આણંદસુંદરી : ઘનશ્યામ (જ. 1700; અ. 1750) નામના કવિએ લખેલું પ્રાકૃત સટ્ટક (નાટક). તે 4 અંકોની પ્રાકૃત ભાષામાં રચાયેલી નાટિકા છે. આ સટ્ટક 22 વર્ષની વયે કવિ ઘનશ્યામે રચ્યું છે. આરંભમાં નાંદી અને પ્રસ્તાવના બાદ પ્રથમ જવનિકાન્તરના મુખ્ય દૃશ્યમાં શિખંડચંદ્ર નામનો રાજા સિંધુદુર્ગના વિભંડક નામના રાજાએ ખંડણી ન આપતાં પોતાના પ્રધાન ડિંડિરકને સેના સાથે મોકલી ચડાઈ કરે છે. ત્યારબાદ અંગદેશના રાજા ચંડવેગની રાજકુમારી નાયિકા આણંદસુંદરી પિતાની આજ્ઞા મુજબ પુરુષવેશમાં પિંગલક એવું નામ રાખી કંચુકી મંદારક સાથે નાયક શિખંડચંદ્ર રાજા પાસે આવે છે. એ પછી આણંદસુંદરીના આગમન વિશે પારિજાત નામના કવિએ લખેલું નાટક રાજા શિખંડચંદ્ર જોવા ઇચ્છે છે અને ગર્ભનાટક તરીકે પારિજાત કવિનું નાટક રજૂ થાય છે. રાજા પ્રથમ દૃષ્ટિએ આણંદસુંદરીને જોઈને તેના તરફ આકર્ષાય છે.
દ્વિતીય જવનિકાન્તરમાં હેમવતી નામની દાસી દ્વારા પટરાણીને આણંદસુંદરીના ગુપ્ત આગમનની ખબર પડતાં તે આણંદસુંદરી અને કંચુકી બંનેને કેદ કરે છે. એના સમાચાર સાંભળી રાજા દુ:ખી થાય છે. ત્યાં જ પારિજાત કવિ આવીને રાજા શિખંડચંદ્ર, તેની રાજધાની શૃંખલાવતી અને તેના ડમરુક નામના મહેલની પ્રશંસાભરી કાવ્યરચનાઓ સંભળાવે છે. તેથી ખુશ થયેલો રાજા તેને માંગે તો રાજ્ય આપવા તૈયાર થાય છે પરંતુ પારિજાત કવિ પોતાની પાસે કવિતાનું મહાસામ્રાજ્ય છે એમ કહી કશું માંગવાની ના પાડે છે. એ પછી રાજા અને વિદૂષક વારાફરતી શ્લોકની લીટીઓ બોલી આણંદસુંદરીના શારીરિક સૌંદર્યનું વર્ણન કરે છે. તેથી રાજાનું વિરહનું દુ:ખ વધે છે.
તૃતીય જવનિકાન્તરમાં રાજા પટરાણીને ખુશ કરવાની વાત વિદૂષકને વિસ્તારથી કહી સંભળાવે છે અને રાજા સાથે આણંદસુંદરીનાં લગ્ન પટરાણી જાતે ત્યાં આવીને કરાવે છે તેમજ રાજમહેલમાં લગ્ન અને આનંદનું વાતાવરણ જામે છે.
ચતુર્થ જવનિકાન્તરમાં રાજા વિદૂષક સાથે આણંદસુંદરી ચક્રવર્તી પુત્રને જન્મ આપશે એ વિશે વાત કરે છે ત્યાં ડિંડિરક શત્રુરાજા વિભંડક પર વિજય મેળવીને પાછો ફરે છે. તેણે યુદ્ધ કરી મેળવેલા વિજય વિશે પારિજાત કવિએ રચેલું નાટક ગર્ભનાટક તરીકે રજૂ થાય છે. રાજા તે નાટક જોઈ ખુશ થઈને પોતાનું રાજ્ય પ્રધાન ડિંડિરકને સોંપવાની વાત કરે છે ત્યાં જ આણંદસુંદરી પોતાના પુત્ર સાથે હાજર થાય છે અને પટરાણી નવા જન્મેલા ચક્રવર્તી લક્ષણોવાળા રાજકુમારનું નામ ‘આનંદચંદ્ર’ પાડીને તેને પિતાના ખોળામાં મૂકે છે અને સટ્ટકનો સુખદ અંત આવે છે.
આ સટ્ટક પર ભટ્ટનાથ નામના મહારાષ્ટ્રી લેખકે સંસ્કૃતમાં ટીકા લખી છે. આ સટ્ટક પર નાટ્યકાર ભવભૂતિ અને રાજશેખરની ગાઢ અસર હોવા છતાં તેમાં થોડીક મૌલિકતા પણ ઘનશ્યામે બતાવી છે. તેની પ્રાકૃત ભાષા વ્યાકરણના નિયમોને આધારે લખાયેલી છે. બોલાતી પ્રાકૃત ભાષાનો રણકો તેમાં નથી. આમ છતાં અવનતિકાળનાં નાટકોમાં તેને એક સારું સટ્ટક ગણેલું છે.
નાટ્યકાર ઘનશ્યામના દાદાનું નામ ચૌંડાજી બાલાજી, પિતાનું નામ મહાદેવ, માતાનું નામ કાશી, મોટાભાઈનું નામ ઈશ (પાછળથી સંન્યાસી તરીકેનું નામ ચિદંબર યતિ), બેનનું નામ શાકંભરી, બે પત્નીઓનાં નામ સુંદરી અને કમલા, બે પુત્રોનાં નામ ચંદ્રશેખર અને ગોવર્ધન. તેઓ 29 વર્ષની વયે 1729માં તાંજોરના મરાઠા રાજા તુક્કોજીના પ્રધાન બની 1735 સુધી પ્રધાન રહ્યા હતા. તેમની બંને પત્નીઓ પણ વિદુષી હતી. બે પુત્રોમાં ગોવર્ધને ‘ઘટકર્પરકાવ્ય’ પર અને ચંદ્રશેખરે પિતાના ‘ડમરુક’ નામના નાટક પર ટીકા લખી છે. ઘનશ્યામને ‘મહારાષ્ટ્રચૂડામણિ’, ‘સર્વજ્ઞકવિ’, ‘સર્વભાષાકવિ’, ચૌંડાજી કવિ’, ‘વશ્યવચસ્’, ‘કવિકંઠીરવ’ વગેરે અનેક ઉપનામો અપાયાં છે.
12 વર્ષની વયથી શરૂ કરી છેક છેલ્લે સુધી ગ્રંથો રચી તેમણે સંસ્કૃતમાં 64, પ્રાકૃતમાં 20 અને પ્રાદેશિક ભાષાઓમાં 25 ગ્રંથો રચ્યા છે. એ ગ્રંથોમાં નાટકો, કાવ્યો, સુભાષિતસંગ્રહો, ચંપૂકાવ્યો, ટીકાઓ, વ્યાકરણ, અલંકાર, તત્વજ્ઞાન વગેરેના શાસ્ત્રગ્રંથોનો સમાવેશ થાય છે. તેઓ 7 ભાષાના જાણકાર હતા અને 7 ભાષાઓમાં તેમણે ગ્રંથો રચ્યા છે. તેમના ગ્રંથોમાં સંસ્કૃતમાં ‘ડમરુકનાટક’, પ્રાકૃતમાં ‘આણંદસુંદરીસટ્ટક’, ભવભૂતિના ‘ઉત્તરારામચરિત’ પર સંજીવની નામની ટીકા, રાજશેખરની ‘વિદ્ધશાલભંજિકા’ પર ‘પ્રાણપ્રતિષ્ઠા’ નામની ટીકા વગેરે પ્રકાશિત થયેલા છે. 12મા વર્ષે ‘ધાતુકોશ’, 18મા વર્ષે ‘રામાયણચંપૂ’, 20મા વર્ષે ‘મદનસંજીવન’ અને ‘કુમારવિજય’ જેવાં નાટકો અને 22મા વર્ષે ‘ડમરુક’ નામનું નાટક તેમણે લખ્યાં છે. વળી ‘વૈકુંઠચરિતનાટક’, ‘નવગ્રહચરિતનાટક’ વગેરે 25 જેટલા ગ્રંથોનાં ઉદ્ધરણો તેમની બંને પત્નીઓએ રચેલી ‘રાજશેખરની ‘વિદ્ધશાલભંજિકા’ પરની ‘ચમત્કારતરંગિણી’ નામની ટીકામાં આપવામાં આવ્યાં છે.
પ્ર. ઉ. શાસ્ત્રી