ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861
January, 2002
ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861 : ભારતમાં બ્રિટિશ સરકારના માળખામાં પરિવર્તન લાવતો અને ભારતીયોના ધારાસભાના અધિકારોને લગતો કાયદો. ભારતમાંની કંપની સરકારના અંત બાદ બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું. તે પછી દેશના કાયદા ઘડવાના કાર્યમાં ભારતીયોનો સહકાર મેળવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ કાયદા મુજબ ગવર્નર જનરલની કારોબારી સમિતિ પાંચ સભ્યોની કરવામાં આવી. કારોબારી સમિતિના સભ્યોને અલગ ખાતાં ફાળવી આપવાની સત્તા ગવર્નર જનરલને આપવામાં આવી. કાયદા ઘડવા માટે, કારોબારી સમિતિના સભ્યો ઉપરાંત ગવર્નર જનરલ ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 12 સભ્યો નીમીને ધારાસમિતિની રચના કરે એમ નક્કી થયું. તેમાંના ઓછામાં ઓછા 50 ટકા સભ્યો બિનસરકારી (non-official) હોવા જોઈએ અને તેઓ બે વર્ષ સુધી તે હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ કરવામાં આવી. ધારાસમિતિનું કાર્યક્ષેત્ર ધારા ઘડવા પૂરતું મર્યાદિત રહેશે, ગવર્નર જનરલ ધારાસમિતિની બેઠક બોલાવશે અને તેનું પ્રમુખપદ સંભાળશે અને જરૂર પડ્યે પોતાનો વધારાનો મત (casting vote) આપી શકશે તેવું ઠરાવવામાં આવ્યું. પસાર કરેલા કાયદાને માટે ગવર્નર જનરલની મંજૂરી આવશ્યક લેખવામાં આવેલી. વળી સરકારનું જાહેર દેવું, સરકારની આવક, ધાર્મિક બાબતો, લશ્કર અને નૌકાદળને લગતી બાબતો, દેશના રાજાઓ તથા વિદેશો સાથેના સરકારના સંબંધો વગેરે વિશે ગવર્નર જનરલની પૂર્વપરવાનગી વિના આ સમિતિમાં ચર્ચા કરી શકાતી નહોતી. હિંદી વજીર અથવા તાજ કોઈ પણ કાયદાને નામંજૂર કરી શકે – એવી પણ સ્પષ્ટતા એ ઍક્ટમાં હતી. વળી એ ઍક્ટમાં અન્ય જોગવાઈઓ આ પ્રમાણેની કરી હતી : મુંબઈ અને મદ્રાસ પ્રાંતના ગવર્નરો પોતાની કારોબારી સમિતિના સભ્યો ઉપરાંત ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે 8 સભ્યો પોતાની ધારાસમિતિમાં નીમી શકે. આ વધારાના સભ્યોમાંના ઓછામાં ઓછા 50 ટકા સભ્યો બિનસરકારી હોવા જરૂરી છે. તે સભ્યો પોતાના પ્રાંતને લગતા કાયદા ઘડવામાં ભાગ લઈ શકે. ધારાસમિતિના વધારાના સભ્યોની મુદત બે વર્ષની રાખવામાં આવે. ગવર્નર કારોબારી સમિતિ અને ધારાસમિતિનું પ્રમુખપદ સંભાળે. ગવર્નર વધારાનો મત આપી શકે અને દરેક ઠરાવને ગવર્નરની મંજૂરી મળે એ જરૂરી છે. ગવર્નર કોઈ પણ ઠરાવને નામંજૂર કરી શકે અથવા ગવર્નર જનરલની વિશેષ વિચારણા માટે તેને મોકૂફ પણ રાખી શકે.
આ કાયદા દ્વારા ગવર્નર જનરલને નવા પ્રાંતો રચવાની તથા લેફટેનન્ટ ગવર્નરો નીમવાની સત્તા આપવામાં આવી. આ કાયદાથી બિનસરકારી ભારતીયોને સૌપ્રથમ વાર ધારાસમિતિઓમાં સ્થાન મળ્યું. પ્રાંતોને પણ ધારાસમિતિઓ આપીને તેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું. આ કાયદાથી ભારતીયોને ધારાસમિતિમાં સામેલ કરવાની પ્રથામાં ઉત્તરોત્તર વધારો થયો. ભારતીય ધારાસભ્યોની સંખ્યા અને તેમના અધિકારો ભવિષ્યમાં ક્રમશ: વિસ્તૃત થયા. આ ધારાએ કેન્દ્ર-સરકાર અને પ્રાંતોની સરકારોનું વહીવટી માળખું નક્કી કર્યું, જે 1947 સુધી આવશ્યક સુધારા સહિત જળવાઈ રહ્યું.
રમણલાલ ક. ધારૈયા