ગો અને પાકા માર્ગો દ્વારા જોડાયેલા છે. દેશમાં આંતરિક જળમાર્ગોનો ઉપયોગ પણ વધુ થાય છે, આ માટે વૉલ્ગા અને તેની શાખાનદીઓનો લાભ લેવાય છે. રશિયાને આર્ક્ટિક અને પૅસિફિક મહાસાગરનો લાભ મળેલો છે; પરંતુ આર્ક્ટિક મહાસાગર શિયાળામાં ઠરી જતો હોવાથી, તેટલા ગાળા પૂરતી જહાજી અવરજવર સ્થગિત કરવામાં આવે છે. દેશમાં 20 % મુસાફરો હવાઈ માર્ગોનો ઉપયોગ કરે છે. અહીંની એરોફ્લોટ હવાઈ સેવા દુનિયાની મોટી હવાઈ સેવા તરીકે જાણીતી છે. દર વર્ષે આઠ કરોડ લોકો આ હવાઈ સેવાનો લાભ લે છે.

વસ્તી : 1995ના અંદાજ મુજબ રશિયાની વસ્તી 14.7 કરોડ જેટલી છે. વસ્તીની ગીચતાનો દર ચોકિમી. દીઠ 13 વ્યક્તિનો છે. શહેરી વસ્તીનું પ્રમાણ 76 % છે, બાળમૃત્યુ-દર 13 % છે. જુદી જુદી જાતિઓમાં રશિયન, સ્લાવ, તાતાર, યુક્રેનિયન, બાશકીર, બેલારશિયન, ચુવાસ અને ચેચેનનો સમાવેશ થાય છે. લોકો મોટે-ભાગે ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદી ધર્મ પાળે છે. સ્ત્રી-પુરુષનો આયુદર અનુક્રમે 74 અને 50 વર્ષનો છે. અહીંની 99 % વસ્તી શિક્ષિત છે. દેશની મુખ્ય ભાષા રશિયન છે.

ઇતિહાસ : આશરે ઈ. પૂ. 1200ની શરૂઆતમાં હાલના દક્ષિણ યુક્રેનમાં, કાળા સમુદ્રની ઉત્તરે સિમેરિયન નામથી ઓળખાતા બાલ્કન લોકો રહેતા હતા. મધ્ય એશિયામાંના ઈરાની લોકોમાંના સિથિયનોએ ઈ. પૂ. 700ના અરસામાં તેમને હરાવ્યા હતા. આશરે ઈ. પૂ. 200 સુધી સિથિયનોએ તે પ્રદેશ તેમના અંકુશમાં રાખ્યો. ઈરાની જૂથના સેમેરિટનોનાં આક્રમણો પછી તેઓ ગ્રીક સંસ્થાનોના સંપર્કમાં અને તે પછી રોમનોના અંકુશ હેઠળ રહ્યા. તે દરમિયાન તેમણે ગ્રીક તથા રોમન રીતરિવાજો અપનાવ્યા. આશરે ઈ. સ. 200માં પશ્ચિમના જર્મન જાતિમાંના ગૉથ લોકોએ આ પ્રદેશ જીતી લીધો. તેમને એશિયાના લડાયક હૂણ લોકોએ આશરે 370માં હરાવ્યા ત્યાં સુધી તે પ્રદેશમાં તેમણે શાસન કર્યું. ઈ. સ. 453માં તેમના સરદાર અત્તિલા(Attila)ના અવસાન બાદ હૂણોનું સામ્રાજ્ય તૂટ્યું.

ઈ. સ. 800ના અરસામાં સ્લાવ લોકોએ રશિયાના યુરોપ તરફના પ્રદેશમાં નગરો બાંધ્યાં. તેઓ ક્યાંથી આવ્યા તે જાણવા મળતું નથી. કેટલાક ઇતિહાસકારોના મતાનુસાર તેઓ ઈ. સ. 400ના અરસામાં હાલના પોલૅન્ડમાંથી આવ્યા હતા. બીજા ઇતિહાસકારોના અભિપ્રાય મુજબ સિથિયનોના શાસન હેઠળ તેઓ કાળા સમુદ્રના પ્રદેશમાં ખેડૂતો હતા. નોવગોરોદનાં ઝઘડતાં સ્લાવ જૂથોએ વાઇકિંગ જાતિને તે પ્રદેશમાં શાસન કરી વ્યવસ્થા સ્થાપવા જણાવ્યું. આ વાઇકિંગ જાતિ વેરેંગિયન રૂસ કહેવાતી હોવાથી તેમનો દેશ રશિયા કહેવાયો. ઈ. સ. 800માં પૂર્વના સ્લાવ લોકોએ સ્થાપેલું પ્રથમ રાજ્ય કીવ રૂસ કહેવાયું હતું. બાલ્ટિક સમુદ્ર અને કાળા સમુદ્ર અને બાયઝેન્ટાઇન સામ્રાજ્યને જોડતા વેપારના મુખ્ય માર્ગમાં કીવ આવેલું હતું. આશરે 988માં ગ્રાન્ડ પ્રિન્સ વ્લાદિમિર પ્રથમ ખ્રિસ્તી બન્યો. તેણે ખ્રિસ્તી ધર્મને રાજ્યધર્મ બનાવ્યો. તેના રાજ્યના મોટાભાગના લોકો ખ્રિસ્તી બની ગયા. ઈ.સ. અગિયારમી સદીની મધ્યમાં કીવની સત્તા ઘટવા લાગી; પરંતુ અન્ય રશિયન રાજાઓની સત્તા વધી હતી. ઈ. સ.ની તેરમી સદીમાં મૉંગોલોએ રશિયાના ઘણા પ્રદેશો જીતી લીધા. ઈ. સ. 1237માં ચંગીઝખાનના પૌત્ર બાટુએ આશરે બે લાખ સૈનિકોના લશ્કર સહિત રશિયા પર ચડાઈ કરી. મૉંગોલોએ રશિયાનાં ઘણાં નગરોનો નાશ કર્યો. 1240માં તેમણે કીવનો નાશ કર્યો અને રશિયા મૉંગોલ સામ્રાજ્યનો પ્રદેશ બન્યું. બાટુએ ત્યાંના રાજાઓ પાસે આધિપત્ય સ્વીકારાવ્યું. અનેક રશિયનોને તેના લશ્કરમાં જોડાવાની ફરજ પાડી. મૉંગોલોને પોતાની સત્તા સ્થાપવામાં અને કરવેરા ઉઘરાવવામાં રસ હતો. પંદરમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમ યુરોપના દેશોમાં નૂતન વિચારસરણી અને નવજાગૃતિને કારણે નોંધપાત્ર પરિવર્તન થતું હતું; ત્યારે મૉંગોલ અંકુશ હેઠળનું રશિયા પશ્ચિમના દેશોના મહત્વના પ્રભાવથી અલિપ્ત રહી ગયું હતું.

ચૌદમી સદીથી મૉસ્કોનું મહત્વ વધતું ગયું; પરંતુ તેનો શાસક (ખાન) નબળો પડ્યો. ઈ. સ. 1380માં ગ્રાન્ડ પ્રિન્સ દમિત્રીએ દૉન નદી પાસે મૉંગોલ સેનાને હરાવી. તે પછી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં મૉસ્કો રશિયાનું સૌથી મહત્વનું શહેર બન્યું. ઈવાન ત્રીજાએ મૉંગોલોનો મૉસ્કો પરનો અંકુશ દૂર કર્યો અને તેમને કર ભરવાનો ઇન્કાર કર્યો. તે પછી મૉસ્કોનો શાસક ઝાર તરીકે ઓળખાતો. ઈ. સ. 1547માં ઈવાન ચોથો (‘ધ ટેરિબલ’) પ્રથમ ઝાર બન્યો. તેણે ઝારની સત્તા સંપૂર્ણ રશિયા ઉપર ફેલાવી. ઈવાન ચોથો અસંસ્કૃત, ખૂબ વહેમી અને પ્રસંગોપાત્ત અસ્થિર મગજનો હતો. તેણે ખાસ પોલીસ-દળની રચના કરીને લોકો ઉપર જુલમ ગુજાર્યો. તેણે અનેક લોકોની ધરપકડ કરી, ખૂન કરાવ્યાં, ઘણાં ગામો તથા નગરો બાળી નંખાવ્યાં અને તેનો વિરોધ કરનાર પાદરીઓને મારી નંખાવ્યા. તેણે એક વાર અતિ ક્રોધમાં તેના જ્યેષ્ઠ પુત્રને મારી નંખાવ્યો. આ દરમિયાન ખેતીમાં દાસપ્રથા (serfdom) શરૂ થઈ. તેના સમયમાં તાતાર લોકો સામે લડીને અગ્નિ (દક્ષિણ-પૂર્વ) ખૂણે આવેલા આસ્ત્રાખાન અને કઝાન તથા યુરલ પર્વત ઓળંગીને પશ્ચિમ સાઇબીરિયા જીતી લેવામાં આવ્યાં. તેણે મૉસ્કોને રશિયાનું પાટનગર બનાવ્યું અને રશિયાનો પ્રદેશ વિસ્તાર્યો. ઈવાનના અવસાન (1584) પછી થોડાં વર્ષ એટલે કે 1613 સુધી આંતરવિગ્રહ, પોલૅન્ડનું આક્રમણ અને અરાજકતા વ્યાપેલાં રહ્યાં. એ દરમિયાન ખેડૂતોના બળવા થયા. ઈ. સ. 1612માં પૉલિશ આક્રમકોને મૉસ્કોમાંથી રશિયનોએ હાંકી કાઢ્યા બાદ, ગાદીએ બેસનાર રાજવંશની કોઈ વ્યક્તિ ન હતી. તેથી ત્યાંની લોકસમિતિ-(ઝેમસ્કીસોબોર zemskiisobor)એ 1613માં માઇકલ રોમેનોવને ઝાર ચૂંટ્યો. તે પછી આ વંશના ઝાર શાસકોએ 1917 સુધી એટલે કે ત્રણ સૈકા પર્યંત રશિયા પર શાસન કર્યું. સત્તરમી સદીમાં રશિયાએ યુક્રેનના પ્રદેશો ખાલસા કર્યા અને સાઇબીરિયા ઉપરનો તેનો અંકુશ પૂર્વમાં પૅસિફિક મહાસાગર સુધી વિસ્તાર્યો.

ઈ. સ. 1682માં પીટર પહેલો અને ઈવાન પાંચમો – એમ બંને સાવકા ભાઈઓને ઝારપદ આપવામાં આવ્યું. તેઓ બંને સગીર હોવાથી ઈવાનની બહેન સોફિયાએ 1689 સુધી વાલી તરીકે વહીવટ કર્યો. ઈવાનનું મૃત્યુ થવાથી 1696માં પીટર ઝાર બન્યો. પીટરના શાસન દરમિયાન બાલ્ટિક સમુદ્ર પર્યંત રશિયાની સરહદ વિસ્તારવામાં આવી. પીટરે બાલ્ટિકના કાંઠે સેન્ટ પીટર્સબર્ગનગર વસાવ્યું અને 1712માં તેને પાટનગર બનાવ્યું. તેણે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો અને કારખાનાં અને શાળાઓ શરૂ કર્યાં તથા પાશ્ર્ચાત્ય ઢબનો પહેરવેશ દાખલ કર્યો. તેણે દેશના ઉમરાવો, પાદરીઓ તથા ખેડૂતો ઉપર ઝારનો પ્રભાવ વધાર્યો. તે ‘પીટર ધ ગ્રેટ’ તરીકે જાણીતો થયો અને 1725માં અવસાન પામ્યો.

ત્યારબાદ ગાદી મેળવવા વાસ્તે અનેક સંઘર્ષો થયા. અધિકારી અને ઉમરાવો સામસામે હતા અને તેઓ પોતાના ઉમેદવારને ઝાર બનાવવા પ્રયાસો કરતા. સમ્રાજ્ઞી કૅથરિન બીજી(1762-1796)ના શાસનકાળ દરમિયાન સ્વતંત્રતા તથા સામાજિક સુધારા વિશેના પાશ્ર્ચાત્ય વિચારોનો પ્રચાર થયો; પરંતુ રશિયાની મોટાભાગની પ્રજા અભણ અને ગરીબ હતી. 1773 અને 1774માં ખેડૂતોનો અસંતોષ ખૂબ વધવાથી તેમણે કૉઝૅક જાતિના ઇમેલિયન પુગાએવના નેતૃત્વ હેઠળ બળવો કર્યો. બળવો યુરલ પર્વતથી વૉલ્ગા નદી સુધીના વિસ્તારોમાં પ્રસર્યો. આખરે તેને કચડી નાખવામાં આવ્યો અને 1775માં કૅથરિને ખેતદાસો ઉપર જમીનદારોનો અંકુશ વધુ મજબૂત કર્યો. કૅથરિનના શાસનકાળમાં ઑસ્ટ્રિયા, પ્રશિયા તથા રશિયાએ પોલૅન્ડનું વિભાજન કરીને વહેંચી લીધું. પોલૅન્ડ પાસેથી રશિયાને યુક્રેન, બેલો રશિયા (Byelo Russia) અને લિથુઆનિયા મળ્યાં. ઑટોમન સામ્રાજ્ય (હાલનું તુર્કી) સામેનાં યુદ્ધો દ્વારા રશિયાને ક્રિમિયા અને તુર્કીના અન્ય પ્રદેશો મળ્યા. કૅથરિનના અવસાન (1796) પછી તેના પુત્ર પૉલે 1801 સુધી રાજ્ય કર્યું. પૉલના પુત્ર ઍલેક્ઝાન્ડર પહેલાએ (1801-1825) ઝાર બન્યા પછી, ખેતદાસોને મુક્ત કરવા, બધા યુવકો માટે શાળાઓ સ્થાપવા અને રાજ્યને પ્રજાસત્તાક બનાવી ગાદીત્યાગ કરવાના વિચારો વ્યક્ત કર્યા. તેણે અનેક રાજકીય કેદીઓને મુક્ત કર્યા અને પાશ્ર્ચાત્ય રીતભાત તથા વિચારો ફેલાવીને કેટલાક સુધારા કર્યા; પરંતુ ઝારની આપખુદ સત્તા ઘટાડવા અથવા દાસપ્રથા દૂર કરવા કંઈ કર્યું નહિ. જૂન 1812માં નેપોલિયનની પ્રચંડ સેનાએ રશિયા પર આક્રમણ કર્યું; પરંતુ રશિયાની ધ્રુજાવી નાખે તેવી ઠંડી ડિસેમ્બરમાં શરૂ થાય, તે પહેલાં નેપોલિયને પીછેહઠ કરવી પડી. પીછેહઠ કરતા ફ્રેન્ચ લશ્કર પર હુમલા કરીને રશિયનોએ લાખો ફ્રેન્ચ સૈનિકોને મારી નાખ્યા.

1815માં મળેલી વિયેના કૉંગ્રેસમાં ઍલેક્ઝાંડરે જાતે હાજર રહીને અગત્યનો ભાગ ભજવ્યો. 1816 પછી કેટલાક યુવકો ક્રાંતિકારી બન્યા. તેમણે ગુપ્ત સંસ્થાઓ સ્થાપી. વિશાળ વાચન કરનાર, તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવનાર તથા અસરકારક દલીલો કરનાર પેસ્ટેલ તેજસ્વી યુવકોનો માર્ગદર્શક બન્યો અને સુધારા નહિ, પરંતુ ક્રાંતિનો પ્રચાર કર્યો. ઍલેક્ઝાંડરના નવેમ્બર 1825માં અવસાન પછી, નિકોલસ પહેલો (1825-55) ઝાર બન્યો. તે દિવસે ડિસેમ્બર 1825માં સેંટ પીટર્સબર્ગમાં ત્રણ હજાર સૈનિકોએ બળવો કર્યો. તે ડિસેમ્બ્રિસ્ટ બળવો કહેવાય છે, જે નિષ્ફળ ગયો. રશિયામાં ઝારશાહી વિરુદ્ધ, રાજકીય વિચારોથી વ્યાપેલો, ગુપ્ત ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા પ્રેરિત આ પ્રથમ બળવો થયો હતો. આ બળવાનો ઝાર નિકોલસ પર ઊંડો પ્રભાવ પડ્યો. તેણે ઉમરાવોને સરકારી હોદ્દા પરથી દૂર કરીને લશ્કરના માણસો નીમ્યા. તેણે શિક્ષણ તથા અખબારો પર કડક નિયંત્રણો લાદ્યાં. તેણે રાજકીય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યા. તેણે ખાનગી પોલીસતંત્ર શરૂ કરીને રશિયાના લોકો ઉપર પોતાનો અંકુશ વધાર્યો; તેમ છતાં તેના રાજ્ય-અમલ દરમિયાન રશિયન સાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ સાધવામાં આવી. નિકોલાઈ ગોગૉલ, મિખાઇલ લર્મોન્તોવ, ઍલેક્ઝાંડર પુશ્કિન વગેરે લેખકોએ તેમની શ્રેષ્ઠ રચનાઓ લખી. ફિયૉદોર દોસ્તોયેવ્સ્કી, લિયો ટોલ્સ્ટોય અને ઈવાન તુર્ગનેવે તેમની કારકિર્દી આરંભી. અનેક શિક્ષિત રશિયનો તેમની જૂની પદ્ધતિના જીવન સામે આધુનિક પાશ્ર્ચાત્ય જીવનપદ્ધતિનાં મૂલ્યોની ચર્ચા કરવા લાગ્યા. પોલૅન્ડ અને હંગેરીમાં થયેલ ક્રાંતિઓને દાબી દેવા ઝારે લશ્કર મોકલ્યું. નિકોલસે પોતાને પૂર્વના રૂઢિચુસ્ત ચર્ચનો રક્ષક જાહેર કર્યો. 1828 અને 1829માં તુર્કી સામે થયેલા યુદ્ધના પરિણામે રશિયાને કાળા સમુદ્રની આસપાસના પ્રદેશો મળ્યા. 1854માં રશિયા અને તુર્કીના ઑટોમન સામ્રાજ્ય વચ્ચે ક્રિમિયાનું યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. 1856માં પૅરિસની સંધિ કરવામાં આવી. રશિયાએ અગાઉ તુર્કી પાસેથી જીતી લીધેલા પ્રદેશો આપી દેવા પડ્યા.

ઝાર નિકોલસ પહેલો ક્રિમિયાના યુદ્ધ દરમિયાન 1855માં અવસાન પામ્યો અને તેનો પુત્ર ઍલેક્ઝાંડર બીજો (185581) ઝાર બન્યો. તેણે માર્ચ 1861માં એક જાહેરનામું પ્રગટ કરીને ખેતદાસોને મુક્ત કર્યા. તેમને મર્યાદિત જમીન ફાળવવામાં આવી. તેણે રેલવેનો વિકાસ કર્યો અને બૅંકિંગ પદ્ધતિ વ્યવસ્થિત કરી. તેણે શિક્ષણમાં સુધારા કર્યા, વર્તમાનપત્રો પરનાં નિયંત્રણો ઘટાડ્યાં અને અદાલતોમાં સુધારા કર્યા. નગરો તથા ગામોમાં તેણે સ્થાનિક સ્વરાજનો અમલ કર્યો. સાઠીના દાયકાનાં શરૂઆતનાં વરસોમાં વિવિધ પ્રદેશોમાં ખેડૂતોએ બળવા કર્યા અને ઝારના સૈનિકો સાથે સંઘર્ષો થયા. છૂટાછવાયા સ્વયંભૂ બળવા સફળ ન થયા, પરંતુ લોકશાહી-ક્રાંતિકારી બુદ્ધિમાનો પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો. પ્રગતિશીલ બુદ્ધિશાળીઓએ ગુપ્ત રાજદ્વારી વર્તુળો સ્થાપ્યાં અને ગેરકાયદેસરનું સાહિત્ય વહેંચ્યું. ચર્નિશેવસ્કી, હર્ઝેન તથા ઓગારિયેવે ‘લૅન્ડ ઍન્ડ ફ્રીડમ’ નામની ગુપ્ત ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. આ દરમિયાન રશિયામાં નૂતન મૂડીવાદી યુગનો ઉદય થયો; ભારે ઉદ્યોગોનાં કારખાનાં શરૂ થયાં અને નવાં ઔદ્યોગિક કેન્દ્રો વિકાસ પામ્યાં. જૂન 1879માં કેટલાક ક્રાંતિકારીઓએ ‘નારોદયા વોલ્યા’ (લોકોની ઇચ્છા) પક્ષની સ્થાપના કરી. તેનો હેતુ રાજકીય ક્રાંતિ કરવાનો હતો. માર્ચ 1881માં સેંટ પીટર્સબર્ગમાં ઝાર ઍલેક્ઝાંડર બીજા પર બૉમ્બ નાખવામાં આવ્યો અને તે મરણ પામ્યો. તેના પછી તેનો પુત્ર ઝાર ઍલેકઝાંડર ત્રીજો (188194) ગાદીએ બેઠો. તેણે ક્રાંતિ દબાવી દેવાની તથા આપખુદી જાળવી રાખવાની જાહેરાત કરી. તેના અમલ દરમિયાન યુનિવર્સિટીઓની સ્વાયત્તતા દૂર કરવામાં આવી. અખબારો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં તથા યહૂદીઓ પ્રત્યે સૌથી વધારે નિર્દયતા દાખવવામાં આવી.

ઍલેક્ઝાંડર ત્રીજાનું 1894માં અવસાન થતાં તેનો પાટવી કુંવર નિકોલસ બીજો (18941917) રશિયાનો છેલ્લો ઝાર બન્યો. રશિયામાં 1890 પછીના દાયકામાં કેટલાંક વરસ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ભૂખે મરવા લાગ્યા. ઉદ્યોગો વધવાથી શહેરોમાં કારખાનાંઓમાં નોકરીઓ મળી. પરંતુ મકાનોની તંગી, ગીચ અને ગંદા વિસ્તારો તથા ઓછા પગારોને કારણે કામદારોની સ્થિતિ શહેરોમાં કફોડી બની. તેથી અસંતુષ્ટ રશિયનોએ રાજકીય સંગઠનો સ્થાપ્યાં. તેમાંનાં ત્રણ વધુ મહત્વનાં હતાં : (1) ઉદાર બંધારણવાદીઓ (Liberal Constitutionalists) ઝારની સત્તા દૂર કરીને પશ્ચિમના દેશો જેવી સંસદીય સરકાર સ્થાપવા માગતા હતા. (2) સામાજિક ક્રાંતિકારીઓ ખેડૂતોની ક્રાંતિ કરવા માગતા હતા અને (3) માર્કસવાદીઓ કામદારોની ક્રાંતિ કરવા ઇચ્છતા હતા. તેઓ જર્મન ચિંતક કાર્લ માર્કસના સમાજવાદી વિચારોને અનુસરતા હતા. તેમણે 1898માં રશિયન સોશિયલ ડેમોક્રૅટિક લેબર પાર્ટી (R.S.D.L.P.) સ્થાપી. 1903માં તે બૉલ્શેવિક (બહુમતી) અને મેન્શેવિક (લઘુમતી) – એવાં બે જૂથોમાં વિભાજિત થઈ. લેનિન બૉલ્શેવિક પક્ષના અને જુલિયસ માતોર્વ મેન્શેવિક પક્ષના નેતા હતા. વીસમી સદીના પ્રથમ દાયકામાં રશિયામાં વિદ્યાર્થીઓનો વિરોધ, ખેડૂતોના બળવા અને કામદારોની હડતાલો ખૂબ વધ્યાં. 1904માં રશિયા-જાપાન યુદ્ધ થયું. 1905માં એશિયાના નાના દેશ જાપાને યુરોપના ઘણા મોટા દેશ રશિયાને ભૂમિ અને સમુદ્ર પરની લડાઈઓમાં સખત પરાજય આપ્યો; તેથી રશિયાની પ્રતિષ્ઠાને ભારે ફટકો પડ્યો અને રશિયાના ક્રાંતિકારીઓને પ્રોત્સાહન મળ્યું.

22 જાન્યુઆરી 1905ના દિવસે સેંટ પીટર્સબર્ગમાં હડતાલ પર ઊતરેલા હજારો કામદારો ઝારના વિન્ટર પૅલેસ તરફ કૂચ કરી ગયા. તેમને ઝારમાં અપાર વિશ્વાસ હતો. ‘પ્રભુ, અમારા કુળવાન ઝારને સલામત રાખજે’ એવું ગીત તેઓ ગાતા હતા. ઝારની જાણ બહાર અને ઇચ્છા વિરુદ્ધ અમલદારો જુલમ કરે છે એમ તેઓ માનતા હતા. સૈનિકોએ તેમના ઉપર એકાએક ગોળીબારો કરીને સેંકડો કામદારોને મારી નાખ્યા. આ ‘લોહિયાળ રવિવાર’(Bloody Sunday)થી ક્રાંતિ શરૂ થઈ અને સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ. શહેરોમાં હડતાલો પડી. ક્રાંતિમાં કિસાનો પણ જોડાયા. ઝારે દૂમા (ધારાસભા) આપવાની ખાતરી આપી. ક્રાંતિકારીઓએ સેંટ પીટર્સબર્ગમાં કામદારોની સોવિયેતની રચના કરી. ઑક્ટોબર 1905ની દેશવ્યાપી સામાન્ય હડતાલમાં 20 લાખથી વધારે લોકો જોડાયા. નવેમ્બર 1905માં સૈનિકો અને નાવિકોએ બળવો કર્યો. ડિસેમ્બરમાં મૉસ્કોનો બળવો નિષ્ફળ ગયો અને ક્રાંતિને કચડી નાખવામાં આવી. માર્ચ 1906 અને ફેબ્રુઆરી 1907માં ચૂંટણી દ્વારા રચાયેલી દૂમાઓ (ધારાસભાઓ) ઝારે બરખાસ્ત કરી દીધી. તે પછી ઝારે ચૂંટણીના નિયમો બદલીને ઉપલા વર્ગની સભ્યસંખ્યા વધારી તથા કિસાનો અને કામદારોના સભ્યોની સંખ્યા ઘટાડી. તેથી ત્રીજી દૂમા (1907-12) અને ચોથી દૂમા (1912-1917) તેની મુદત પૂરી કરી શકી.

આ દરમિયાન 1914માં યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. એક બાજુ ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન અને રશિયા તથા તેની સામે જર્મની, ઇટાલી, ઑસ્ટ્રિયા-હંગેરી હતાં. વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાનું અર્થતંત્ર યુદ્ધ લડતા સૈનિકોની તથા દેશમાંના લોકોની જરૂરિયાતો પૂરી પાડી શક્યું નહિ. રેલવે લશ્કરની આવશ્યકતાઓ પહોંચાડતી, પરંતુ શહેરોમાં લોકોની જરૂરિયાતો લઈ જઈ શકી નહિ. લોકો ખોરાક, ઊર્જા અને મકાનોની તીવ્ર અછતનો ભોગ બન્યા. રણમેદાનમાં લડતા સૈનિકો વફાદાર હતા, પરંતુ તાલીમ વગરના અન્ય નવા સૈનિકો વફાદાર ન રહ્યા. 1916ના અંત સુધીમાં લગભગ બધા શિક્ષિત રશિયનો ઝારનો વિરોધ કરવા લાગ્યા. ઝારે ઘણા કાર્યદક્ષ ઉચ્ચ અધિકારીઓને બદલીને ત્યાં નબળા અને અપ્રિય માણસો નીમ્યા. ઝાર અને ઝરીનાનો વિશ્વાસુ સલાહકાર રાસ્પુતિન ચારિત્ર્યહીન અને વ્યભિચારી હતો. ફેબ્રુઆરી 1917માં લોકોએ બળવો કર્યો. પેત્રોગ્રાદ(સેંટ પીટર્સબર્ગનું બદલેલું નામ)માં હડતાલો પડી અને રોટી મેળવવા માટે હિંસક રમખાણો થયાં. શાંતિ જાળવવા બોલાવેલા લશ્કરના સૈનિકો ક્રાંતિકારો સાથે ભળી ગયા અને તેમના પર ગોળીબારો ન કર્યા. ઝારે દૂમાને બરખાસ્ત કરવાનો હુકમ કર્યો, પરંતુ તેના હુકમની અવગણના કરવામાં આવી. દૂમાએ કામચલાઉ સરકારની રચના કરી. પ્રિન્સ જ્યૉર્જ લ્વૉવ (Lvov) વડોપ્રધાન બન્યો. 15 માર્ચના રોજ ઝાર નિકોલસે ગાદીત્યાગ કર્યો. ઝાર સહિત તેના કુટુંબને કેદ કરવામાં આવ્યું. જુલાઈ 1918માં બૉલ્શેવિક ક્રાંતિકારોએ ઝાર અને તેના પરિવારનાં સભ્યોની હત્યા કરી.

પેત્રોગ્રાદ અને બીજાં શહેરોમાં સોવિયેતો(સમિતિઓ)ની રચના કરવામાં આવી. સોવિયેતો કામચલાઉ સરકારની હરીફ હતી અને તેને નબળી પાડી. આ દરમિયાન વિશ્વયુદ્ધમાં રશિયાને પરાજયો મળ્યા ત્યારે ઍલેક્ઝાંડર કેરેન્સ્કી વડોપ્રધાન બન્યો હતો. જનરલ કૉર્નિલૉવે બળવો કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. લેનિનની સૂચના અને ત્રૉત્સ્કીના આયોજન મુજબ 25 ઑક્ટોબર, 1917ના રોજ બૉલ્શેવિકોએ પેત્રોગ્રાદમાં બધી સરકારી કચેરીઓ તથા મથકોમાં સત્તા સંભાળી લીધી. કામચલાઉ સરકારના સભ્યોની ધરપકડ કરી. તે પછી મૉસ્કો અને બીજાં શહેરોમાં ક્રાંતિ કરીને બૉલ્શેવિકોએ લેનિનના નેતૃત્વ હેઠળ નવી સરકારની રચના કરી. રાજકુટુંબ, મઠો, દેવળો અને જમીનદારોની બધી જમીનો, ખેતીનાં સાધનો, ઢોર અને બધી મિલકતો ખેડૂતોને આપી દેવામાં આવ્યાં. ગુપ્ત રાજકીય પોલીસતંત્ર સ્થાપવામાં આવ્યું. ખાનગી માલિકી દૂર કરી બધાં કારખાનાં ઉપર કામદારોનો અંકુશ સ્થાપવામાં આવ્યો. દેશની બૅંકો, ખાણો, ઉદ્યોગો તથા વિદેશ- વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ રશિયા વિશ્વયુદ્ધમાંથી નીકળી ગયું અને માર્ચ 1918માં જર્મની સાથે બ્રેસ્ત-લિતોવસ્કની સંધિ કરી. તે મુજબ રશિયાએ ક્રાંતિને બચાવી લેવા વાસ્તે બાલ્ટિક રાજ્યો, ફિનલૅન્ડ, પોલૅન્ડ અને યુક્રેન સહિત વિશાળ પ્રદેશો જતા કર્યા. 1918માં સામ્યવાદીઓ પાટનગર મૉસ્કો લઈ ગયા અને પક્ષનું નામ રશિયન કૉમ્યુનિસ્ટ પાર્ટી રાખ્યું. તેમણે લાલ સેના (Red Army) તૈયાર કરી.

ઈ. સ. 1918થી 1921 સુધી રશિયામાં સામ્યવાદીઓ (Reds) અને તેમના વિરોધીઓ (Whites) વચ્ચે આંતરવિગ્રહ થયો. સામ્યવાદના વિરોધીઓને ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ વગેરે દેશોએ મદદ કરી. આખરે સામ્યવાદીઓ તેમાં વિજયી થયા. આંતરવિગ્રહ બાદ લાલ સેનાએ જ્યૉર્જિયા, યુક્રેન તથા પૂર્વ આર્મેનિયા પાછાં જીતી લીધાં અને બેલોરશિયા તથા મધ્ય એશિયામાં ચાલતી સ્વતંત્રતાની ચળવળો કચડી નાખી અને ત્યાં સામ્યવાદી સરકારો સ્થાપી. વિશ્વયુદ્ધ, ક્રાંતિ, આંતરવિગ્રહ વગેરેને કારણે ખેતી, ઉદ્યોગો તથા અન્ય ક્ષેત્રોનાં ઉત્પાદનોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આંતરવિગ્રહ દરમિયાન આશરે બે કરોડ રશિયનો રોગચાળો, લડાઈઓ તથા ભૂખમરાથી મરણ પામ્યા હતા. આવશ્યક વસ્તુઓની તંગીને કારણે લોકોમાં અસંતોષ ફેલાયો હતો અને તેથી હિંસક બળવા ફાટી નીકળ્યા. અનાજનાં ગોદામો લૂંટવામાં આવ્યાં, ક્રોન્સ્ટડ ટાપુમાં નાવિકોએ બળવો કર્યો. આ પરિસ્થિતિ સુધારવા માટે લેનિને 1921માં નૂતન આર્થિક નીતિ અમલમાં મૂકી. તે મુજબ અગાઉનાં સમાજવાદી પગલાંમાં પરિવર્તન કરીને નાના ઉદ્યોગો તથા છૂટક વેપારનું ખાનગીકરણ કરવામાં આવ્યું. ખેડૂતો પાસેથી ફરજિયાત અનાજ લેવાનું બંધ કરવામાં આવ્યું. વિદેશવ્યાપાર, વાહનવ્યવહાર, બૅંકો, ભારે ઉદ્યોગોનો અંકુશ સરકાર પાસે રહ્યો. આ પગલાંથી અર્થતંત્રમાં ધીમો સુધારો થયો. ડિસેમ્બર, 1922માં સામ્યવાદી સરકારે યુનિયન ઑવ્ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સની સ્થાપના કરી. 21 જાન્યુઆરી, 1924ના રોજ લેનિનનું અવસાન થયું. તેમના અનુયાયીઓમાં ત્રૉત્સ્કી, કામેનેવ અને ઝિનોવિવ વિશ્વક્રાંતિમાં માનતા હતા. સ્તાલિન અને તેમના અનુયાયીઓ શરૂમાં ‘એક જ દેશમાં સમાજવાદ’માં માનતા હતા. સ્તાલિન સામ્યવાદી પક્ષના મહામંત્રી હોવાથી પક્ષના હોદ્દેદારોની મોટી સંખ્યા તેમની તરફેણ કરતી હતી. સ્તાલિને એક પછી એક તેમના હરીફોને દૂર કર્યા અને પક્ષ તથા સરકારમાં તે સર્વેસર્વા બની ગયા. 1925માં ત્રૉત્સ્કીને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા, 1929માં તેમને દેશનિકાલ કરવામાં આવ્યા અને ઑગસ્ટ 1940માં મેક્સિકોમાં તેમનું ખૂન થયું.

સ્તાલિને 1928થી પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં મૂકીને ખેતી તથા ભારે ઉદ્યોગોમાં ઉત્પાદન વધાર્યું. 1932 અને 1933માં પડેલા દુષ્કાળોમાં યુક્રેન, વૉલ્ગા તથા ક્યુબન પ્રદેશોમાં 50 લાખથી વધુ માણસો મરણ પામ્યા. ત્રીસીની મધ્યનાં વરસોમાં સ્તાલિને ‘ગ્રેટ પર્જ’ કાર્યક્રમનો અમલ કર્યો. તેમના ગુપ્ત પોલીસતંત્રે લાખો લોકોની ધરપકડો કરી. પાડોશીઓ અને પરિવારના સભ્યો પણ જાસૂસો બનવાથી સમગ્ર દેશમાં ભય પ્રસરી ગયો. હજારો સામ્યવાદીઓ, લાલ સેનાના અફસરો, જૂના બૉલ્શેવિકો, પક્ષના હોદ્દેદારો, લેનિનના સાથીઓ વગેરેની ઘણી મોટી સંખ્યામાં હત્યા કરવામાં આવી. સોવિયેત વિદ્વાનોના મતાનુસાર ત્રીસીમાં બે કરોડ લોકોને મારી નાખવામાં આવ્યા. પક્ષ અને સરકારમાં માત્ર સ્તાલિનના વફાદારોને નીમવામાં આવ્યા તથા નીતિઘડતરમાં સ્તાલિનનો સંપૂર્ણ અકુંશ સ્થપાયો.

લેનિને સામ્યવાદનો ફેલાવો વિશ્વના દેશોમાં કરવા વાસ્તે 1919માં કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ(કૉમિન્ટર્ન)ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા અન્ય દેશોના સામ્યવાદી પક્ષો પર અંકુશ રાખવાનો તથા વિશ્વક્રાંતિ કરવાનો તેમનો ઇરાદો હતો; પરંતુ પશ્ચિમના દેશોના આક્રમણના ભયથી સોવિયેત નેતાઓએ આ અભિયાન અટકાવી દીધું હતું. 1933માં હિટલર જર્મનીનો સરમુખત્યાર બન્યો. તે સામ્યવાદનો નાશ કરવા ઉત્સુક હતો. તેથી સોવિયેત સંઘે પશ્ચિમના લોકશાહી દેશો સાથે કરારો કર્યા, 1934માં તે લીગ ઑવ્ નેશન્સમાં જોડાયું અને અન્ય દેશોના સામ્યવાદીઓને ત્યાંના રાજકીય પક્ષોમાં જોડાવાનો આદેશ આપ્યો.

23 ઑગસ્ટ 1939ના રોજ જર્મનીએ સોવિયેત સંઘ સાથે અનાક્રમણના કરાર કર્યા બાદ 1 સપ્ટેમ્બરના રોજ પોલૅન્ડ પર આક્રમણ કર્યું. તે સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. જર્મનીએ 22 જૂન, 1941ના રોજ સોવિયેત સંઘ પર આક્રમણ કરવાથી સોવિયેત સંઘ મિત્રરાજ્યોના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડાયું. સપ્ટેમ્બર 1945માં વિશ્વયુદ્ધનો અંત આવ્યો અને મિત્રરાજ્યોનો વિજય થયો. તે પછી પૂર્વ યુરોપના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, હંગેરી, પોલૅન્ડ, રુમાનિયા અને યુગોસ્લાવિયામાં સોવિયેત સંઘના અંકુશ હેઠળ સામ્યવાદીઓએ સરકારો સ્થાપી. તે પછી પૂર્વ જર્મનીમાં પણ સોવિયેત સંઘના અંકુશ હેઠળ સરકાર સ્થપાઈ. પશ્ચિમના દેશો સાથેનો સોવિયેત સંઘના ઉપગ્રહ સમાન આ દેશોનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો. વેપાર, વાહનવ્યવહાર, પ્રવાસ વગેરે પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા. તેને લોખંડી પડદો (Iron Curtain) કહે છે. યુરોપ તથા દુનિયાના અન્ય દેશોમાં સામ્યવાદી અને લોકશાહી દેશો વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થયું. 1947માં યુનાઇટેડ સ્ટેટ્સે ગ્રીસ અને તુર્કીને લશ્કરી તથા આર્થિક સહાય મોકલવાથી તે રાષ્ટ્રો સામ્યવાદી થતાં અટકી ગયાં. સામ્યવાદના સંભવિત હુમલા સામે રક્ષણ માટે પશ્ચિમના દેશોએ નૉર્થ આટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન(NATO)ની રચના કરી. પોતાના ઉપગ્રહ સમાન દેશોમાં સોવિયેત નીતિઓના પ્રચારાર્થે સોવિયેત સંઘે 1947માં કૉમ્યુનિસ્ટ ઇન્ફર્મેશન બ્યુરોની સ્થાપના કરી. 1948માં યુગોસ્લાવિયા સોવિયેત અંકુશમાંથી અલગ થયું. 1955માં સોવિયેત સંઘ અને તેના ઉપગ્રહોએ લશ્કરી જોડાણ વાસ્તે વૉર્સો કરાર કર્યા.

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સોવિયેત સંઘે નવી પંચવર્ષીય યોજના હેઠળ ઉદ્યોગીકરણ ઝડપી કર્યું. યુદ્ધ દરમિયાન કામદારો તથા કિસાનો પરના અંકુશો હળવા કર્યા હતા, તે ફરી સખત કરવામાં આવ્યા. સામૂહિક ખેતરો તેમનું પુનર્ગઠન કરી વિસ્તારવામાં આવ્યાં. વધુ રાજકીય ધરપકડો તથા હત્યાઓ કરવામાં આવી. 5 માર્ચ, 1953ના રોજ સ્તાલિન મૃત્યુ પામ્યા. જ્યૉર્જી માલેન્કોવ વડાપ્રધાન અને નિકિતા ખ્રુશ્ર્ચેવ પક્ષના વડા બન્યા. ગુપ્ત પોલીસતંત્રના વડા બેરિયાની સત્તા ખૂંચવી લેવાનું કાવતરું કરવાના આરોપ હેઠળ હત્યા કરવામાં આવી. 1955માં નિકોલાઈ બુલ્ગાનીન વડાપ્રધાન બન્યા, પણ વાસ્તવિક સત્તા ખ્રુશ્ર્ચેવ પાસે હતી. તેમણે તેમના હરીફોને તથા વિરોધીઓને સત્તાનાં સ્થાનો પરથી દૂર કર્યા. 1956માં કૉમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કૉંગ્રેસમાં ખ્રુશ્ર્ચેવે જાહેરમાં સ્તાલિનની સખત ઝાટકણી કાઢી. દોષયુક્ત નેતૃત્વ તથા નિર્દોષ લોકોનાં ખૂન કરવાનો આરોપ તેમણે સ્તાલિન પર મૂક્યો. સ્તાલિનનાં નામ જોડેલાં શહેરો, નગરો તથા મકાનોનાં નામ બદલી નાખવામાં આવ્યાં. સ્તાલિનનાં ચિત્રો તથા મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો.

ખ્રુશ્ર્ચેવના શાસન હેઠળ ગુપ્ત પોલીસતંત્ર ત્રાસ ફેલાવતું બંધ થયું. સરકારે રાજકીય ચર્ચા કરવાની લોકોને છૂટ આપી. લેખકો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ચિત્રકારો વગેરેને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી. કામદારોનું સપ્તાહનું કામ ઘટાડીને 40 કલાકનું કર્યું અને વ્યવસાય બદલવાની છૂટ મળી. ખ્રુશ્ર્ચેવે પશ્ચિમના દેશો સાથે સંબંધો સુધાર્યા અને 1956માં શાંતિમય સહઅસ્તિત્વની નીતિ જાહેર કરી. તેમણે વિદેશવેપાર, પ્રવાસ તથા સંદેશાવ્યવહારનાં નિયંત્રણો ઘટાડ્યાં. તેમણે પશ્ચિમના દેશોનો પ્રવાસ ખેડ્યો. ચીન અને સોવિયેત સંઘ બંને સામ્યવાદી દેશો વચ્ચેનો ઝઘડો 1961માં પરાકાષ્ઠાએ પહોંચ્યો. 1957માં સોવિયેત વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ વાર સ્પુટનિક તરતો મૂક્યો. 1961માં સોવિયેત હવાઈ દળના અધિકારી યુરી ગાગારિન પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરનાર વિશ્વમાં પ્રથમ માનવી બન્યા. 1960માં જાસૂસી કરતું અમેરિકાનું યુ-2 વિમાન સોવિયેત સંઘે તોડી પાડ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં કટોકટી પ્રવર્તી. ક્યૂબામાં સોવિયેત સંઘે રાખેલાં મિસાઇલોને કારણે 1962માં વિશ્વમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ; પરંતુ ખ્રુશ્ર્ચેવે યુનાઇટેડ સ્ટેટ્સની માગણીઓ સંતોષી અને વિશ્વયુદ્ધ થવાની દહેશત દૂર થઈ. તેમને ખેત-ઉત્પાદન વધારવામાં પૂરતી સફળતા મળી નહિ અને 1963માં સોવિયેત સંઘે પશ્ચિમના દેશો પાસેથી પુષ્કળ ઘઉં ખરીદવા પડ્યા હતા. ચીન સાથે અણબનાવ તથા ક્યૂબામાંથી પીછેહઠ કરવાને કારણે ખ્રુશ્ર્ચેવની ટીકા થઈ. 1964માં ઉચ્ચ સામ્યવાદી નેતાઓએ કાવતરું કરીને ખ્રુશ્ર્ચેવને સત્તા પરથી દૂર કર્યા. સામ્યવાદી પક્ષના વડા તરીકે લિયોનિદ બ્રેઝનેવ અને વડાપ્રધાન તરીકે ઍલેક્સી  કોસીગિને હોદ્દો સંભાળ્યો. આ સમય દરમિયાન પૂર્વ યુરોપના ઉપગ્રહ સમાન દેશો પરનો સોવિયેત સંઘનો અંકુશ ઘટતો હતો. ચેકોસ્લોવેકિયાએ સુધારાની ચળવળ શરૂ કરી અને લોકોને વધુ સ્વતંત્રતા આપી. 1968માં ચેકોસ્લોવેકિયા પર આક્રમણ કરીને તેની ચળવળ કચડી નાખવામાં આવી. 1969માં સરહદના તકરારી પ્રદેશ માટે સોવિયેત સંઘ અને ચીન વચ્ચે લડાઈ થઈ. સિત્તેરના દાયકામાં આફ્રિકામાં સોવિયેત-પ્રભાવ વિસ્તાર પામ્યો. આ દરમિયાન બ્રેઝનેવ સૌથી વધુ સત્તાધીશ સોવિયેત નેતા બન્યા. તેમણે પશ્ચિમના દેશો સાથે મૈત્રીભર્યા સંબંધો રાખ્યા. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તણાવ ઘટ્યો. પશ્ચિમના દેશો સાથેનો સોવિયેત સંઘનો વેપાર સારી પેઠે વધ્યો. પરંતુ સોવિયેત ઉદ્યોગોનું આધુનિકીકરણ કરવું જરૂરી હતું. 1972માં સોવિયેત સંઘ અને અમેરિકાએ અણુશસ્ત્રો મર્યાદિત કરવા બે કરારો કર્યા. પશ્ચિમના દેશોનાં માલ અને ટેક્નૉલૉજી સાથે ત્યાંના ઉદારમતવાદી વિચારો પણ સોવિયેત સંઘમાં પ્રવેશ્યા. યુક્રેન, જ્યૉર્જિયા તથા બાલ્ટિક રાજ્યોમાં સ્થાનિક નેતાઓએ સાંસ્કૃતિક અને આર્થિક બાબતોમાં વધુ સત્તાની માગણી કરી. લોકોના અધિકારોનો ભંગ કરવા બદલ સોવિયેત લેખકો તથા શિક્ષણકારોએ સરકારનો વિરોધ કર્યો.

સોવિયેત સરકારે તેના સેંકડો ટીકાકારોની ધરપકડો કરીને તેમને જેલમાં કે ગાંડાની હૉસ્પિટલોમાં અથવા ઘણા દૂરના સ્થળે મોકલી આપ્યા અથવા દેશનિકાલ કર્યા. 1970થી 1982 દરમિયાન 2,50,000 સોવિયેત યહૂદીઓએ સ્થળાંતર કર્યું. 1980માં સોવિયેત લશ્કરે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું. વિશ્વના દેશોએ આ પગલાને વખોડી કાઢ્યું.

સ્તાલિન હેઠળ તૈયાર થયેલા મોટાભાગના સોવિયેત નેતાઓ એંસીના દાયકાની મધ્યમાં અવસાન પામ્યા હતા. 1980માં કોસીગિન અને 1982માં બ્રેઝનેવ અવસાન પામ્યા. તેમના પછી સત્તાધીશ બનનાર યુરી ઍન્દ્રોપોવ 1984માં તથા ચેરનેન્કો માર્ચ 1985માં અવસાન પામ્યા. ત્યારબાદ મિખાઇલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના અને દેશના વડા બન્યા. તેમના સમયમાં દેશમાં ઝડપી પરિવર્તન થયું. તેમની નવી નીતિ ગ્લાસનોસ્ત (glasnost) એટલે ખુલ્લાપણાની હતી. તે મુજબ લોકોને રાજકીય તથા સામાજિક બાબતો પર મુક્તપણે ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી. આ યોજના મુજબ ઇતિહાસ, સાહિત્ય, કલા, ચિત્રપટ તથા નાટકોમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી. માર્ચ 1989માં સોવિયેત સંઘે સૌપ્રથમ વાર સર્વોચ્ચ સોવિયેતની, હરીફો પણ ભાગ લે એવી ચૂંટણી યોજી. લોકોમાં વિચારપ્રચાર વાસ્તે વર્તમાનપત્રો, જાહેર સભાઓ, સરઘસો વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો. માર્ચ 1990માં સોવિયેત સંઘમાં બિન-સામ્યવાદી રાજકીય પક્ષો સ્થાપવાની સરકારે છૂટ આપી. પોતાના સુધારા માટે ગોર્બાચોવ સોવિયેત લોકોનો ટેકો મેળવવા માગતા હતા; પરંતુ સામ્યવાદી પક્ષના સભ્યો અને અધિકારીઓએ તેનો વિરોધ કર્યો; જ્યારે બીજા લોકોએ ઝડપથી લોકશાહી સ્થાપવાની માગણી કરી. આર્થિક વિકાસ માટે તેમણે ‘પેરેસ્ત્રૉઇકા’ (Perestroika, એટલે કે નવરચના) નામનો કાર્યક્રમ શરૂ કર્યો; પરંતુ આવશ્યક વસ્તુઓની અછત અને ફુગાવો તથા સંગ્રહખોરીને લીધે તે કાર્યક્રમને ઝાઝી સફળતા મળી નહિ.

ગોર્બાચોવે પશ્ચિમના દેશો સાથે સંબંધો સુધાર્યા. ડિસેમ્બર 1987માં ગોર્બાચોવે અને અમેરિકાના પ્રમુખ રૉનાલ્ડ રેગને મધ્યમ કક્ષાનાં અણુ પ્રક્ષેપાસ્ત્રોનો નાશ કરવાના કરાર કર્યા. ફેબ્રુઆરી 1989 સુધીમાં સોવિયેત લશ્કર અફઘાનિસ્તાનમાંથી પાછું ખેચી લેવામાં આવ્યું. ગોર્બાચોવ અને અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશે 1991માં શસ્ત્રો ઘટાડવાની સંધિ કરી. ચીન સાથે દાયકાઓથી ચાલતો ગજગ્રાહ ગોર્બાચોવે દૂર કરીને સંબંધો સુધાર્યા. ગોર્બાચોવે ભારતની બે વાર મુલાકાત લીધી અને 1986માં અણુશસ્ત્ર-મુક્ત વિશ્વ અંગે વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કરાર કર્યા. અણુશસ્ત્રોમાં ઘટાડો કરવાની સંધિઓ તથા વિશ્વમાંથી ઠંડા યુદ્ધનો અંત લાવવા બદલ ગોર્બાચોવને 1990માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન વી. પી. સિંગે 1990માં મૉસ્કોની મુલાકાત લીધી ત્યારે ગોર્બાચોવે કાશ્મીરના પ્રશ્ર્ન અંગે ભારતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.

માર્ચ 1991માં સોવિયેત સરકારે સોવિયેત સંઘના પ્રમુખનો હોદ્દો શરૂ કર્યો. પ્રમુખ કેન્દ્ર સરકારના વડા બન્યા અને સોવિયેત સંઘમાં તે સૌથી વધુ સત્તાધીશ હતા. ગોર્બાચોવ પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પૂર્વ યુરોપના દેશો ઉપરનો સોવિયેત સંઘનો અંકુશ 1989માં દૂર થયો અને તેમાંના મોટાભાગના દેશોમાં બિનસામ્યવાદી સરકારોની રચના થઈ. 1990માં લિથુઆનિયા સ્વતંત્ર થયું. ઇસ્તોનિયા અને લાતવિયાએ પણ અલગ થવાની માગણી કરી. જુલાઈ 1991માં ગોર્બાચોવ અને સોવિયેત સંઘનાં 10 પ્રજાસત્તાકોના નેતાઓ સાથેની તેમને વધુ સ્વતંત્રતા આપતી સંધિનો મુસદ્દો તૈયાર થયો. 19 ઑગસ્ટ, 1991ના રોજ ગોર્બાચોવ વિરુદ્ધ સામ્યવાદી પક્ષના રૂઢિચુસ્ત અધિકારીઓએ બળવો કરી તેમને કેદ કર્યા. રશિયન પ્રજાસત્તાકના પ્રમુખ બૉરિસ યેલ્તસિનની આગેવાની હેઠળ લોકોએ રૂઢિચુસ્ત બળવાખોરોનો વિરોધ કર્યો અને ગોર્બાચોવને 21 ઑગસ્ટના દિવસે પ્રમુખપદે પુન: સ્થાપિત કર્યા; પરંતુ તેમણે સામ્યવાદી પક્ષના વડા મહામંત્રી તરીકે રાજીનામું આપ્યું. લિથુઆનિયા, લાતવિયા અને ઇસ્તોનિયાનાં બાલ્ટિક રાજ્યોને વિધિસર સ્વતંત્રતા આપવામાં આવી અને સોવિયેત સંઘના સામ્રાજ્યનું વિઘટન થયું. સપ્ટેમ્બરના અંત સુધીમાં રશિયા, કઝાખિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સિવાય 15માંથી 11 પ્રજાસત્તાકોએ સ્વતંત્રતાની જાહેરાત કરી. ડિસેમ્બર 1991માં સોવિયેત સંઘના વિઘટન પછી, રશિયા સ્વતંત્ર રાજ્યોના રાષ્ટ્રસમૂહમાં સ્થાપક સભ્યોમાંનું એક હતું. જૂન 1991માં બૉરિસ યેલ્તસિન રશિયાના પ્રમુખ ચૂંટાયા હતા. 1992-93માં યેલ્તસિન અને પાર્લમેન્ટ વચ્ચે સંઘર્ષ થયો; પરંતુ લશ્કરે પાર્લમેન્ટનો કબજો લઈને બળવાખોરોને અંકુશમાં લીધા. યેલ્તસિન 1996માં ફરી વાર રશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા. ઑગસ્ટ 1999માં યેલ્તસિને વ્લાદિમિર પુતિનને વડાપ્રધાન તરીકે નીમ્યા. ડિસેમ્બર 1999માં યેલ્તસિને રાજીનામું આપ્યા બાદ પુતિન રશિયાના પ્રમુખ બન્યા. માર્ચ 2000માં થયેલી ચૂંટણીમાં પુતિન પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ