ઇન્ડિયા ટુડે : ભારતમાં સૌથી વધારે ફેલાવો ધરાવતું અંગ્રેજી સાપ્તાહિક સમાચારપત્ર. તે હિન્દી ભાષામાં પણ પ્રગટ થાય છે. સ્થાપના દિલ્હીમાં 15 ડિસેમ્બર 1975ના દિવસે થઈ. તેનાં કદ તથા દેખાવ અમેરિકાના ‘ટાઇમ’ વૃત્તસાપ્તાહિકને અનુસરતાં રાખવામાં આવેલ છે. કિનારે રાતો પટો, ઉપર મધ્યે મોટા અક્ષરે પત્રનું નામ તથા પ્રમુખ સમાચારનું ચિત્ર અને અન્ય મહત્વના સમાચારોનો નિર્દેશ – તેનું આવરણ વાચકના મનને તુરત પ્રભાવિત કરે એવું હોય છે. ઊંચી જાતના આર્ટ કાગળ પર સુઘડ રંગીન છપાઈ અને દુર્લભ કહી શકાય એવી છબિઓ એની વિશેષતા છે. સમાચાર-ક્ષેત્રે તેણે પ્રચલિત વૃત્તસંસ્થાઓની પદ્ધતિઓ ત્યાગી આગવી શૈલી વિકસાવી. દેશ, પરદેશ, રાજ્યો, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, અર્થકારણ, રાજકારણ, મનોરંજન  આદિ ક્ષેત્રોની સ્વાભાવિક ગતિવિધિ ઉપરાંત વિશેષ ઘટનાઓની વિશ્લેષણાત્મક, ઊંડાણવાળી અને અન્યત્ર મળે નહિ તેવી માહિતી આપવા માંડી. આ કાર્ય માટે તેણે પોતાની સંવાદદાતાની તથા છબિકારોની ટુકડીઓ તૈયાર કરી. પ્રારંભનાં વર્ષોમાં રઘુ રાય (જ. 1943) જેવા વૃત્તછબિકાર તેના ચિત્રસંપાદક રહ્યા. અરુણ પુરી (જ. 1944) સ્થાપનાકાળથી આ પત્રના પ્રમુખ તંત્રી રહ્યા છે. પક્ષાપક્ષીમાં પડ્યા વિના સ્વતંત્ર રીતે સમાચારોને સમગ્રતયા પ્રસ્તુત કરવામાં પત્ર સફળ રહ્યું છે. વિવાદપ્રેરક પ્રશ્ન વિવિધ પક્ષોનાં ર્દષ્ટિબિંદુઓને સમતુલાપૂર્વક સ્થાન અપાયું છે. આ નીતિને કારણે પત્ર લોકપ્રિય થયું. તેનો ફેલાવો ઉત્તરોત્તર વધતો રહી 2011માં તે આશરે 11,00,000 થયો. હિંદી આવૃત્તિનો ફેલાવો 11,37,000 પર પહોંચ્યો. તેલુગુ આદિ અન્ય ભારતી ભાષાઓમાં પ્રાદેશિક આવૃત્તિઓ કાઢવાની નીતિ અનુસાર હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાળમ ભાષાની આવૃત્તિઓ કાઢી છે.

‘ઇન્ડિયા ટુડે’(ગુજરાતી આવૃત્તિ)ના એક અંકનું મુખપૃષ્ઠ

‘ઇન્ડિયા ટુડે’(ગુજરાતી આવૃત્તિ)ના એક અંકનું મુખપૃષ્ઠ

અમદાવાદથી એ જ અંગ્રેજી નામે ગુજરાતી આવૃત્તિ 5 ઑક્ટોબર 1992ના દિવસે પ્રકાશિત કરાઈ. તેનાં રૂપરંગ અંગ્રેજી આવૃત્તિ જેવાં જ રખાયાં. સમાચાર-પ્રવાહમાં ગુજરાત તથા ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રખાયાં. મૂલ્ય પણ પોસાય તેવું રખાયું. પણ, દૈનિકોથી ટેવાયેલી ગુજરાતી પ્રજા સાપ્તાહિક પત્રને સ્વીકારવા તૈયાર થઈ નહિ. કમ્પ્યૂટર તથા સંચારની સગવડો વધતાં ર્દશ્યવૃત્તપત્ર(video-magazine)ની સંભાવના જોઈ ઇન્ડિયા ટૂ-ડેના પ્રકાશકોએ ન્યૂસટ્રૅક નામે ટીવીના પડદા પર જોઈ શકાય તેવી સમાચારોની ર્દશ્ય કેસેટોનું પ્રકાશન પણ આરંભેલું. ‘ઇન્ડિયા ટુડે’ ઘણાં ક્ષેત્રોમાં વ્યાપેલું મીડિયા પ્લૅટફૉર્મ છે. ઇન્ડિયા ટુડે ગ્રૂપનાં 36 સામયિકો, 7 રેડિયો સ્ટેશન અને ચાર ટેલિવિઝન ચૅનલો ચાલે છે. આ ઉપરાંત મલ્ટીપલ વેબ, મોબાઇલ પોર્ટલ્સ, મલ્ટીબ્રાન્ડ મૅગેઝિન, રિટેઇલ ચેઇન અને બીજાં અનેક માધ્યમલક્ષી કાર્યો કરે છે. તે ઈ-રીડર દ્વારા વ્યાપક જનસમૂહ સુધી પહોંચે છે. તે વિવિધ માધ્યમો દ્વારા દેશના આશરે પાંચ કરોડ લોકો સુધી પોતાના વિચારો અને અભિપ્રાય પહોંચાડે છે.

મહેશ ઠાકર

બંસીધર શુક્લ