યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન

January, 2003

યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : યુવતીઓના શારીરિક, સામાજિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો હેતુ ધરાવતી વિશ્વની સૌથી જૂની સંસ્થા. 1855માં લંડનમાં યુવતીઓના એક જૂથે પ્રેયર યુનિયનની સ્થાપના કરી હતી. એ સમય દરમિયાન એમા રૉબર્ટ્સની આગેવાની હેઠળ કેટલીક સ્ત્રીઓએ ક્રિમિયાના યુદ્ધ(1853–56)માંથી પાછી આવેલી નર્સો માટે રહેઠાણની વ્યવસ્થા કરવા એક મંડળ સ્થાપ્યું. આ મંડળે ખ્રિસ્તી ગૃહો સ્થાપ્યાં. 1877માં આ બંને સંસ્થાઓ જોડાઈ ગઈ અને યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન નામ રાખ્યું. આ સંસ્થાનું બંધારણ 1884માં ઘડવામાં આવ્યું.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂયૉર્ક શહેરમાં 1858માં 35 સ્ત્રીઓએ સ્ત્રીઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે પ્રથમ લેડીઝ ક્રિશ્ચિયન ઍસોસિયેશન સ્થાપ્યું. બૉસ્ટન(મૅસેચૂસેટ્સ)માં 1866માં બીજા એક જૂથે એવા જ હેતુઓ માટે સ્ત્રીઓની સંસ્થા યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશનની સ્થાપના કરી. ઔદ્યોગિક શહેરોમાં આ ચળવળ ઝડપથી વિકસી. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1900 સુધીમાં આવી અનેક સંસ્થાઓ સ્થપાઈ હતી. તેનું એક રાષ્ટ્રીય સંગઠન 1906માં સ્થાપવામાં આવ્યું.

1894માં વર્લ્ડ યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન સ્થાપવામાં આવ્યું. તેનું મુખ્ય મથક જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં છે. 80થી વધુ દેશોમાં આ સંસ્થાનાં 25 લાખથી વધારે સભ્યો છે. આ સંગઠનમાં 23,000 કર્મચારી-સભ્યો છે અને 1,60,000 સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવાઓ આપે છે. આ સંસ્થા બાળસંભાળ-કેન્દ્રો અને વિવિધ વિષયોના વર્ગો ચલાવે છે, ચર્ચાસભાઓ યોજે છે, આરોગ્યશિક્ષણ આપે છે, સ્ત્રીઓને નોકરીઓ અપાવે છે તથા માર્ગદર્શન અને સલાહકેન્દ્રો પણ ચલાવે છે. આ સંસ્થાએ ઔદ્યોગિક શહેરોમાં કામ કરતી એકલી સ્ત્રીઓને રહેઠાણની વ્યવસ્થા આપી. તે પછી કૉલેજોના પરિસરમાં પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વધુ ક્રિયાશીલ બની હતી.

જયકુમાર ર. શુક્લ