ઓસમ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાટણવાવ નજીક આવેલો 305 મી. ઊંચો પર્વત. આ પર્વત ઉપલેટાથી 10 કિમી. અને ધોરાજીથી 21 કિમી. નૈર્ઋત્યે આવેલ છે. ઓસમની ટોચે જૂના કિલ્લાના અવશેષો તથા ત્રણ તળાવો છે. ટોચ ઉપર ખત્રીઓની કુળદેવી માત્રી માતાનું મંદિર છે. અગાઉ માત્રી માતાને નરબલિ અપાતો હતો અને વનવાસ ભોગવતા પાંડવો આ મંદિરનાં દર્શને આવ્યા હતા એમ કહેવાય છે. શ્રાવણ માસની અમાસને દિવસે અહીં મેળા ભરાય છે. ખત્રી જ્ઞાતિના લોકોના કજિયાની અહીં પતાવટ થતી હતી. રાવ ટીંબો તરીકે ઓળખાતા સ્થળે જૂનાગઢના ઉજા રા’નું આરામગૃહ હતું. પર્વત ઉપર વનસ્પતિ નથી. ઓસમની ટેકરીઓ તૃતીય જીવયુગ(tertiary period)ની શરૂઆતમાં થયેલાં લાવાનાં પ્રસ્ફુટનો દ્વારા ઍસિડિક બંધારણવાળા રહાયોલાઇટ (Rhyolite) અને ફેલ્સાઇટ (Felsite) જેવાં જ્વાળામુખી ખડકોથી બનેલી છે.
શિવપ્રસાદ રાજગોર