ઇન્ડિયા કાઉન્સિલ (1858-1935) : હિંદી વજીર અર્થાત્ સેક્રેટરી ઑવ્ સ્ટેટની સલાહકાર સમિતિ. 1858ના કાયદા મુજબ હિંદી વજીર(સેક્રેટરી ઑવ્ સ્ટેટ)ને સલાહ આપવા માટે 15 સભ્યોની એક કાઉન્સિલ સ્થાપવામાં આવી હતી. તેના આઠ સભ્યો બ્રિટિશ સરકારે તથા બાકીના સાત સભ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક-મંડળે નીમવાની જોગવાઈ હતી. તેમાંથી 50 ટકાથી વધારે સભ્યો ભારતમાં ઓછામાં ઓછાં 10 વર્ષ રહ્યાની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને તેમણે ભારત છોડ્યાને 10 વર્ષ કરતાં વધારે સમય થયો હોવો ન જોઈએ એવી શરત હતી. આ કાઉન્સિલનો પ્રમુખ હિંદી વજીર હતો. કાઉન્સિલ તેને સલાહ આપી શકે, પરન્તુ તે સ્વીકારવા તે બંધાયેલ નહોતો. કાઉન્સિલની સલાહ ન સ્વીકારવાનાં તેણે કારણો આપવાં પડતાં. કાઉન્સિલના દરેક સભ્યને ભારતની તિજોરીમાંથી વાર્ષિક 1200 પાઉન્ડ પગાર મળતો. કાઉન્સિલની બેઠક દર અઠવાડિયે બોલાવવામાં આવતી. બેઠકમાં કોઈ બાબત પર સરખા મત પડે તો હિંદી વજીર પોતાનો વધારાનો મત આપી શકતો.
ભારતના મહેસૂલને લગતા નિયમો, ભારતના ગવર્નર જનરલ, તેની કાઉન્સિલના સભ્યો, ગવર્નરો તથા પ્રાંતોના ઍડ્વોકેટ જનરલની નિમણૂક, તેમની બદલીઓ, યુદ્ધ કે સંધિ વગેરે માટેના નિર્ણયો કાઉન્સિલની બહુમતીથી કરવામાં આવતા. તેમનો અમલ કરતાં અગાઉ પાર્લમેન્ટની સંમતિ લેવી આવશ્યક હતી. કાઉન્સિલના સભ્યો દસ વર્ષની સેવા બાદ નિવૃત્ત થતા અને તેમને વાર્ષિક 500 પાઉન્ડનું વર્ષાસન આપવામાં આવતું.
1935ના હિંદની સરકારના કાયદા મુજબ ઇન્ડિયા કાઉન્સિલનું વિસર્જન કરવામાં આવ્યું અને તેના સ્થાને હિન્દી વજીરને સલાહ આપવા વાસ્તે ત્રણથી છ સભ્યોનું એક સલાહકાર મંડળ સ્થાપવામાં આવ્યું. આ સલાહકારોની સલાહ વ્યક્તિગત રીતે કે સામૂહિક રીતે લેવામાં આવતી હતી. તેમના હોદ્દાની મુદત પાંચ વર્ષની રાખવામાં આવી હતી. આ સલાહકારોના પગાર બ્રિટિશ તિજોરીમાંથી આપવાનું ઠરાવાયું હતું.
રમણલાલ ક. ધારૈયા