આદિમતાવાદ (સાહિત્ય) : માનવચિત્તનું એક વિલક્ષણ પ્રવર્તન. જે સાહિત્યમાં તે પ્રગટ થાય તે સાહિત્યને આદિમતાવાદી સાહિત્ય કહી શકાય. પશ્ચિમમાં તો છેક અઢારમી સદીથી સાહિત્ય અને કલામાં આદિમતાવાદનું નિરૂપણ અને વિચારણા થતાં આવ્યાં છે. જે. જે. રૂસોએ નિસર્ગમાનવની વિભાવના દ્વારા સંસ્કૃતિસર્જિત અનિષ્ટોનો વિરોધ શરૂ કર્યો, એથી એને ‘ફ્રેન્ચ આદિમતાવાદના પિતા’નું બિરુદ અપાયું છે. પ્રાચીન ગ્રીસનું ‘ઉમદા અરણ્યવાસી’(Noble Savage)નું પુરાકલ્પન પણ નૈસર્ગિક જીવન જીવતા, શુદ્ધ, સાદા, અસંકુલ અને વિધિનિષેધોના જટાજૂટ વગરના માનવી માટે પ્રયોજાયેલું છે તે પણ ‘આદિમતાવાદ’ સંજ્ઞાને યોગ્ય છે. જેમ્સ ફેનિમર કૂપરની નવલકથા ‘ધ પાયોનિયર’માં આવતું નેટ્ટી બમ્પોનું પાત્ર આવા સંસ્કૃતિથી અદૂષિત નિસર્ગમાનવની કલ્પનાને મૂર્ત કરે છે. વૉલ્ટેર, નિત્શે અને શેક્સપિયરનાં કેટલાંક પાત્રો પણ આ નિસર્ગમાનવનાં સગોત્ર છે. બીજી બાજુ ફ્રાન્ક કરમોડ, કૅપ્ટન જૉન સ્મિથ અને અન્ય લેખકો નિસર્ગમાનવને દગાબાજ, અમાનુષી, હિંસક અને બીજા અનેક દુર્ગુણોથી ભરેલો ગણાવે છે. આમ કલ્પના અને દસ્તાવેજના આદિમાનવો વિરોધી ગુણલક્ષણોવાળી છબીઓ ઉપસાવે છે. માઇકલ બેલે આદિમતાના વિવિધ ઉન્મેષોનું સાર્થક્ય પોતાની ‘પ્રિમિટિવિઝમ’ પુસ્તિકામાં દર્શાવ્યું છે, જેમાં દેવતાવાદ, જીવવાદ (animism), કુદરત પરત્વેના શ્રદ્ધામૂલક પ્રતિભાવો આદિમ વિધિઓ, વિધિવિધાનો (rituals), સંસ્કૃતિનાં નિયંત્રણોમાંથી મુક્તિ મેળવી સ્વૈર અવસ્થાની ઝંખના સેવનાર નૅચરલ મૅન, નોબલ સૅવેજ યા નિત્શેકથિત ‘બ્લૉન્ડ બીસ્ટ’ની આરાધના, પ્રાકસંસ્કૃતિ આવેગો, પુરાકલ્પ(myth)ના સંદર્ભો, ભલાભોળા નિષ્કપટ જીવનની ઇચ્છા, માત્ર સંવેદનાનું શાસન, ઉદ્દામ જાતીય આવેગની અનુભૂતિ અને તેની એવી જ ઉદ્દામ અભિવ્યક્તિ, પ્રતીક રચતી મનની સ્થિતિ, મૃત્યુવિષયક અનુભૂતિ આમ અનેકાનેક ઉન્મેષોનું ‘આદિમતાવાદ’ સંજ્ઞા હેઠળ સંયોજન થયેલું છે. તેથી જ એક વિવેચકે ‘આદિમતાવાદ’ સંજ્ઞાને ‘બ્લૅન્ક ચેક’ તરીકે રમૂજમાં ઓળખાવી છે. વિવિધ ઉન્મેષો ધરાવતી કૃતિઓમાં પશ્ચિમમાં ડી. એચ. લૉરેન્સ, હરમન મેલવિલ ને જેમ્સ ફેનિમર કૂપરની કેટલીક કૃતિઓનો અને ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ, ધૂમકેતુ, દર્શક, જયન્ત પાઠક, નિરંજન ભગત, સુરેશ જોષી, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, સિતાંશુ યશશ્ર્ચન્દ્ર, યશવંત ત્રિવેદી, ગુલામ મોહમ્મદ શેખ, ચિનુ મોદી, મધુ રાય ઇત્યાદિની અમુક કૃતિઓનો સમાવેશ કરેલો છે.
વિજય શાસ્ત્રી