ઇન્દ્ર (વૈદિક દેવતા) : ઋગ્વેદનાં સૌથી વધારે સૂક્તોમાં પ્રશસ્ત અંતરીક્ષસ્થાનીય મુખ્ય દેવતા. સમસ્ત સંસારના સાર્વભૌમ સમ્રાટ એવા ઇન્દ્ર એટલે પ્રચંડ શારીરિક શક્તિ અને વિશ્વ-આધિપત્યનું વૈદિક પ્રતીક. મેઘ-જળ, પ્રકાશ-કિરણો કે વસંત-ઉષ્મા જેવાં અભીષ્ટ તત્વોને પોતાની માયાશક્તિથી નિરુદ્ધ કરનાર વૃત્રને ત્વષ્ટા-નિર્મિત વજ્ર વડે હણીને ઇન્દ્રે એ જીવનોપયોગી તત્વો સર્વસુલભ બનાવ્યાં એ એમના સૌથી મહત્વકના પરાક્રમે એમને वृत्रहन् એવું આગવું બિરુદ સંપડાવ્યું. યુદ્ધના આ દેવતાએ વૃત્ર જેવા અસંખ્ય વેદનિંદક શત્રુઓનાં આસુરી આક્રમણો સામે આર્યોને સંરક્ષણ આપ્યું. જન્મીને તરત જ માતાના દૂધને બદલે તમતમતો સોમરસ આકંઠ પીનાર ઇન્દ્રને યુદ્ધોમાં પ્રેરણા આપનાર સોમ હોવાથી તે सोमपा કહેવાયા.

मधवन्, शतऋतु, रथेष्ठा, पुरभिद्, वज्रबाहु, मरुत्वत् જેવાં કેટલાંક અર્થસૂચક વિશેષણો પામનાર ઇન્દ્રના અપ્રતિમ મહિમાને આવો અપૂર્વ પ્રશસ્તિ-અર્ઘ્ય આપ્યો છે :

न त्वावां अन्यो दिव्यो पार्थिवो न जांतो न जनिष्यते ।

(7, 32, 23)

અને એક સમગ્ર સૂક્ત – (2, 12)માં ઇન્દ્રના અજોડ સામર્થ્યને વર્ણવીને, ધ્રુવપંક્તિમાં માનવો સમક્ષ તેનો ગૌરવોચ્ચાર આમ કરાયો છે :

स जनास इन्द्रः ।

ઉત્તર કાળમાં ત્રિદેવના બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો મહિમા વધતાં ઇન્દ્રનું સ્થાન કેવળ દિક્પાલ તરીકે રહ્યું. ઇન્દ્રદેવ એ Electro Magnetic Powerનું પ્રતીક મનાય છે.

ઇન્દ્રને લગતી અનેક કથાઓ પુરાણોમાં અપાઈ છે. ઇન્દ્રનાં નામ પણ અનેક છે – મહેન્દ્ર, શક્રધનુ, ઋભુક્ષુ, અર્હ, દત્તેય, વજ્રપાણિ, મેઘવાહન, દેવપતિ, ઉલૂક, સ્વર્ગપતિ, જિષ્ણુ, મરુસ્વાન, ઉગ્રધન્વા, પુરન્દર વગેરે. તેનું વાહન ઐરાવત, અસ્ત્ર – વજ્ર, સ્ત્રી – શચી, પુત્ર – જયંત, નગરી – અમરાવતી, વન – નન્દન, ઘોડો –ઉચ્ચૈઃ શ્રવા અને સારથિ – માતલિ છે. વૃત્રાસૂર, બલિરાજા અને વિરોચન તેના મુખ્ય શત્રુઓ છે. ઇન્દ્ર જ્યેષ્ઠ નક્ષત્ર અને પૂર્વ દિશાનો સ્વામી છે.

જયાનંદ દવે