યુદ્ધ-અપરાધ : યુદ્ધને લગતાં આંતરરાષ્ટ્રીય કાયદા તથા પ્રણાલિકાનું સૈનિકો અથવા નાગરિકો દ્વારા યુદ્ધકાળ દરમિયાન થતું ઉલ્લંઘન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં યુદ્ધ-અપરાધોની વ્યાખ્યા સચોટ પણ મર્યાદિત બાબતોને આવરી લે તેવી હતી. તે વ્યાખ્યામાં યુદ્ધને લગતા પ્રવર્તમાન કાયદાઓનો ભંગ અને તેની સાથોસાથ યુદ્ધના માન્ય રીતરિવાજોના ભંગનો જ માત્ર સમાવેશ કરવામાં આવતો હતો. આ અંગેનો નિર્દેશ 1907ના હેગ આંતરરાષ્ટ્રીય સંમેલનના ઠરાવો(conventions)માં અને 1949ના જિનીવા સંમેલનની સમજૂતીઓમાં સાંપડે છે; પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની અને જાપાન સામે અનુક્રમે ન્યૂરેમ્બર્ગ અને ટોકિયો ખાતે ચલાવવામાં આવેલા ખટલાઓ દ્વારા યુદ્ધ-અપરાધોનો ખ્યાલ અને તેની વ્યાખ્યા વિસ્તારવામાં આવ્યાં અને તે મુજબ હવે યુદ્ધ-અપરાધોમાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તે આ મુજબ છે : (1) સશસ્ત્ર આક્રમણ દ્વારા શાંતિનો ભંગ; (2) જાતિસંહાર દ્વારા માનવતા સામે થતાં દુષ્કૃત્યો; (3) યુદ્ધ ફાટી નીકળ્યું ન હોય છતાં સંઘર્ષ કે શત્રુભાવની સ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે લાગુ પડતા નિયમોનો ભંગ (violations of the rules of conduct of hostilities); (4) નાગરિકો તથા યુદ્ધબંદીઓ સાથે દુર્વ્યવહારનાં કૃત્યો અને (5) શત્રુના પ્રદેશો પોતાના હસ્તક લેતી વેળાએ આચરવામાં આવેલ હિંસા. વ્યાપક અર્થમાં કહીએ તો યુદ્ધ દરમિયાન આચરવામાં આવતા ગુનાઓ, ક્રૂરતાનાં કૃત્યો, ત્રાસ ગુજારવાના હેતુથી કરવામાં આવતાં કૃત્યો – આ બધાંનો હવે યુદ્ધ-અપરાધોમાં સમાવેશ કરવામાં આવે છે.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પૂરું થયા બાદ વર્સાઈની સંધિ (Treaty of Versailles) દ્વારા પરાજિત રાષ્ટ્ર જર્મનીને 900 જેટલા યુદ્ધ-અપરાધીઓને સોંપી દેવાનો આદેશ આપવામાં આવેલો, જેથી તેમની સામે વિજેતા રાષ્ટ્રો દ્વારા ગઠિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કામ ચલાવી શકાય; પરંતુ જર્મનીએ પોતે જ યુદ્ધ-અપરાધીઓ સામે કામ ચલાવવાની ગોઠવણ કરી હતી. જોકે તેમાં માત્ર 13 અપરાધીઓ સામે જ કામ ચલાવવામાં આવેલું અને તેમાંથી જેમને સજા ફટકારવામાં આવી હતી તેમને પણ તદ્દન હળવી ગણાય એવી સજા કરવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મિત્રરાષ્ટ્રોએ લંડન ખાતે રાષ્ટ્રસંઘના નેજા હેઠળ એક ‘યુદ્ધ-અપરાધ પંચ’ (U.N. War Crime Commission) નીમ્યું હતું, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા અપરાધો અંગેના પુરાવા ભેગા કર્યા હતા તથા તે અપરાધો સાથે સંબંધ ધરાવતા યુદ્ધ-અપરાધીઓની યાદી પણ તૈયાર કરી હતી. આ યુદ્ધની સમાપ્તિ બાદ જર્મનીના ન્યૂરેમ્બર્ગ ખાતે તથા જાપાનના ટોકિયો ખાતે ક્રમશ: જર્મની અને જાપાનના લશ્કરી અધિકારીઓ સામે ખટલા ચલાવવામાં આવ્યા હતા. આ બંને ખટલાઓમાં બે મુખ્ય યુદ્ધ-ગુનાઓને કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યું હતું : (1) પ્રદેશો પાદાક્રાંત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં સંડોવાયેલા યુદ્ધ-ગુનેગારો, (2) યુદ્ધની આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા યુદ્ધ-ગુનેગારો.
1945–50ના ગાળામાં મિત્રરાષ્ટ્રોએ યુરોપ અને મધ્યપૂર્વ દેશોમાં ઘણા યુદ્ધ-ગુનેગારો સામે ખટલા ચલાવ્યા હતા. આ ઉપરાંત, જે પ્રદેશો શત્રુપક્ષ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા તે પ્રદેશોની સરકારે પણ પોતપોતાના વિસ્તારમાં યુદ્ધ-ગુનેગારો પર કેસ ચલાવ્યા હતા. પશ્ચિમ જર્મનીમાં તો આવા ખટલા છેક 1980 સુધી ચાલુ રહ્યા હતા.
જર્મનીમાં ઍડોલ્ફ હિટલરના શાસનકાળ દરમિયાન યહૂદીઓને લાખોની સંખ્યામાં સામૂહિક ત્રાસ-છાવણીઓ(concentration camps)માં ધકેલી દઈને તેમના ઉપર સામૂહિક ત્રાસ ગુજારવાના ગુનામાં સંડોવાયેલો નાઝી અધિકારી ઍડોલ્ફ આઇકમેન ઇઝરાયલની છૂપી પોલીસના હાથમાં આર્જેન્ટીનામાં ઝડપાઈ ગયો હતો. છેક 1960માં તેના પર ઇઝરાયલના તેલ-અવિવ નગરમાં યુદ્ધ-ગુનેગારીનો ખટલો ચલાવવામાં આવ્યો હતો અને તેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.
કોરિયન યુદ્ધ (1950–53) બાદ અમેરિકાએ ઉત્તર કોરિયા અને ચીન સામે યુદ્ધ-ગુનેગારીના આક્ષેપો કર્યા હતા, પરંતુ કોઈના ઉપર કામ ચલાવવામાં આવ્યું ન હતું. જોકે રાષ્ટ્રસંઘે 1953માં આવા ગુનાઓ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
વિયેટનામ યુદ્ધ(1965–73)માં બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધ-અપરાધોના આક્ષેપો કર્યા હતા; દા.ત., અમેરિકાએ ઉત્તર વિયેટનામ પર જિનીવા-ઠરાવો(Geneva conventions)નું ઉલ્લંઘન કરવાના તથા તેના દ્વારા યુદ્ધબંદીઓ, ઘવાયેલા સૈનિકો અને સામાન્ય નાગરિકો સાથે અમાનવીય વ્યવહાર થયાના આક્ષેપો કર્યા હતા. 1969માં એવી વાત બહાર આવી કે અમેરિકાની લશ્કરી ટુકડીઓએ માર્ચ 1968માં ઉત્તર વિયેટનામના માયલાઇ નામક ગામડામાં સેંકડો નાગરિકોની હત્યા કરી તેમના મૃતદેહોને અજ્ઞાત કબરોમાં દાટી દીધા. આ બીના બહાર આવ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અમેરિકાના લશ્કરના કેટલાક અધિકારીઓ સામે કામ ચલાવવામાં આવેલું, જેમાંથી માત્ર એક અધિકારી લેફ્ટનન્ટ વિલિયમ કેલી જુનિયરને શિક્ષા ફટકારવામાં આવી હતી.
તે પૂર્વે 1947માં રાષ્ટ્રસંઘે એક આંતરરાષ્ટ્રીય કાયદાપંચ(International Law Commission)ની નિમણૂક કરી હતી અને તેને યુદ્ધ-અપરાધો સમેત માનવતા-વિરોધી ગુનાઓના સંહિતાકરણની જવાબદારી સોંપી હતી. ઉપર્યુક્ત પંચે ‘ડ્રાફ્ટ કોડ ઑન ઑફિસર્સ અગેન્સ્ટ પીસ ઍન્ડ સિક્યુરિટી ઑવ્ મેનકાઇન્ડ’ શીર્ષક હેઠળ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો, પરંતુ હજુ સુધી રાષ્ટ્રસંઘે તેના પર પોતાની સ્વીકૃતિની મહોર મારી નથી. આ સંજોગોમાં 1907ના હેગ ક્ન્વેન્શનમાં તથા 1949ના જિનીવા કન્વેન્શનમાં યુદ્ધ-અપરાધો વિશે જે જોગવાઈઓ છે તેના પર આધાર રાખવો પડે તેમ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે