આદર્શવાદ (idealism) : અમૂર્ત અને અભિધારણાત્મકને બદલે દૃશ્ય જગતની પાર રહેલ મૂર્ત અને વાસ્તવિકમાં નિસબત ધરાવતો સિદ્ધાંત; વિશ્વસંઘટનમાં પદાર્થો અને ગતિઓને વજૂદ આપતો તેમજ મન સહિતની સર્વ ઘટનાઓને ભૌતિક માધ્યમ સાથે જોડતો ભૌતિકવાદ કે પૂર્વનિશ્ચિત સંપ્રત્યયથી મુક્ત એવી વિગતોને યથાતથા તટસ્થતાથી નિરૂપતો પ્રકૃતિવાદ – આ સર્વથી વિરુદ્ધ આદર્શવાદ એવી માન્યતામાં રસ ધરાવે છે કે સાચું વાસ્તવ દૃશ્ય જગતની પાર રહ્યું છે. આંતરિક ચેતના કે તર્કબુદ્ધિ એ જ માત્ર એક જ્ઞેય વસ્તુ છે. આનો અર્થ એ થયો કે આદર્શવાદ ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થતા પદાર્થો કરતાં પદાર્થો વચ્ચેના અમૂર્ત સંબંધને વધુ વાસ્તવિક ગણે છે. આદર્શવાદનો, ચિત્ત કે ચેતનાના સંદર્ભમાં જ ચરમ વાસ્તવને પામી શકાય છે એવો તર્ક વિશ્વ કે બ્રહ્માંડને ચેતનાનો જ આવિષ્કાર કે એની જ અભિવ્યક્તિ ગણવા પ્રેરે છે.
આદર્શવાદના મૂળમાં ગ્રીક શબ્દ idea છે, જેનો અર્થ થાય છે સંપ્રત્યય. સંપ્રત્યય પ્રત્યક્ષ જગત કરતાં એની પાછળ રહેલી પરોક્ષ વિભાવના તરફના આગ્રહને પ્રગટ કરે છે. વળી આદર્શવાદના મૂળમાં idealને પણ જોઈ શકાય છે, જેનો અર્થ થાય છે ઉત્તમ, અનુસરવા જેવું, પ્રતિમાન બનવાને લાયક. એટલે કે વાસ્તવમાં જેની શક્યતા ન હોય એની અભિધારણા કરી શકાય છે. ટૂંકમાં આદર્શવાદ અમૂર્ત સંપ્રત્યયને બળે વાસ્તવજગતમાં શક્ય ન હોય એવાં પ્રતિમાનો રચી જગતની પરિપૂર્તિ કરી શકે છે.
ભારતીય પરંપરામાં ‘મહાભારત’ અને ‘રામાયણ’ અનુક્રમે વાસ્તવવાદ અને આદર્શવાદના નમૂના છે. ‘મહાભારત’ મનુષ્યનું જેવું છે તેવું જીવન રજૂ કરે છે, જ્યારે ‘રામાયણ’ મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એનું મનુષ્યોના સંબંધોના ઉત્કર્ષ દ્વારા ઉત્તર સંભાવ્ય પ્રતિમાન પૂરું પાડે છે. ભારતીય પરંપરામાં આદર્શવાદનો ઈશ્વરવાદ કે અધ્યાત્મવાદ સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે, અને એ સંબંધ છેક ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ સિદ્ધાન્તોના ‘બ્રહ્માનંદ- સહોદર’ જેવા સંપ્રત્યયમાં વિસ્તરતો જોઈ શકાય છે. ભારતીય નાટ્યપરંપરાએ પણ મનુષ્યની વાસ્તવિક કરુણ નિયતિને બાદ કરીને આદર્શીકૃત સુખદ અંતનો જ સ્વીકાર કર્યો છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યની સંવેદના સગુણ કે નિર્ગુણ મારફતે પરમ સત્તાના સ્વીકાર સાથે જોડાયેલી છે. તો વિશ્વસાહિત્યમાં પ્રશિષ્ટ ગણાયેલા સમર્થ સર્જકોની શાશ્વત માનવમૂલ્યો પરની શ્રદ્ધા પણ આદર્શવાદી છે.
આદર્શવાદી તત્વવિચારણામાં ભિન્ન ભિન્ન પદ્ધતિઓ છે. એટલે કે આદર્શવાદ ઘણા પ્રકારના છે. પણ આદર્શવાદની કેટલીક ઉપપત્તિઓ સર્વમાન્ય છે. સાર્વત્રિકનો સ્વીકાર, સ્થળ અને સમયનું અતિક્રમણ, વસ્તુઓ વચ્ચેના સંબંધ દ્વારા વસ્તુઓમાં પરિવર્તન, દ્વન્દ્વાત્મક અભિગમ અને પદાર્થજગત પર ચિત્તની સરસાઈ આ બધાં સહિત જુદા જુદા આદર્શવાદે પોતાની રીતે અંતિમ વાસ્તવને વ્યાખ્યાયિત કરવાનો ઉદ્યમ કર્યો છે. આમ છતાં, એમાં જ્ઞાનમીમાંસાકીય આદર્શવાદ અને તત્વમીમાંસાકીય આદર્શવાદ – એવાં બે મહત્વનાં સ્વરૂપો ઊપસી આવ્યાં છે.
જ્ઞાનમીમાંસાકીય આદર્શવાદ જ્યૉર્જ બર્કલી, ડેવિડ હ્યૂમ અને જે. એસ. મિલનાં લખાણોમાં સ્પષ્ટ છે. આ બધાની આધારશિલા જૉન લૉકની વિચારણામાં પડેલી છે. પ્રત્યક્ષ અંગેના પોતાના અભ્યાસ પરથી લૉકે તારવેલું કે કોઈ પણ ભૌતિક પદાર્થ સીધો અનુભવી શકાતો નથી. પદાર્થ અંગેની સંવેદના ચિત્ત પર પદાર્થે ઊભી કરેલી અસરોનું પરિણામ છે. પણ બર્કલી લૉકથી આગળ વધી જણાવે છે કે પ્રત્યક્ષ ચિત્તમાં જ છે. એ સૂત્ર ધરે છે કે ‘હોવું એટલે સંવેદાવું’ (To be is to be perceived). હ્યૂમ બર્કલીથી આગળ વધે છે અને સ્વીકારે છે કે બધું જ્ઞાન ઇન્દ્રિયસંવેદનથી આવે છે. માત્ર ભૌતિક પદાર્થ નહિ, આપણી જાત સુધ્ધાં અને ઈશ્વર પણ, અનુભવશ્રેણીરૂપ છે. જે કંઈ હયાતી ધરાવે છે તે આપણાં સંસ્કારો અને કલ્પનો છે. હ્યૂમમાં આત્મનિષ્ઠ આદર્શવાદ એના અંતિમ પર છે. તો વળી, દેકાર્ત અને લાઇબનિત્ઝનો ઇન્દ્રિયાનુભવ કરતાં તર્કબુદ્ધિ પરનો ભાર, જર્મન ફિલસૂફ કાન્ટમાં બંનેથી હટીને એના સંયોજનથી જન્મેલા પ્રાગનુભવ આદર્શવાદ પર ગયો છે. કાન્ટ પોતે એને સમીક્ષાત્મક આદર્શવાદની સંજ્ઞા આપવા વધુ ઉત્સુક છે. કાન્ટની દલીલ છે કે કેટલાંક વિશિષ્ટ સર્વસામાન્ય લક્ષણોને આધારે જ ચિત્ર અનુભવનો અર્થ કરી શકે છે. વિશિષ્ટ સર્વસામાન્ય લક્ષણોને આરોપીને જ વાસ્તવને ગમ્ય કરી શકાય.
બીજી બાજુ તત્વમીમાંસાકીય આદર્શવાદમાં બર્કલીના આત્મનિષ્ઠ અભિગમની સામે કાન્ટના 3 અનુયાયીઓનું વસ્તુનિષ્ઠ આદર્શવાદનું પ્રદાન મહત્વનું છે. એફ. ડબ્લ્યૂ. જે. શૅલિંગે સૌન્દર્યનિષ્ઠ આદર્શવાદ આપ્યો. જે. જી. ફિખ્ટેએ નૈતિક આદર્શવાદ આપ્યો અને જી. ડબ્લ્યૂ. એફ. હેગલે દ્વન્દ્વાત્મક આદર્શવાદ આપ્યો. હેગલનો દ્વન્દ્વાત્મક આદર્શવાદ ચરમ આદર્શવાદ તરીકે પ્રચલિત છે.
ચરમ આદર્શવાદનો મધ્યવર્તી સિદ્ધાન્ત એ છે કે ચિત્તની ઓળખ બાહ્ય જગતના સંદર્ભમાં ભૌતિક વાસ્તવ સાથેના મુકાબલામાં જ શક્ય છે. વળી, અનુભવની પ્રક્રિયા સાથે ઐતિહાસિક વિકાસ સંકળાયેલો છે. અનુભવની પ્રક્રિયા દ્વારા અપર્યાપ્ત પણ બૌદ્ધિક રીતે પ્રભુત્વ ધરાવતો સંપ્રત્યય ઘણી અસંગતિઓ જન્માવે છે અને પછી એ પોતાથી વિરુદ્ધના સંપ્રત્યય તરફ જાય છે. આ વિરુદ્ધનો સંપ્રત્યય પણ અસંગતિઓ જન્માવે છે. ઉપાય એ છે કે આ બે સંપ્રત્યયને ત્રીજા ઓછા અપર્યાપ્ત સંપ્રત્યયમાં સમન્વિત કરવામાં આવે. આવી દ્વન્દ્વાત્મક પ્રક્રિયા છેવટે પર્યાપ્ત સંપ્રત્યયમાં પરિણમે છે. આ દર્શાવે છે કે વાસ્તવનું આકલન સમગ્રતાથી જ થઈ શકે.
ચિત્ત અને જગત અંગેની અભિધારણાત્મક કોટિઓ પર ઊભેલા આદર્શવાદની તત્વવિચારણાએ ધર્મશાસ્ત્ર, સૌન્દર્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, નીતિશાસ્ત્રથી માંડીને વિવિધ ક્ષેત્રોમાં માનવજીવનની પ્રવૃત્તિઓનાં સ્વરૂપ અને એની રચનાઓની ક્ષમતાને સમજવામાં મૂલ્યવાન કામગીરી બજાવી છે. પ્લેટોથી માંડી આધુનિક તત્વવિચારની આદર્શવાદી પરંપરામાં જર્મન સંપ્રદાય ઉપરાંત બ્રિટિશ સંપ્રદાયના ટી. એચ. ગ્રીન, એફ. એચ. બ્રૅડલી, બર્નાર્ડ બોઝનકેટ, અમેરિકાના જોસિયા રૉયસ અને ઇટાલીના ક્રોચે તેમજ જેન્તિલનો ફાળો મોટો છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા