આત્માનંદ : ઋગ્વેદના એક ભાષ્યકાર (ચૌદમી સદી પહેલાં). ઋગ્વેદના સુપ્રસિદ્ધ અસ્ય વામીય સૂક્ત (ઋ. વે. 1-164) પર તેમનું ભાષ્ય પ્રાપ્ત થાય છે. સ્કંદ, ઉદગીથ, ભાસ્કર વગેરે ભાષ્યકારોનો તેઓ નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ સાયણાચાર્યનો ક્યાંય ઉલ્લેખ કરતા નથી. આથી વિદ્વાનો માને છે કે તેઓ સાયણાચાર્ય પહેલાં એટલે ઈ. સ.ની ચૌદમી સદી સુધીમાં થઈ ગયા હશે. સ્કંદ વગેરેનું ભાષ્ય અધિયજ્ઞવિષયક છે, નિરુક્તનું ભાષ્ય અધિદૈવતવિષયક છે પણ પોતાનું ભાષ્ય અધ્યાત્મવિષયક છે એમ તેમણે કહ્યું છે. આ બહુશ્રુત વિદ્વાનના એક સૂક્તના ભાષ્યમાં પણ લગભગ 100 જેટલા પૂર્વસૂરિઓનાં નામ કે કૃતિઓમાંથી ઉદ્ધરણો મળે છે. તેઓએ જે રીતે મંત્રોનો ‘આધ્યાત્મિક’ અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે તે માટે તેઓની પૂર્વે કોઈક પરંપરા સદીઓથી અસ્તિત્વ ધરાવતી હતી, તેમ તેમના નિર્દેશો પરથી જણાય છે. આ ભાષ્યનું પ્રકાશન ડૉ. કુન્હન રાજાએ 1956માં મદ્રાસથી કરેલું છે.
ગૌતમ પટેલ