રન્ના (દસમી શતાબ્દી) : કન્નડ કવિ. મધ્યકાલીન કન્નડના ત્રણ મહાકવિઓમાં પંપ અને તથા પોન્ન પછી રન્નાનું સ્થાન આવે છે. એમણે એમની જીવનકથા ઘણા વિસ્તારથી લખી છે. એમને બે પત્નીઓ હતી : જાવિક અને શાંતિ. બે સંતાનો હતાં : પુત્ર રાય અને પુત્રી અતિમ્બે. અતિસેનાચાર્ય એમના ગુરુ હતા. શ્રવણ બેલગોડાના વિદ્યાકેન્દ્રમાં એમણે શિક્ષણ લીધું હતું. થોડો સમય ચામુંડરાય રાજાના આશ્રયમાં રહ્યા અને ત્યારપછી તૈલપ અને એના પુત્રને આશ્રયે રહ્યા.

રન્નાની ત્રણ રચનાઓ મળી છે : (1) ‘અજિતનાથ પુરાણ’. તેમાં બીજા તીર્થંકર અજિતનાથની જીવનકથા ચંપૂશૈલીમાં વર્ણવી છે. એમાં બીજા ચક્રવર્તી સગર રાજાની પણ કથા છે. જે કથા જૈન દાનચિંતામણિ જૈન સાધ્વીએ લખાવી હતી, એમાં અજિતનાથના પૂર્વજીવનની એક કથા તથા અજિતનાથના વૈરાગ્યનું હૃદયસ્પર્શી વર્ણન છે. એમણે દર્પણમાં પોતાનું મોઢું જોયું તેમાં એક વાળ સફેદ જોતાં એમને વૈરાગ્ય ઊપજ્યો.

(2) એમની બીજી કૃતિ ‘ગદાયુદ્ધ’ અથવા ‘સાહસભીમયુદ્ધ’ છે. તે પંપ કવિના ‘પંપભારત’ના તેરમા અધ્યાયની કથા પર આધારિત છે. એ કેવળ શ્રાવ્યકાવ્ય નહિ, પણ ર્દશ્યકાવ્ય પણ બન્યું છે. એની વિશેષતા એની નાટ્યાત્મકતામાં છે. આચાર્ય શ્રીકંઠૈયાના મત પ્રમાણે એ પહેલાં નાટ્યરૂપે લખાયું હતું અને પછી એ ચંપૂકાવ્યરૂપે લખાયું. નાટકના રૂપમાં દસ ર્દશ્યો છે. કવિ જૈન હોવાથી એમણે એ કાવ્યને વીરરસનું – જેમાં હિંસા ને યુદ્ધ હોય એવું – નહિ, પણ લૌકિક કાવ્ય કહ્યું છે. એના રચનાકાળ વિશે ભિન્ન ભિન્ન મતો છે. કેટલાક લોકો એમનો રચનાકાળ ઈ. સ. 982 તો કેટલાક ઈ. સ. 993 માને છે. ‘ગદાયુદ્ધ’ના અંગી રસ વિષે પણ મતભેદ છે. કેટલાક એને વીરરસપ્રધાન માને છે, તો કેટલાક રૌદ્રરસપ્રધાન. વીરને અંગી રસ માનનાર નાયકનું સ્થાન દુર્યોધનને આપે છે, તો રૌદ્ર રસને અંગી રસ માનનાર ભીમને નાયકનું સ્થાન આપે છે. રન્નાનો દુર્યોધન સાધારણ નથી, પણ મહાપુરુષ છે. પણ એમ કરતાં એમણે ભીમનું મહત્વ લેશમાત્ર ઘટાડ્યું નથી.

(3) રન્નાનું ત્રીજું કાવ્ય ‘રત્નકંદ’ છે, જેનાં માત્ર 12 પદો જ ઉપલબ્ધ છે. એ પદ્યોની સમાપ્તિ ‘કવિ રન્ન’ શબ્દથી થાય છે. રન્નાનું બીજું નામ રન્ન છે, જેનો એમણે પદોમાં પ્રયોગ કર્યો છે. એ ગ્રંથ નિઘંટુ અથવા કોશવિષયક ગ્રંથ છે. એમાં કન્નડ શબ્દોના કન્નડમાં જ અર્થ આપ્યા છે. આ ગ્રંથ કન્નડનો પ્રથમ કોશગ્રંથ છે. શબ્દોના અર્થ પણ પદમાં આપ્યા હોવાથી સહેલાઈથી યાદ રહી જાય છે.

ચન્દ્રકાન્ત મહેતા