યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો : ઇટાલિયન ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964, રંગીન. ભાષા : ઇટાલિયન. નિર્માતા : કાર્લો પૉન્ટી. દિગ્દર્શક : વિટ્ટોરિયો દ સિકા. પટકથા : એડ્વર્ડો દ ફિલિપો, ઇસાબેલા ક્વેરેન્ટોટી, સીઝર ઝાવાટ્ટીની અને બિલ્લા બિલ્લા ઝાનુસો. છબિકલા : ગિસેપ્પી, રોટુન્નો. સંગીત : અર્માન્ડો ટ્રોવાજોલી. કલાનિર્દેશન : એઝિયો ફ્રિગેરિયો. મુખ્ય કલાકારો : સોફિયા લૉરેન, માર્સેલો માસ્ટ્રોઇયાન્ની, આલ્ડો ગ્યુફર, ઑગોસ્ટિનો સાલ્વેટ્ટી, સિલ્વિયા મૉનેલી, ટિના પાઇકા.
શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કર ઍવૉર્ડ મેળવનાર આ ચિત્રમાં ત્રણ કથાઓનું સંયોજન કરીને ખ્યાતનામ દિગ્દર્શક વિટ્ટોરિયા દ સિકાએ તત્કાલીન ઇટાલીના સમાજના ત્રણ જુદા જુદા સ્તરનું નિરૂપણ કર્યું છે. સિકા, સોફિયા લૉરેન અને માર્સેલો માસ્ટ્રોઇયાન્નીની ત્રિપુટીએ જે કેટલાંક યાદગાર ચિત્રો આપ્યાં છે, તેમાં હળવી શૈલીના આ ચિત્રનો પણ સમાવેશ થાય છે. સોફિયા લૉરેનની ગણના વિશ્વની અતિ ખૂબસૂરત અભિનેત્રીઓમાં થાય છે. પણ વિવેચકો કહે છે કે આ ચિત્રમાં સોફિયા લૉરેનનું સૌન્દર્ય જે રીતે પડદા પર રજૂ કરાયું છે, તેવું બીજા કોઈ ચિત્રમાં બની શક્યું નથી.
ચિત્રમાં નિરૂપાયેલી જુદી જુદી ત્રણેય કથાઓમાં મુખ્ય પાત્રો સોફિયા અને માર્સેલોએ ભજવ્યાં છે. ત્રણેય કથા ઇટાલીનાં ત્રણ ઐતિહાસિક શહેરો નેપલ્સ, મિલાન અને રોમમાં આકાર લે છે. નેપલ્સમાં સોફિયા ગરીબ એડેલિના બની છે, જે પોતાનું અને પોતાના બેરોજગાર પતિનું ગુજરાન ચલાવવા સિગારેટ અને અન્ય પ્રતિબંધિત ચીજો વેચતાં અવારનવાર પકડાતી રહે છે. એક દિવસ તેનો પતિ એવું જાણી લાવે છે કે ઇટાલિયન કાયદા મુજબ સ્ત્રીની સગર્ભાવસ્થા પૂરી થયાના છ માસ સુધી તેને જેલની સજા આપી શકાય નહિ. તે પછી બંને એવું આયોજન કરે છે કે સોફિયા વચ્ચેનો થોડો થોડો સમય બાદ કરતાં સતત સગર્ભા જ હોય. મિલાનમાં આકાર લેતી બીજી કથામાં સોફિયા ઉચ્ચ વર્ગની પરિણીતા અન્ના બને છે. તેની મનગમતી કન્વર્ટિબલ કારનો જ્યારે તેનો યુવાન પ્રેમી અકસ્માત કરી બેસે છે ત્યારે તેના ક્રોધનો કોઈ પાર નથી રહેતો. જ્યારે ત્રીજી કથામાં સોફિયા રોમની એક વેશ્યા બને છે. પાદરી બનવાની ખ્વાહેશ ધરાવતો એક યુવાન તેની પાસે જ્યારે આવી ચઢે છે અને સોફિયાને ખબર પડે છે કે તે પતનના માર્ગે જઈ રહ્યો છે, ત્યારે તે તેને સાચા માર્ગે વાળવા પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરે છે. તે દરમિયાન તેના એક શ્રેષ્ઠ કાયમી ગ્રાહક(માર્સેલો માસ્ટ્રોઇયાન્ની)નું દિલ દુભાવે છે. સતત અભાવો વચ્ચે રહીને સંઘર્ષ કરતી ગરીબ મહિલા, સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતી શ્રીમંત મહિલા અને કુખ્યાત વેશ્યા – આ ત્રણેય પાત્રો દ્વારા દિગ્દર્શકે તત્કાલીન ઇટાલિયન સમાજનાં ત્રણ પાસાં આ ચિત્રમાં હળવી શૈલીમાં રજૂ કર્યાં છે.
હરસુખ થાનકી