યુદ્ધ : સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે મહદ્અંશે રાજકીય હેતુ માટે વિશાળ ફલક પર ખેલાતો સામાન્ય રીતે સશસ્ત્ર સંઘર્ષ. રાજદ્વારી નીતિના અંતિમ સાધન તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ શત્રુનો નાશ કરી નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે. પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદાં જુદાં પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષો થતા હતા, જેમાંથી કેટલાક સંઘર્ષો લાંબા સમય સુધી ચાલતા અને તે વ્યાપક પ્રમાણમાં યુદ્ધનું સ્વરૂપ ધારણ કરતા હતા. પ્રાચીન કાળનાં યુદ્ધો પ્રતિસ્પર્ધી લશ્કર વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષ પૂરતા જ મર્યાદિત રહેતાં, પરંતુ અર્વાચીન યુગમાં સશસ્ત્ર સેનાઓ ઉપરાંત યુદ્ધોમાં નાગરિકોની ભાગીદારીનું પ્રમાણ વધતું રહ્યું છે.

જમીન પરથી જમીન પર પ્રહાર કરી શકે તેવું મિસાઇલ

યુદ્ધો ફાટી નીકળવા માટે પરસ્પર સંકળાયેલાં તથા ક્યારેક એકબીજાંમાં ભળી જતાં (overlapping) અનેક કારણો જવાબદાર હોય છે. પૃથ્વી પર જીવતાં બધાં જ પ્રાણીઓમાં જીવવા માટેની પ્રબળ ઇચ્છા (જિજીવિષા) હોય છે, જે મનુષ્યમાં પણ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. અતિ પ્રાચીન કાળમાં કેટલાંક યુદ્ધો માત્ર તેમાંથી (the law of survival) જન્મ્યા હોય તેના પુરાવા સાંપડે છે. પરંતુ ત્યારપછીનાં યુદ્ધોનાં કારણોનું વિશ્લેષણ કરતાં તે માટેનાં જે કારણો તરી આવે છે તે છે : (1) નવા પ્રદેશો પાદાક્રાંત કરવા, (2) ધનની પ્રાપ્તિ, (3) રાજકીય કે આર્થિક સત્તાનું વિસ્તરણ, (4) આત્મરક્ષા (self-defence), (5) પરસ્પરના વૈચારિક મતભેદો પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે યુદ્ધ દ્વારા તેનું નિરાકરણ કરવાની ખેવના, (6) આર્થિક મંદીના ગાળા દરમિયાન દેશમાં રોજગારીની તકો વધારવા માટે યુદ્ધના બહાના હેઠળ લશ્કરનું વિસ્તરણ, (7) રાષ્ટ્રો અને રાજકીય નેતાઓ વચ્ચેનો અહમ્.

યુદ્ધો અંગેનો અત્યાર સુધીનો માનવજાતિનો અનુભવ સિદ્ધ કરે છે કે યુદ્ધ દ્વારા કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ થઈ શકતું નથી, ઊલટાનું યુદ્ધનો આશ્રય લેવાને કારણે મૂળ સમસ્યાઓનું નિરાકરણ વધુ ગૂંચવાતું હોય છે. એટલું જ નહિ, પરંતુ અદ્યતન શસ્ત્રાસ્ત્રોના ઉપયોગને લીધે જાનમાલની ખુવારીનો આંક દિવસે દિવસે વધતો જાય છે. દા.ત., પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન એક કરોડ માણસો મૃત્યુ પામ્યા હતા અને આશરે બે કરોડ જેટલા

ઍટમબૉમ્બ

ઘવાયા હતા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં મૃત્યુનો આંક આશરે પાંચ કરોડ પાંસઠ લાખનો હતો, જેમાંથી બે કરોડ માણસો માત્ર એક જ દેશના – સોવિયત સંઘના – હતા. ઉપરાંત યુરોપની મુખ્ય ભૂમિ પરના છ કરોડ નાગરિકો નિરાશ્રિત બન્યા હતા. કોરિયાના યુદ્ધે (1950–53) 2,54,246 માણસોનો ભોગ લીધો હતો, જ્યારે વિયેટનામના યુદ્ધ(1962–75)માં અમેરિકા, દક્ષિણ વિયેટનામ, ઉત્તર વિયેટનામના સૈનિકો અને નાગરિકોની ખુવારીની કુલ સંખ્યા આશરે પચીસ લાખ બાવીસ હજાર જેટલી થાય છે. અત્યાર સુધીનાં ભારત–પાકિસ્તાન વચ્ચેનાં બે યુદ્ધો(1965, 1971)માં કુલ દસ લાખ ત્રીસ હજાર માણસોની ખુવારી થઈ હતી.

યુદ્ધવિમાન (બૉમ્બર)

અણુબૉમ્બના આવિષ્કાર (1945) પછી યુદ્ધક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે જોતાં ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો તે એટલું ભયાનક થશે કે યુદ્ધ પછી જીત્યા કોણ અને હાર્યા કોણ તેનો નિર્ણય કરવા જેટલા પણ માનવીઓ આ પૃથ્વીપટ પર બાકી રહેશે નહિ એવો ભય સેવાઈ રહ્યો છે. તેથી હવે તો વિશ્વની મહાસત્તાઓ પણ યુદ્ધ ટાળવાના પ્રયાસમાં સક્રિય બની છે, એવું દેખાય છે. અદ્યતન યુદ્ધોની ભયંકર વિનાશકતા એ જ મોટાં યુદ્ધ કે વિશ્વયુદ્ધો ટાળવા માટેનું કારણ બની ગઈ છે, જોકે તે જ વિનાશકતા નાનાં યુદ્ધોને અત્રતત્ર પ્રોત્સાહન આપી રહી છે, એ એક ભયંકર વિરોધાભાસ ગણાય.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે