રફાઈ, તૂફાન (Rafai, Toofan) (જ. 1920, અમરેલી, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા ગુજરાતના આધુનિક ચિત્રકાર. પ્રાથમિક શિક્ષણ અમરેલીની સામેના જેસિંગપુરા ગામમાં લીધું. શાળામાં ઝળકી ઊઠતાં એક ઇનામ પ્રાપ્ત થયું, અને ઇનામ-વિતરક મહેમાન ગાંધીજીએ સ્વચ્છતા અને સ્વાવલંબન પર ટકોર કરતાં રફાઈ હાથબનાવટના ઉત્પાદન અને સ્વદેશીના ખ્યાલ અંગે જાગ્રત થયા. કુટુંબની કારમી ગરીબીને કારણે રફાઈ હાઈસ્કૂલ સુધી પણ પહોંચી શક્યા નહિ અને અલ્લાહના નામે ભીખ માંગવી શરૂ કરી. અલ્લાહના નામે માંગેલી ભીખમાં એક વાર ગંદીગલીચ ગાળોની વૃષ્ટિ મળતાં રફાઈને લાગી આવ્યું અને વાસણ-કપડાં-ઝાડુ-પોતાં કરવાની છૂટક નોકરીઓ કરી ગુજરાન ચલાવ્યું. રફાઈની મહેનત અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ આશરે 1947માં તેમના માલિકે તેમને મુંબઈની એક ફૅક્ટરીમાં મજૂર તરીકે નોકરી અપાવી. ફુરસદના સમયે તેઓ ચિત્રો દોરતાં, પત્તાં રમતાં અને પ્રિય લેખકો રમણલાલ વસંતલાલ દેસાઈ, કલાપી, કાકાસાહેબ કાલેલકર, પન્નાલાલ પટેલ અને ચુનીલાલ મડિયાનું વાચન કરતા. આ વાચન કરતાં તેમને લાગી આવ્યું કે મારે પોતે કશુંક સર્જનાત્મક સિદ્ધ કરવું બાકી છે. આ અસંતોષની ધૂનમાં બેધ્યાન બનતાં એક વાર ફૅક્ટરીના મશીનમાં તેમનો પહોંચો આવી ગયો અને તેમની એક આંગળી કપાઈ ગઈ ને તે કાયમ માટે ગુમાવી દીધી. હૉસ્પિટલમાં નર્સના પ્રોત્સાહને તેઓ ચિત્રોના સર્જન તરફ વળ્યા અને 1948માં મુંબઈમાં વિખ્યાત ચિત્રકાર યજ્ઞેશ્વર કે. શુક્લના વર્કશૉપમાં તાલીમાર્થી તરીકે જોડાયા. ત્યાંથી તેઓ બદલી પામી 1949માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. આમ શાલેય અભ્યાસ પૂરો ન કર્યો હોવા છતાં શુક્લના વર્કશૉપમાંથી બદલી પામી તે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશી શક્યા. ફૅક્ટરીમાં હવે તેઓ રાતપાળીની નોકરી કરતા. અભ્યાસ પૂરો કરી 1957માં તેઓ કેન્દ્ર સરકારના આર્ટિસ્ટ વિવર્સ સેન્ટરની ચેન્નઈ શાખાના ઇન્ચાર્જ અધિકારી બન્યા તથા બદલી પામી વિજયવાડા અને ફરી બદલી પામી અમદાવાદમાં સ્થિર થયા.

તૂફાન રફાઈ

આ સમયે બાળપણમાં પડેલા ગાંધીજીના અને સ્વદેશીના સંસ્કારોએ માથું ઊંચક્યું. ઔદ્યોગિક ફૅક્ટરીઓમાં બનેલા રંગોનો ત્યાગ કરી સફરજન, આમળાં, આમલી, દાડમ, ગલગોટા, થોર ઇત્યાદિ વનસ્પતિઓમાંથી બનેલા રંગો વડે જ તેમણે ચિત્રોનું સર્જન કરવાનો નિશ્ચય કર્યો. તેમણે વાનસ્પતિક રંગો બનાવવાના પ્રયોગો કર્યા અને આશરે 250થી પણ વધુ રંગો બનાવ્યા. આ રંગો વડે ચિત્રસર્જન ઉપરાંત હાથવણાટની સાડીઓ પણ ચીતરી. રફાઈ વડે હાથબનાવટના રંગોથી ચિત્રિત હાથવણાટની સાડીઓ દેશવિદેશમાં અમૂલ્ય (collector’s items) ગણાઈ અને તેમને પુપુલ જયકર, હંસા મહેતા, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ઇલા ભટ્ટ, મૃણાલિની સારાભાઈ, ઇન્દિરા ગાંધી તથા ગોદરેજ, બિરલા અને અંબાણી જેવાં ઔદ્યોગિક ગૃહોની મહિલાઓએ પણ અપનાવી.

‘સેવા’ સંસ્થામાં ઇલા ભટ્ટે રફાઈ પાસે કાર્યશાળાનું સંચાલન કરાવી અમદાવાદની અનેક મહિલાઓને પણ હાથબનાવટના વાનસ્પતિક રંગો બનાવતાં અને તે દ્વારા ચિત્રકામ કરતાં શિખવાડ્યું.

રફાઈ બનાવટના વાનસ્પતિક રંગો દ્વારા અમૂર્ત ચિત્રણ માટે દેશવિદેશમાં જાણીતા છે. તેમણે ભારત ઉપરાંત જાપાન, અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે અને તે સાથે હાથબનાવટનાં વાનસ્પતિક રંગો બનાવવા માટેનાં પ્રત્યક્ષ નિદર્શનો પણ આપ્યાં છે.

રફાઈ હાલમાં બૉસ્ટન કૉલેજ ઑવ્ આર્ટ, ફિલાડેલ્ફિયા સ્કૂલ ઑવ્  આર્ટ, ક્લેયર આર્ટ એકૅડેમી અને પિટ્સબર્ગ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાના મુલાકાતી પ્રાધ્યાપક છે; પરંતુ તેમનું મુખ્ય થાણું (head quarters) અમદાવાદ છે, જ્યાં તેઓ કલાસર્જનમાં વ્યસ્ત રહે છે.

અમિતાભ મડિયા