અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને કાવ્યસંગ્રહને ઉષ્માભર્યો આવકાર મળેલો. સંગ્રહમાં બાવીસ ગીતો છે; જેમાં ‘અગ્નિવીણા’, ‘ધૂમકેતુ’, ‘વિદ્રોહી’, ‘પ્રલયોલ્લાસ’, ‘કોરબાની’ આદિ ગીતો ઘેર ઘેર ગવાતાં હતાં. ઓજસભરી વાણી, ભાવોચિત પદાવલિ, સચોટ ઉપમાવલિ તેમજ વર્ણ અને લયના માધુર્યને લીધે એમનાં કાવ્યો મર્મસ્પર્શી બન્યાં છે. ‘ધૂમકેતુ’ કાવ્ય એક પત્રિકામાં છપાયેલું. તે પરથી બ્રિટિશ સરકારને એ ગીતમાં રાજ્યદ્રોહની ગંધ આવેલી અને એમની ધરપકડ થયેલી તેમજ એમને એક વર્ષની જેલની સજા થયેલી. આને કારણે એમની પ્રતિષ્ઠા ખૂબ વધી ગયેલી. એમનાં કાવ્યોમાં એક તરફ ‘રક્તાંબરધારિણી’માં ભારતમાતાની પ્રશસ્તિ છે, તો બીજી તરફ ‘મોહરમ’ પર પણ કાવ્ય છે. આ ગીતોએ એમને ‘વિદ્રોહી’ કવિનું બિરુદ અપાવ્યું. ‘અગ્નિવીણા’ નામ એમણે ટાગોરના ગીતમાંથી પસંદ કરેલું.
ચન્દ્રકાન્ત મહેતા