યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી)

January, 2003

યશોદા રેડ્ડી, પખાલા (શ્રીમતી) (જ. 8 ઑગસ્ટ 1929, બિજિનાપલ્લી, જિ. મહેબૂબનગર, આંધ્રપ્રદેશ) : તેલુગુનાં વિદુષી. તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુમાં અને સંસ્કૃતમાં એમ.એ. અને પીએચ.ડી. થયાં. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ડી. લિટ્.ની ડિગ્રી પણ મેળવી.

ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુ વિભાગનાં પ્રાધ્યાપિકા તરીકે નિવૃત્તિ પર્યંત કાર્ય કર્યું. 1990–93 દરમિયાન તેમણે રાજભાષાનાં અધ્યક્ષા તરીકે સફળ કામગીરી કરી. વળી આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમી, સંગીત નાટક અકાદમી વગેરેનાં તેઓ સભ્ય રહી ચૂક્યાં છે.

તેમણે 22 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચીરુગજ્જેલુ’ (1953 : બાલનાટકો); ‘અમર જીવાલુ’ (1968 : ચરિત્ર); ‘એરાપ્રગદા’ (1972); ‘પારિજાતપાહરણ પર્યલોચનમ્સ’ (1973) અને ‘ભારતમુલો સ્ત્રી’ (1989); ‘કથાચરિત્ર’ (1990 : વિવેચનો); ‘મૌરિમુચ્છલુ’ (1973); ‘ઉગદી ઉપ્પલા’ (1995); ‘ભૂવિકોચ’ (1996 : ગદ્યકાવ્યો); ‘ભારતીય ચિત્રકલા’ (નિબંધસંગ્રહ) અને ‘આંધ્ર સાહિત્ય વિકાસમ્’ ભા. 1, (1974) ઉલ્લેખનીય છે.

તેમણે ઘણી હિંદી અને અંગ્રેજી કૃતિઓને તેલુગુમાં અનૂદિત કરી છે. તેમણે સંખ્યાબંધ રેડિયોનાટકો પણ લખ્યાં છે.

તેમણે અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને ઇંગ્લૅડનો પ્રવાસ ખેડ્યો છે અને વિશ્વ સંસ્કૃત પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમને 1990માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત ઘણા ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા