ઇબ્નુલ અરબી (જ. 28 જુલાઈ 1165, મુરસિયા (સ્પેન); અ. 16 નવેમ્બર 1240, દમાસ્કસ) : જાણીતા અરબી વિદ્વાન શેખ અબૂ બક્ર મુહયિઉદ્દીન મુહમ્મદ બિન અલી. તેઓ ‘ઇબ્નુલ અરબી’ના ઉપનામથી વધારે જાણીતા છે. એમને ‘અશ્-શયખુલ અકબર’ (સૌથી મહાન વિદ્વાન) પણ કહે છે. વતનમાંથી તેઓ ઇશ્બીલિયા આવતા રહ્યા અને 30 વર્ષ વિદ્યાપ્રાપ્તિમાં ગાળ્યાં. ત્યાંથી તેઓ 38 વર્ષની ઉંમરે ઇજિપ્ત, બૈતુલ-મુકદ્દસ, મક્કા, બગદાદ, હલબ વગેરે સ્થળોએ પ્રવાસ ખેડતા રહ્યા. છેવટે દમિશ્ક(દમાસ્કસ)માં સ્થાયી થયા. તેમને જબલે કાસિયૂન નામની જગ્યાએ દફન કરવામાં આવ્યા હતા. ઇબ્નુલ અરબી આખા મુસ્લિમ જગતમાં એક જ એવા વિદ્વાન છે, જેમના વિશે મહાન મુસ્લિમ સૂફીઓ અને વિદ્વાનો આજ સુધી પરસ્પરવિરોધી મંતવ્ય ધરાવતા આવ્યા છે. કેટલાક એમને મુલ્હિદ (અધર્મી) તો કેટલાક એમને પ્રથમ કક્ષાના સંત માને છે. એમના ગ્રંથોની સંખ્યા અંગે પણ વિવાદ છે. એમની કૃતિઓની સંખ્યા 284થી 500 સુધીની કહેવાય છે. એમણે પોતાનાં લખાણોની યાદી તૈયાર કરી હતી. એમાં 250 ગ્રંથોનાં નામ હોવાનું કહેવાય છે. ‘ફુસૂસુલ-હિકમ’ અને ‘ફુતૂહાતે મક્કિયહ’ એમની અતિ જાણીતી કૃતિઓ છે. તેમનાં કેટલાંક પુસ્તકોનાં વિશ્વની ભાષાઓમાં ભાષાંતરો થઈ ચૂક્યાં છે. જુદા જુદા દેશોમાં એમની 27 કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે. તેઓ અદ્વૈતવાદના પ્રખર સમર્થક હતા.
ઝુબેર કુરેશી