ઇન્દ્રજવ (કડો)
January, 2002
ઇન્દ્રજવ (કડો) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holarrhena antidysenterica (Linn.) Wall. syn. Wrightia antidysenterica Wall. (સં. કુટજ; હિં. કુર્ચી, કુશ; બં. કુડચી; મ. કુડા, કરૈયા; ક. કોડશિંગે, કોડમુરક; તા. વેપ્પાલે; તે. કોડિશચટ્ટુ, કરજમુ; મલ. વેનપાલા) છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદાં, રૂંછાળો દૂધેલો, સપ્તપર્ણી અને સર્પગંધા છે. તે ઇન્દ્ર જેવા ગુણરૂપી ઐશ્વર્યવાળો અને યવ (જવ) જેવાં બીજ ધરાવતો હોવાથી તેને ‘ઇન્દ્રજવ’ કહે છે.
તે પર્ણપાતી (deciduous), ક્ષીરધર (laticiferous), ક્ષુપ કે 9.0 મી.થી 12.0 મી. ઊંચું અને 1.2મી. સુધીનાં ઘેરાવાવાળું થડ ધરાવતું નાનું વૃક્ષ છે. તેનું થડ 3.0 મી.થી 6.0 મી. ઊંચું હોય છે. ભારતમાં 1200મી.ની ઊંચાઈ સુધી લગભગ બધે જ થાય છે અને ઘણી વાર પર્ણપાતી જંગલોમાં અને ખુલ્લી ઊસરભૂમિ(waste land)માં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. તે ઉપ-હિમાલયી (sub-Himalayan) વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં થાય છે. ઇન્દ્રજવની ધોળી અને કાળી – એમ બંને જાતો ગુજરાતમાં બાલારામથી તારંગા, શામળાજી, પાવાગઢ, ડાંગ અને ગીરનાં જંગલોમાં થાય છે. માઉન્ટ આબુ તેનાં વૃક્ષોથી ભરેલું છે. તેની છાલ ખરબચડી, આછી બદામી કે ભૂખરી, આડીઅવળી તિરાડો ધરાવતી અને કડવી હોય છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અત્યંત ટૂંકા પર્ણદંડવાળાં ઘેરાં લીલાં અને ચળકાટ વિનાનાં ઉપવલયી (elliptic) અથવા અંડાકાર-લંબચોરસ (ovate-oblong), 10-30 સેમી. x 5-12 સેમી. અને ઝિલ્લીમય (membranous) હોય છે. પુષ્પો સફેદ, સુગંધરહિત અને અગ્રસ્થ (terminal), પરિમિત (cyme), સમશીખ મંજરી (corymbose)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્રપત્રો પાંચ અને રૂંછાળાં, અને દલપત્રો પાંચ, યુક્ત અને દીપકાકાર (salverform) હોય છે. દલપુંજનલિકા(corolla tube)ના કંઠપ્રદેશે પાંચ પુંકેસરો જોવા મળે છે; જેમનાં પરાગાશયો બાણાકાર હોય છે. બીજાશય દ્વિમુક્તસ્ત્રીકેસરી અને ઊર્ધ્વસ્થ અને પરાગાસન (stigma) જાડું હોય છે. ફળ એકસ્ફોટી (follicle) યુગ્મ, નળાકાર, ઉપર-નીચે ચોંટેલી ચોળીની શિંગો જેવું, સીધું, 15 સેમી.થી 45 સેમી. લાંબું અને 0.5 સેમી.થી 1.0 સેમી. વ્યાસવાળું અને સામાન્ય રીતે સફેદ ટપકાં ધરાવતું હોય છે. બીજ આછાં બદામી અને 0.75 સેમી.થી 1.25 સેમી. લાંબાં હોય છે અને એક છેડે બદામી રંગનો ફુમતાદાર રોમગુચ્છ (coma) ધરાવે છે. આ રોમગુચ્છ 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબો હોય છે.
ઊસરભૂમિનું પુનરાચ્છાદન (reclothing) કરવા માટે આ જાતિ અત્યંત મહત્વની છે. તે સૌથી પ્રથમ ઊગી નીકળતી જાતિઓ પૈકીની એક છે અને વનનાશ (deforestation) સમયે સૌથી છેલ્લી વિલુપ્ત થતી જાતિ છે. તે જંગલમાં ઊગતા સાલ(Shorea robusta)ના તરુણ રોપો જેવી વધારે અગત્યની જાતિઓ માટે પોષક (nurse) તરીકે કાર્ય કરે છે. પર્ણો ફૂટે તે પૂર્વે વસંતઋતુમાં તે સુંદર પુષ્પો ધારણ કરે છે; તેથી શોભન-વનસ્પતિ તરીકે પણ તેને ઉગાડવામાં આવે છે. સપ્ટેમ્બર-નવેમ્બરમાં બીજી વાર તેને ફૂલ આવતાં હોય છે.
જ્યાં છાયાવાળું મહત્તમ તાપમાન 40o સે.થી 47o સે. અને લઘુતમ -1.1o સે.થી 13o સે. રહેતું હોય અને વાર્ષિક વરસાદ 75 સેમી.થી 375 સેમી. જેટલો થતો હોય ત્યાં નૈસર્ગિક રીતે તે ઊગે છે. હિમસંવેદી હોવા છતાં તેની પુન:પ્રાપ્તિ (recovery) ઝડપથી થાય છે. તે ખુલ્લા પ્રકાશમાં સૌથી સારી રીતે થઈ શકે છે અને શુષ્કતાસહિષ્ણુ (drought-hardy) છે. તે ઝાડી-વન(coppice)માં ઝડપથી પરિણમે છે. આગ દ્વારા તીવ્રપણે દાઝ્યા પછી પણ તેના પ્રરોહ સહેલાઈથી ફૂટે છે. તે પુષ્કળ પ્રમાણમાં મૂલ-અંત:ભૂસ્તારી (root-sucker) ઉત્પન્ન કરે છે.
પ્રકાંડ અને મૂળની છાલ મરડાના ઔષધ તરીકે ભારતમાં ઘણા લાંબા સમયથી વપરાય છે. તેનું ઔષધ-મૂલ્ય છાલમાં રહેલાં આલ્કેલૉઇડોની હાજરીને લીધે છે. ભારતીય ઇન્દ્રજવ(કુર્ચી)માં તેનું પ્રમાણ 0.22 %થી 4.2 % જેટલું (સરેરાશ 2.2 %) હોય છે. 8થી 12 વર્ષની વનસ્પતિમાં અને ચોમાસા (જુલાઈ-સપ્ટેમ્બર) પછી એકત્રિત કરેલી છાલમાં તે મહત્તમ હોય છે. તેના અન્ય ભાગોમાં આલ્કેલૉઇડનું પ્રમાણ આ મુજબ હોય છે : પ્રકાંડ 0.52 %, પર્ણો 0.97 %, પુષ્પો 0.55 % અને બીજ 1.825 %.
ઇન્દ્રજવનું મુખ્ય આલ્કેલૉઇડ કોનેસીન (0.4 %) છે. ઇન્દ્રજવમાં રહેલાં આલ્કેલૉઇડ સારણી 1માં આપેલ છે :
સારણી 1 : ઇન્દ્રજવનાં આલ્કેલૉઇડ
આલ્કેલૉઇડ | અણુસૂત્ર | ગલનબિંદુ (0સે.) |
કોનેસીન | C24H40N2 | 125 |
નૉર-કોનેસીન | C23H38N2 | – |
કોનેસીમીન | C23H38N2 | 100 |
આઇસો-કોનેસીમીન | C23H38N2 | 92 |
કુર્ચિન | C23H38N2 | 75 |
કોનીમીન | C22H36N2 | 133-135.5 |
કોનેમીન | C22H36N2 | 130
97.5-101.5 |
કોનેરહાઇમીન | C21H34N2 | – |
કોન્કુર્ચિન | C21H32N2 | 152-153 |
કોનેસીડિન | C22H34N2 | 123-125 |
ટ્રાઇમિથાઇલ કોન્કુર્ચિન | C24H38N2 | 125-128 |
હોલેરહાઇમીન | C21H36N2O | 183 |
હોલેરહેનીન | C24H36N2O | 197-98 |
હોલેરહાઇન | C20H38N2O3 | 240 |
હોલેરહેસિમીન | C22H36N2O | 160-164 |
લેટ્ટોસિન | C17H25NO2 | 350-352 |
કોનકુર્ચિનીન | C23H36N2 | 161 |
કુર્ચિસીન | C20H36N2O | 175 |
કોનેસીન અને તેનાં સંબંધિત આલ્કેલૉઇડ અમીબાનાશક (amoebicidal) ગુણધર્મો ધરાવે છે અને તેની ઇમેટિન સાથે તુલના કરવામાં આવે છે. શ્લેષ્મ(mucus)ની પતરીઓ(flakes)માં રહેલા Entamoeba histolytica પ્રકારનાં અમીબા ઇમેટિનની 1 : 200,000 માત્રાઓ અને કોનેસીનની 1 : 280,000 માત્રાઓ નાશ પામે છે. તે પ્રતિગુલિકીય (antitubercular) સક્રિયતા દાખવે છે. સસલાના બહાર કાઢેલા હૃદયમાં હૃદધમની(coronary)નો બહિર્ગામી (outflowing) રુધિરનો પ્રવાહ તે ઝડપી બનાવે છે. તે દેડકામાં મૂર્છા પ્રેરે છે અને ગિની પીગમાં સ્થાનિક નિશ્ચેતક (anaesthetic) તરીકે કાર્ય કરે છે. આલ્કેલૉઇડ ઉપરાંત ઇન્દ્રજવમાં ગુંદર 9.56 %, રેઝિન 0.2 % અને ટૅનિન 1.14 % હોય છે.
આયુર્વેદ અનુસાર ઇન્દ્રજવના બે પ્રકારો છે : (1) કાળો ઇન્દ્રજવ (Wrightia tinctoria અને W. tomentosa અને (2) ધોળો ઇન્દ્રજવ (Holorrhena antidysenterica). કાળા ઇન્દ્રજવનાં વૃક્ષ ધોળા ઇન્દ્રજવ કરતાં મોટાં હોય છે. તેનાં પર્ણો ધોળા ઇન્દ્રજવનાં પર્ણો કરતાં કંઈક કાળાં અને નાનાં હોય છે. તેની શિંગ ધોળા ઇન્દ્રજવની શિંગ કરતાં બેગણી લાંબી હોય છે. કાળો ઇન્દ્રજવ વધારે ઉષ્ણ હોવાથી ધોળા ઇન્દ્રજવ કરતાં ગુણમાં ઊતરતો છે. ધોળો ઇન્દ્રજવ કડવો, તીખો, ઉષ્ણ, અગ્નિદીપક, પાચક, તૂરો, રુક્ષ અને ગ્રાહક હોય છે અને રક્તદોષ, કોઢ, અતિસાર, પિત્તાર્શ, કફ, તૃષા, કૃમિ, જ્વર, આમ અને દાહનો નાશ કરે છે. તેનો ઉપયોગ કૃમિ, અતિસાર, પથરી, ફુરસાનું વિષ, કમળી, સર્વ વિષ, જીર્ણજ્વર, નળ ફૂલ્યા હોય તો, કાનમાં પરુ વહે છે તે ઉપર, લૂ, મૃત્રકૃચ્છ્ર, પરિણામશૂળ (પેટશૂળનો એક ભેદ) અને બાળકના કૉલેરામાં, વાતશૂળ અને ઢોરના કુંદરોગમાં તથા સંગ્રહણી, પાંડુરોગ, વાતજ્વર, શોફોદર, સર્વાતિસાર, વાતગુલ્મ, વાયુ, ક્ષય અને કંડૂ(ખરજ)માં થાય છે. કુડાપાક કુટજાષ્ટકાવલેહ, કુટજારિષ્ટ, કુટજઘનવટી, યવાદિચૂર્ણ વગેરેમાં ઇન્દ્રજવ મુખ્ય ઘટક છે.
બીજના ગુણ છાલ જેવા જ હોય છે. પર્ણો દીર્ઘકાલીન શ્વસનીશોથ (chronic bronchitis), ગૂમડાં (boils) અને વ્રણ(ulcers)માં ઉપયોગી છે. પર્ણોમાંથી ગળી જેવો રંગ પ્રાપ્ત થાય છે.
પ્રથમ વાર ખુલ્લું થતું કાષ્ઠ સફેદ હોય છે અને સમય જતાં તે પીળાશ પડતા રંગનું બને છે. અંત:કાષ્ઠ સ્પષ્ટ હોતું નથી. કાષ્ઠ સુરેખ અને સંકુલિત કણયુક્ત (close-grained), સૂક્ષ્મ અને સમ-ગઠિત (even-textured), મધ્યમસરનું મૃદુ અને હલકું (વિ. ગુ. 0.55, વજન 560 કિગ્રા./ઘમી.) હોય છે. કાષ્ઠનું સંશોષણ (seasoning) સહેલાઈથી થઈ શકે છે. પાટડાનું વાયુસંશોષણ સપાટી ઉપર પડતી તિરાડોમાં ઘટાડો કરે છે. કિલ્ન સંશોષણ કાષ્ઠના રંગમાં સુધારો કરે છે અને કીટકોના આક્રમણને ઘટાડે છે. કાષ્ઠ પ્રમાણસરનું ટકાઉ છે. તેના ઉપર કરવતકામ અને યંત્રકામ સરળતાથી થઈ શકે છે. તે ખરાદીકામ (turnery) અને કોતરકામ માટે શ્રેષ્ઠ ગણાય છે.
તેનું કાષ્ઠ નાની વસ્તુઓ જેવી કે કાંસકા, ચિત્રની ફ્રેમ, કોતરેલી પેટી, રમકડાં, ચમચા, પ્યાલા, બૉબિન, ચાલવાની લાકડી, હૂકા, બૂટની એડી, કૉટન-રિલ, છાપવા માટેના બ્લૉક અને હળ વગેરે બનાવવામાં ઉપયોગી છે. તેમાંથી કેટલીક વાર રાચરચીલું પણ બનાવવામાં આવે છે. કાષ્ઠની ભસ્મમાં પોટાશ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ