ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1892 : ભારતમાં ધારાસમિતિઓને વિસ્તૃત કરતો અને ધારાસભ્યોને ચૂંટણી સહિતના વધુ અધિકારો આપતો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની માગણી, સર જ્યૉર્જ ચેઝનીની સમિતિની ભલામણો તથા બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય ચાર્લ્સ બ્રેડલોના પ્રયાસોથી બ્રિટિશ પાર્લમેન્ટે 1892નો ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ પસાર કર્યો. તે મુજબ ગવર્નર જનરલની ધારાસમિતિમાં ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 16 સભ્યો ઉમેરવામાં આવ્યા; પરંતુ તેમાં સરકારી સભ્યોની બહુમતી જાળવી રાખવામાં આવી. વધારાના 10 સભ્યોની નિમણૂક ગવર્નર જનરલ આ પ્રમાણે કરે એમ એમાં ઠરાવવામાં આવ્યું : (ક) જુદા જુદા વર્ગો તથા સ્થાપિત હિતોને પ્રતિનિધિત્વ આપવા પાંચ સભ્યો, (ખ) ચાર પ્રાંતોની ધારાસભાએ ચૂંટેલા એક એક પ્રતિનિધિ, (ગ) કૉલકાતા ચેમ્બર ઑવ્ કૉમર્સના એક પ્રતિનિધિ. આમ કૉંગ્રેસની માગણી ધ્યાનમાં લઈને ચૂંટણીનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો, પરન્તુ ચૂંટણી પરોક્ષ હતી અને ચૂંટાયેલા સભ્યોની પણ નિમણૂક કરવી આવશ્યક હતી. મુંબઈ અને મદ્રાસ પ્રાંતની દરેક ધારાસભામાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 20 સભ્યો ઉમેરવામાં આવ્યા. બંગાળ પ્રાંતના સભ્યોની મહત્તમ સંખ્યા 20 અને વાયવ્ય સરહદ પ્રાંત અને અવધની મહત્તમ સંખ્યા 15 સભ્યોની નક્કી કરવામાં આવી. પ્રાંતોમાં પણ સરકારી સભ્યોની બહુમતી જાળવી રાખવામાં આવી. પ્રાંતોમાં પણ પરોક્ષ ચૂંટણીનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો. સુધરાઈઓ, યુનિવર્સિટીઓ અને વેપારી મંડળો ચૂંટાયેલા સભ્યોનાં નામ મોકલે અને ગવર્નર તેમની નિમણૂક કરે એવી જોગવાઈ કરવામાં આવી હતી. કેન્દ્રીય અને પ્રાંતોની ધારાસભાઓમાં સભ્યોને જાહેર હિતની બાબતો પર સરકારને પ્રશ્નો પૂછવાનો તથા કેટલીક મર્યાદાઓ અને નિયમોને અધીન રહીને વાર્ષિક અંદાજપત્ર પર ચર્ચા કરવાનો અધિકાર આપવામાં આવ્યો. આ બંધારણીય સુધારા 31 વર્ષ જેટલા લાંબા સમય પછી મળ્યા હતા, પરન્તુ લોકોની આકાંક્ષાઓને તે સંતોષી શક્યા નહિ; છતાં ગોપાળ કૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનરજી, રાસબિહારી ઘોષ, ફિરોજશાહ મહેતા, આશુતોષ મુખરજી જેવા નામાંકિત ભારતીયોએ ધારાસભાઓમાં બેસી તેમના જ્ઞાન, શાણપણ, વક્તૃત્વ, બુદ્ધિ વગેરેનો દેશને અમૂલ્ય લાભ આપ્યો હતો.
રમણલાલ ક. ધારૈયા