યુ–ચી (યુએ–ચી) : ચીનના કાનસૂ પ્રાંતની વાયવ્યે વસતી એક પ્રાચીન પ્રજા, જેની એક શાખા કુષાણ ઉત્તર ભારત પર શાસન કરતી હતી. યુએ–ચીઓ લડાયક મિજાજના હતા. તેઓ યુ–ચી, યુઇશિ, ઉષિ વગેરે નામે પણ ઓળખાતા હતા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેમને ઋષિક કહ્યા છે. ફળદ્રૂપ પ્રદેશની શોધમાં તથા અન્ય લોકો સાથેના સંઘર્ષને લીધે તેઓ સ્થળાંતર કરતા હતા. હૂણ લોકોએ યુ–ચીના કાનસૂ પ્રાંત પર હુમલો કરીને યુ–ચીને હરાવીને સ્થળાંતર કરવાની ફરજ પાડી (ઈ. પૂ. 176). તેઓ આન શાન (તિએન-ચાન) પર્વતમાળાની દક્ષિણ-પશ્ચિમે ગયા તથા ત્યાંથી ઈ.પૂ. 165ના અરસામાં ઈલિ નદીના પ્રદેશમાં પહોંચ્યા. ત્યાં વુ–સુન જાતિને હરાવીને ખસેડી. યુ–ચી લોકો યોગ્ય વસવાટની શોધમાં પશ્ચિમ તરફ ઇસિક કૉલ સરોવરની આગળ નીકળી ગયા. તેમાંના થોડા લોકોએ દક્ષિણમાં તિબેટની સરહદે વસવાટ કર્યો. તેઓ લિટલ યુ–ચી કહેવાયા. તેમની મુખ્ય શાખા તા–યુ–ચી અથવા ગ્રેટ યુ–ચીએ પશ્ચિમ તરફ પ્રયાણ કરીને સિર દર્યાના કિનારા સુધી ગયા. તેમણે ત્યાં રહેતા શક લોકોને હરાવ્યા, ત્યાંથી આમુ દર્યા તરફ ગયા અને બૅક્ટ્રિયામાં વસવાટ કર્યો. પ્રાચીન સોગ્દિયાના એટલે કે આધુનિક બોખારામાં તેમણે તેમના પાટનગરની સ્થાપના કરી. તેમનું રાજ્ય પછીથી પાંચ અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયું. તેમાંનું એક કુઈ–શુઆંગ અથવા કુષાણનું હતું.

કુષાણ કુળના કુજુલ કડફિસિસે અફઘાનિસ્તાન અને સિંધુ નદીના કેટલાક પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી તેના ઉત્તરાધિકારી વીમ કડફિસિસે (આશરે ઈ. સ. 65–78) સિંધુ નદીની પૂર્વ તરફ કુષાણોની સત્તા ફેલાવી હતી. તેના સોનાના તથા ચાંદીના સિક્કા કાબુલથી વારાણસી સુધીના પ્રદેશમાંથી મળી આવ્યા છે. કુષાણ વંશનો સૌથી મહાન તથા પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલો (ઈ. સ. 78–102) હતો. તેના પછી વસિષ્ક, હવિષ્ક, કનિષ્ક બીજો વગેરે કુષાણ વંશના રાજાઓ થઈ ગયા.

મોહન વ. મેઘાણી