રબર-ઉદ્યોગ : રબર બનાવવાનો ઉદ્યોગ. રબર કુદરતી અને સંશ્લેષિત બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વિવિધ વસ્તુઓનું આવશ્યક ગુણવત્તાઓ અનુસાર ઉત્પાદન કરવા માટે તેમાં ગંધક, પ્રવેગક, વર્ણકો, પ્રતિઉપચારકો, પુન:પ્રાપ્ત રબર, પૂરકો વગેરે સંઘટકો ઉમેરવામાં આવે છે.
સત્તરમી સદીમાં યુરોપિયન પ્રવાસી સંશોધકોએ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઇન્ડિયનોને રબરના ઝાડના રસમાંથી બનાવેલ સફેદ જલપ્રતિરોધક બૂટનો ઉપયોગ કરતા નિહાળ્યા હતા. દક્ષિણ અમેરિકાના ઇન્ડિયનોએ રબરના ઝાડમાંથી ઝરતા સફેદ રસને તેનાં આંસુ માની તેનું નામ વિલાપ કરતું વૃક્ષ, ‘કાહુચુ’ (cahuchu) પાડ્યું હતું. ઈ. સ. 1735માં ફ્રેન્ચ શોધક ચાર્લ્સ મેરી દ લા કોન્ડેમાઇન પેરુમાંથી રબરક્ષારના નમૂના ફ્રાન્સ લઈ ગયા હતા. ત્યાં તેનું નામ ‘કાઉચુક’ (caoutchouc) રાખવામાં આવ્યું હતું, જે હાલમાં પણ યુરોપમાં પ્રચલિત છે. 1770માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી જૉસેફ પ્રિસ્ટલીએ શોધ કરી કે રબરક્ષારથી પેન્સિલનું લખાણ ભૂંસી (rub) શકાય છે. તે પરથી રબર નામ પ્રચલિત બન્યું હતું. સત્તરમી સદીના અંતમાં વૈજ્ઞાનિકોએ શોધ કરી કે રબરક્ષારને ટર્પેન્ટાઇનમાં ઓગાળવાથી કાપડ પર લગાડવાનું જલાભેદ્ય દ્રાવણ બનાવી શકાય છે. 1820માં અંગ્રેજ શોધક ટૉમસ હૅન્કૉકે રબરના ટુકડાઓનું મર્દન કરી ઘન દ્રવ્યમાન (solid mass) બનાવવા માટેના અમ્લસર્જનયંત્ર(pickling machine)ની શોધ કરી હતી; જે પ્રવિધિ હાલ વપરાશમાં છે. 1823માં સ્કૉટિશ રસાયણશાસ્ત્રી ચાર્લ્સ મૅકિન્ટૉશે બે કાપડ વચ્ચે રબરનું પડ મૂકીને બનાવેલ વર્ષાકોટ (raincoat) મૅકિન્ટૉશ તરીકે પ્રચિલત છે. ત્યારબાદ યુરોપ અને અમેરિકામાં રબરમાંથી વર્ષાકોટ, નળીઓ, પગરખાં વગેરે બનાવવાની શરૂઆત થઈ હતી; પરંતુ રબરમાંથી બનેલ વસ્તુઓ ગરમીમાં ચીકણી અને ઠંડીમાં કડક અને બરડ થઈ જતી હતી. 1839માં અમેરિકન શોધક ચાર્લ્સ ગુડઇયરથી ગંધક અને રબરનું મિશ્રણ આકસ્મિક ગરમ સ્ટવ પર ઢોળાઈ જતાં રબર સંસાધિત (cure) થયું. ગરમી અને ઠંડીનો પ્રતિકાર કરી શકે તેવા રબરની શોધ થઈ. ગંધક અને રબરના મિશ્રણને ઉષ્મા આપવાની પ્રક્રિયાને અગ્નિના રોમન દેવતા વલ્કન(Vulcan)ના નામ પરથી ‘વલ્કનાઇઝેશન’ (vulcanisation) નામ આપવામાં આવ્યું. આમ રબર-ઉદ્યોગના વિકાસનો પાયો નખાયો.
આરંભમાં રબરક્ષાર બ્રાઝિલનાં જંગલોમાંથી મેળવવામાં આવતો હતો; પરંતુ અનિયમિત અને સીમિત પુરવઠાની સ્થિતિ નિવારવા 1876માં બ્રિટિશ સરકારે હેન્રી વિકહામ નામના વનસ્પતિશાસ્ત્રી પાસે રબરના ઝાડનાં બીમાંથી અંકુરો તૈયાર કરાવી તેમને વાવણી માટે મલેશિયા, સિંગાપોર, શ્રીલંકા વગેરે સંસ્થાનોમાં મોકલ્યા હતા. ત્યાં રબરઝાડના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી. અત્યારે વિશ્વનું આશરે 93 % રબરનું ઉત્પાદન થાઇલૅન્ડ (20,03,000 ટન), ઇન્ડોનેશિયા (16,98,000 ટન), મલેશિયા (8,93,000 ટન), ભારત (5,83,000 ટન) અને ચીન(4,55,000 ટન)માં થાય છે.
1845માં સ્કૉટલૅન્ડના રૉબર્ટ વિલિયમ ટૉમસને અશ્વબળથી ખેંચાતાં વાહનો માટે વાતિલ ટાયરની શોધ કરી હતી. 1888માં આયર્લૅન્ડના જૉન ડનલૉપે પોતાના પુત્રની ટ્રાઇસિકલની સમતલ મુસાફરી માટે તેમાં સુધારણા કરી વાયુ ભરેલ ટાયરની શોધ કરી હતી, જે હાલમાં પણ વાહનોમાં વપરાય છે. તે જ સમય દરમિયાન સ્વયંચાલિત વાહનોનાં ઉત્પાદન અને વપરાશમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી; જેણે રબર-ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
1826માં માઇકલ ફૅરડેએ આઇસોપ્રીન(isoprene)ના રાસાયણિક સંયોજનમાંથી રબર બને છે તેવી શોધ કરી હતી. ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ અને જર્મન રસાયણશાસ્ત્રીઓએ આઇસોપ્રીનનું રબરમાં પરિવર્તન કરવાની શોધ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કુદરતી રબરના પુરવઠાને અભાવે જર્મનીને સંશ્લેષિત રબરનું વ્યાવસાયિક ઉત્પાદન કરવાની ફરજ પડી હતી; પરંતુ વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં સંશ્લેષિત રબરની ઊંચી કિંમત તથા આર્થિક મંદીને કારણે તેના ઉત્પાદન માટેનો રસ મંદ પડી ગયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહત્તમ કુદરતી રબર પૂરું પાડતા અગ્નિ એશિયાના દેશો જાપાનના આધિપત્ય નીચે આવતાં તેનો પુરવઠો અટકી ગયો હતો. યુદ્ધને માટે આવશ્યક લશ્કર તથા સાધનસામગ્રીના પરિવહન માટે જરૂરી ટાયર-ટ્યૂબો માટે કુદરતી રબરનો વિકલ્પ શોધવા અમેરિકાએ સંશ્લેષિત રબર-ઉત્પાદનના સંશોધનને ટોચની અગ્રતા આપી. પરિણામે યુદ્ધની શરૂઆતના સમયે થતા 8,200 ટન સંશ્લેષિત રબરનું ઉત્પાદન યુદ્ધના અંતસમયે 10,90,000 ટને પહોંચ્યું હતું. તે જ સમય દરમિયાન કુદરતી રબરના વિકલ્પ માટે જર્મનીએ બ્યૂટાડીન અને સ્ટાયરીનમાંથી બ્યૂના એસ (Buna S) અને બ્યૂટાડીન અને એક્રિલોનાઇટ્રાઇલમાંથી બ્યૂના એન (Buna N) બનાવવાની શોધ કરી હતી. યુદ્ધની સમાપ્તિ પછી સંશ્લેષિત રબરના ઉત્પાદનમાં ગણનાપાત્ર વિકાસ થયો હતો. વળી કુદરતી રબરની સરખામણીમાં તેની નીચી રહેતી કિંમતે તેના વિકાસને વધુ વેગ આપ્યો. 1940ના 43,000 ટન સંશ્લેષિત રબરના ઉત્પાદનની સરખામણીમાં વિશ્વના 1997ના 1,00,00,000 ટન ઉત્પાદનમાં રશિયા (24,27,000 ટન), અમેરિકા (20,87,000 ટન), જાપાન (14,00,000 ટન), ફ્રાન્સ (5,28,000 ટન) અને જર્મની (5,15,000 ટન) મહત્ત્વના ઉત્પાદકો ગણી શકાય.
સંશ્લેષિત રબરનું તેના સામાન્ય અને વિશિષ્ટ ઉપયોગને અનુલક્ષીને બે પ્રકારમાં વિભાજન કરી શકાય. વિશિષ્ટ ઉપયોગમાં તેલ, ઈંધણ, વાયુ, તડકો, આત્યંતિક તાપમાન વગેરેના પ્રતિરોધનું કામ આવે છે. તે માટે સંશ્લેષિત રબરને આવશ્યકતા મુજબ ગુણવત્તાવાળું બનાવી વિવિધ વસ્તુઓના ઉત્પાદનમાં તે લેવાય છે. વિશિષ્ટ રબરોમાં (1) બ્યૂટાઇલ, (2) નિયૉપ્રીન, (3) સિસ્પોલીઆઇસોપ્રીન (4) નાઇટ્રાઇલ, (5) પૉલિસલ્ફાઇડ, (6) પૉલિયુરિથેઇન, (7) સિલિકોન, (8) એથિલીન-પ્રૉપિલીન, (9) ફ્લૉરોકાર્બન અને (10) થરમૉપ્લાસ્ટિક મહત્ત્વનાં ગણી શકાય.
કુલ ઉત્પાદનના 50 %થી પણ વધુ રબર ટાયર-ટ્યૂબના ઉત્પાદનમાં વપરાય છે. તેના ઉપયોગની વસ્તુઓમાં ટાયર તથા ટ્યૂબ (60 ટકા), પગરખાં (4 ટકા), રબરક્ષીર ફીણ (3 ટકા), રબરક્ષીર ગાલીચા-પીઠ (2.5 ટકા), રબરધાતુ આબંધન ઘટકો (2.5 ટકા), પટા (2 ટકા), સુનમ્ય પાઇપો તથા નળીઓ (2 ટકા), તાર અને દોરડાં (1.5 ટકા), ફરસ (1 ટકા), આચ્છાદિત વસ્તુઓ (1 ટકા), આસંજકો (1 ટકા) અને દોરા (0.5 ટકા)નો સમાવેશ થાય છે.
1920માં ભારતમાં રબર-ઉદ્યોગનો આરંભ ડિક્સી રાય કંપનીએ કોલકાતામાં રબરની સામાન્ય વસ્તુઓના ઉત્પાદનથી કર્યો હતો. ત્યારબાદ 1928માં બગૉલ વૉટર-પ્રૂફિંગ વર્કસે રબરવિલેપિત વર્ષાકોટ, રબરનું પડ ચડાવેલાં વીજળીનાં દોરડાં વગેરેનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1934માં આંતરરાષ્ટ્રીય રબર-નિયંત્રણ કરાર અનુસાર દરેક દેશને કાચા રબરનો મુકરર ભાગ આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેથી કાચા રબરની પ્રાપ્યતા, વેતનના નીચા દર અને વિશાળ બજારનો લાભ લેવા બાટા શૂ કંપની, ઇન્ડિયન રબર મૅન્યુફૅક્ચરિંગ કંપની, ડનલૉપ રબર લિમિટેડ વગેરેએ બૂટ, પટા, ટાયર-ટ્યૂબ વગેરેનાં ઉત્પાદન માટે કારખાનાંઓની સ્થાપના કરી હતી.
1952માં રબર-ઉદ્યોગ માટે મહત્વનો કાચો માલ ગણાતા કાજળ(carbon black)ના ઉત્પાદન માટે ફિલિપ્સ કાર્બન કંપની લિમિટેડે દુર્ગાપુરમાં કારખાનું સ્થાપ્યું હતું. 1966માં યુનાઇટેડ કાર્બન કંપની લિમિટેડ અને ત્યારબાદ આલ્કલિઝ ઍન્ડ કેમિકલ્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, બેયર કંપની, મૉન્સાન્ટો કેમિકલ્સ કંપની વગેરેએ કાજળ બનાવવાનાં કારખાનાંની સ્થાપના કરી હતી.
1962–63માં ભારતમાં સંશ્લેષિત રબર-ઉત્પાદનની શરૂઆત સિન્થેટિક્સ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડ, બરેલીના કારખાનાથી થઈ હતી. સંશ્લેષિત રબરની વધતી જતી માગ પૂરી પાડવા ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કંપની લિમિટેડ, હરડીલિયા ઉનિયર લિમિટેડ, ગુજરાત અપાર પૉલિમર્સ લિમિટેડ, અપાર લિમિટેડ અને અપ્ટોટેક્સ લૅટિસિઝ લિમિટેડે કારખાનાં સ્થાપ્યાં હતાં.
1950–51માં દેશમાં 15,830 ટન કુદરતી રબરનું ઉત્પાદન થયું હતું. ઇન્ડિયન રબર બૉર્ડ નીચે કાર્ય કરતી ભારતીય રબર-સંશોધન સંસ્થા, કોટાયમ તથા નાબાર્ડની નીચા દરે લાંબા ગાળાનું ધિરાણ કરવાની યોજના અને વિશ્વ બૅંક રબર વિકાસ યોજનાના પ્રોત્સાહનને પરિણામે કુદરતી રબરનું ઉત્પાદન 1999–2000ના વર્ષમાં આશરે 6,50,000 ટન અંદાજવામાં આવ્યું છે, જે રબર-ઉદ્યોગની માગને પૂરી પાડવા સક્ષમ હોવાની અપેક્ષા છે.
1950–51ના હેક્ટરદીઠ 284 કિલોગ્રામ કુદરતી રબર સામે 1998–99માં 1,563 કિલોગ્રામ ઉત્પાદન થયું હતું; જે વિશ્વમાં સૌથી વધુ ગણાય છે.
કુદરતી રબર-ઉત્પાદનનાં આશરે 93 ટકા ઉત્પાદન સ્થાનિક ઉદ્યોગોમાં વપરાય છે અને ફક્ત 7 ટકા નિર્યાત માટે ફાળવી શકાય છે; પરંતુ વિશ્વ બજારમાં ભારતના રબરની ગુણવત્તા ટકી શકે તેમ ન હોવાથી રબરમાંથી બનેલ ચીજવસ્તુઓની નિર્યાત પર ભાર મૂકવો એ સલાહભર્યું છે. હાલમાં ટાયર-ટ્યૂબ, રબરની ચાદરો, મોજાં, પગરખાં, નળીઓ વગેરેની નિર્યાત થાય છે. તેમાં ટાયર-ટ્યૂબનો ફાળો 65 ટકાથી પણ વધુ છે.
ભારતમાં સંગઠિત અને લઘુ ઉદ્યોગો સહિત 6,000 એકમો રબરની વિવિધ 35,000 વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગ 15,000 તજ્જ્ઞો અને 3.5 લાખ કામદારોને રોજી પૂરી પાડે છે. તેમાં 5,500થી વધુ લઘુ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. તેમાં સ્વચાલિત વાહનોનાં ટાયર-ટ્યૂબનો હિસ્સો આશરે 45 ટકા, સાઇકલોનાં ટાયર-ટ્યૂબનો 13.59 ટકા, કેમલ બૅકનો 5.87 ટકા; પગરખાંનો હિસ્સો 10.46 ટકા, પટા તથા સુનમ્ય પાઇપોનો 6.6 ટકા, રબરક્ષાર ફીણનો 5.70 ટકા, રબર-આચ્છાદિત વસ્તુઓનો 4.67 ટકા અને બીજી વસ્તુઓનો હિસ્સો 8.77 ટકા 1998–99માં અંદાજવામાં આવ્યો હતો.
ઇન્ડિયન રબર બૉર્ડે કરેલ અંદાજ મુજબ, 2010–11માં ભારતમાં 9,30,000 ટન કુદરતી અને 3,00,000 ટન સંશ્લેષિત રબરના ઉત્પાદન સામે કુદરતી રબરની 11,63,000 ટન અને સંશ્લેષિત રબરની 4,30,000 ટન માગની અપેક્ષા છે. તે માટે આશરે 2,47,000 ટન કુદરતી રબર અને 1,30,000 ટન સંશ્લેષિત રબરની આયાત કરવાની જરૂરિયાત ગણી શકાય. વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)નાં સૂચનો અનુસાર આયાત-જકાતમાં ઘટાડો કરવો અનિવાર્ય બનશે. તેની સફળતાથી હરીફાઈ કરવા માટે રબર-ઉદ્યોગે કુદરતી તેમજ સંશ્લેષિત રબરના ઉત્પાદનની કિંમતમાં ગણનાપાત્ર ઘટાડો કરવો આવશ્યક બનશે. ભારતમાં સંશ્લેષિત રબરની કિંમત કુદરતી રબર કરતાં આશરે બમણી છે, જ્યારે વિશ્વમાં તેની કિંમત કુદરતી રબર કરતાં ઓછી છે.
વિશ્વનો કુદરતી અને સંશ્લેષિત રબરના વપરાશનો ગુણોત્તર 40 : 60 છે, જ્યારે ભારતનો 78 : 22 છે.
1999માં ભારતનો માથાદીઠ રબરનો વપરાશ 800 ગ્રામ અંદાજવામાં આવ્યો હતો; તેની સરખામણીમાં જાપાનનો 14 કિલોગ્રામ અને વિશ્વનો સરેરાશ 2.5 કિલોગ્રામ વપરાશ છે.
જિગીશ દેરાસરી